વેપાર

એક સહારો જિંદગી માટે…

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

આજની ફાસ્ટ અને ભૌતિક સફળતાની રેટ રેસની જિંદગીમાં લોકોને ઘણા સારા માઠા અનુભવો થતા હોય છે પણ તેમાંના કેટલાંક અનુભવો એવા ચીરસ્મરણીય
હોય છે.

અકસ્માત થવો એ પણ માણસની જિંદગીનો એક ભાગ જ છે. સામાન્યપણે અકસ્માત દુ:ખદ હોય છે પણ કયારેક દુ:ખદ અકસ્માતમાં પણ જિંદગીમાં સુખદ યાદ બની રહે છે અને આવું જ કંઇક બનેલું ઇંગ્લેન્ડના એક એથ્લિટ ડેરેક રેડમેન્ડ સાથે.

૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના જન્મેલા અશ્ર્વેત ડેરેક રેડમેન્ડની જિંદગીનું સ્વપ્ન હતું એક વીનર એથ્લિટ બનવાનું અને તેણે તેના માટે તનતોડ મહેનત કરીને ૧૯૮૫માં ૪૦૦ મીટરની દોડ ૪૪.૮૨ સેક્ધડમાં જીતીને એક નવો રેકોર્ડ પણ સ્થાપેલો હતો. ડેરેકે ૧૯૮૬માં યુરોપિયન અને કોમન વેલ્થ ગેમમાં પણ ૪ બાય ૪૦૦ની રીલે રેસમાં પણ ગોલ્ડ મેડલ જીતેલા હતા. સાથોસાથ ૧૯૮૬માં જ ૪ બાય ૪૦૦ની રીલે રેસની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીતેલો હતો પણ તેની જિંદગીનું સ્વપ્નતો હતું ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું.

બારસેલા ઓલમ્પિકમાં ૧૯૯૨:
૧૯૯૨માં ઓલમ્પિકમાં હોસ્ટ કરવાનું સદ્ભાગ્ય સ્પેનને મળેલું હતું અને આમાં ભાગ લેવાનો સુવર્ણ અવસર ડેરેકને મળેલ હતો. જેમાં એથ્લેટિકસના ઇવેન્ટસમાં તેને તેના જીવનનું બહુમૂલ્ય સ્વપ્ન સાકાર કરવાનો મોકો મળેલો હતો. બારસેલા ઓલમ્પિકની ૪૦૦ મીટરની દોડમાં કવોર્ટર ફાઇનલ મેચ જીતીને ડેરેક તેના સ્વપ્નાથી ૨ કદમ દૂર હતા. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ પણ કહેવાય છેને ધેર આર લોટ ઓફ સ્લીપ બીટવીન કપ એન્ડ લીપ!
બારસેલા ૪૦૦ મીટર સેમી ફાઇનલ દોડની તૈયારીઓ થઇ ગયેલી હતી. ખેલાડીઓએ મેદાનમાં પોઝિશન લઇ લીધી હતી. ૬૫,૦૦૦ દર્શકોની કેપેસીટીવાળું સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. બ્રિટિશ લોકો તેના ખેલાડીને પ્રોત્સાહન આપવા માટે ઇંગ્લેન્ડથી સારી સંખ્યામાં આવેલા હતા.

૪૦૦ મીટર દોડની રેસમાં કેટલાય દેશના ખેલાડીઓ સામેલ હતા. જેમાંના એક અશ્ર્વેત ખેલાડી ડેરેક રેમન્ડ ઉપર બધાની નજર ટીકી હતી કે તે તો જરૂર આ રેસ જીતીને ફાઇનલમાં તેનું સ્થાન પાકું કરી લેશે.

પિસ્તોલ ફાયર કરીને રેફરીએ ૪૦૦ મીટરની દોડનું સિગ્નલ આપી દીધું અને એથ્લિસ્ટોએ દોડવાનું શરૂ કરી દીધું બધા એથ્લિસ્ટ તેની જિંદગીનું બેસ્ટ આપવા માગતા હતા અને તેમાંના એક એથ્લિસ્ટ હતા ડેરેક રેમન્ડ.

રેસ પૂરી થવામાં ૧૭૫ મીટરની દૂરી જ રહી ગઇ હતી ત્યાં જ સ્ટેડિયમમાં સ્મશાન જેવી શાંતિ છવાઇ ગઇ દોડતા દોડતા ડેરેક રેમન્ડ લડખડાવા લાગ્યા અને ટ્રેક પર પડી ગયા કારણ કે તેના પગના સ્નાયુ ખેંચાઇ ગયા હતા.

બ્રિટિશ લોકોની આંખમાં આંસુ હતા અને હસીમજાકની જગ્યાએ સ્ટેડિયમમાં લોકો ગમગીન થઇને બેઠા હતા. ત્યાં જ સ્ટેડિયમમાં રહેલા પ્રેક્ષકોમાંથી એક આધેડ અશ્ર્વેત પુરુષ ઝડપથી ડેરેક તરફ દોડવા લાગ્યા. સિક્યોરિટીએ તેને રોકવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ તેની પરવાહ કર્યા વગર ઓલમ્પિક રેસના એથ્લિટની સ્પીડથી આ વ્યક્તિ ડેરેક રેમન્ડ સુધી પહોંચી ગયા અને તેના ખભાનો સહારો આપીને ડેરેક રેમન્ડને દોડ પૂરી કરવામા મદદ કરવા લાગ્યા અને જયારે ફિનિશ લાઇન માત્ર ૨ મીટર જ દૂર હતી ત્યારે તેણે તેના ખભાનો સહારો પાછો લઇ લીધો અને ડેરેકને કહ્યું કે જો દોડીને રેસ પૂરી કરી લે. ફીનીશ લાઇન પૂરી કરીને આ બન્ને અશ્ર્ચેત પુરુષો એક બીજાને ગળે લાગીને જમીન પર ફસડાઇને પડી ગયા અને સ્ટેડિયમમાં બેસેલા ૬૫,૦૦૦ પ્રેક્ષકોએ ઊભા થઇને આ બન્ને અશ્ર્વેતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલા કારણકે પ્રેક્ષકોમાંથી દોડીને આવેલા અને ડેરેકને ખભાનો સહારો આપનાર વ્યક્તિ હતા ડેરેકના પિતા જીમ રેમન્ડ!!

૧૯૯૨ના બારસેલા ઓલમ્પિકની આ એક ચીરસ્મરણીય ઘટના બની ગઇ. આ બનાવનો વીડિયો બનાવીને તેનું નામ આપવામાં આવ્યું. સેલિબ્રિટી હ્યુમાનીટી અને લખવામાં આવ્યું કે “યુ મેઝર સ્પીડ ઇન સેક્ધડ બટ કાન્ટ મેઝર કરેજ. ૨૦૧૨ના ઓલમ્પિક ગેમ્સમાં ડેરેક રેમન્ડના પિતા જીમ રેમન્ડને ઓલમ્પિક ગેમમાં મશાલ લઇને દોડવાનું માન આપીને ઉત્કૃષ્ટ બાપ બનાવાના ઉદાહરણને બિરદાવવામાં આવશે. આને કહેવાય સ્પોર્ટસમેન સ્પિરિટ.

આ બનાવ બાદ તો ડેરેક રેમન્ડને ડૉક્ટરે સલાહ આપી કે તે ભવિષ્યમાં ક્યારેય એથ્લિટ ઇવેન્ટમાં ભાગ નહીં લઇ શકે આ સાંભળીને ડેરેક સાવ નાસીપાસ થઇ ગયા ત્યારે ફરી તેના પિતા જીમ ડેરેકે તેને હિંમત આપીને બાસ્કેટ બોલ રમવાની પ્રેરણા આપી કારણ કે બાસ્કેટ બોલમાં સ્પીડથી દોડવું એ એક ઉત્તમ ક્વોલિટીની જરૂરિયાત છે કેટલીય કલબોએ તેની રિકવેસ્ટ રિજેક્ટ કરી દીધી પણ ડેરેક તેના પ્રયત્નો ચાલુ જ રાખ્યા અને અંતમાં એક સફળ બાસ્કેટ બોલ ખેલાડી સાથે રગ્બીમાં પણ ભાગ લઇને તેની ખેલ કારકિર્દી પૂરી કરી ડેરેક રેમન્ડ કદાચ દુનિયામાં એક માત્ર ખેલાડી હશે જેણે એથ્લિટિક્સ, બાસ્કેટ બોલ અને રગ્બીમાં સફળ કેરીયર બનાવેલી હોય.

બાપ દીકરાના સંબંધો અને લાગણીનાં બંધનો બધે સરખા જ હોય છે પછી તે ભારત, યુરોપ કે આફ્રિકાના હોય અને હા સંબંધો દર્શાવવાના તરીકાઓ અલગ હોય શકે પણ બાપ બેટાનું બોન્ડિંગ તો સેમ જ હોય છે. આજના જમાનામાં દીકરા કદાચ બાપને પગે લાગવાની બદલે ગળે લાગવાનું પસંદ કરવાથી કે પછી તેના જયશ્રી કૃષ્ણ કે જય જીનેન્દ્રની જગ્યાએ હાય કે હેલો કહે પણ તેનાથી તેનું પિતા માટેનું માન કંઇ ઓછું નથી થઇ જતું તે સ્વીકારવાની જરૂર માતા-પિતાને છે. વેસ્ટમાં બધુ ખરાબ જ છે અને મા-બાપને દીકરા-દીકરીઓને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે તેવા વિચારો અને લખાણોએ અતિશયોકિતની પરાકાષ્ઠા છે. ડેરેક રેમન્ડ અને જીમ રેમન્ડે પ્રૂવ કરી બતાવ્યું કે લોહીના સંબંધોની મધુરતા અને ઘનિષ્ઠતા કલર કે કાસ્ટ વગર બધે સરખી જ છે. કારણ કે “ફેમિલી ઇઝ નોટ એન ઇમ્પોર્ટન્ટ થીંગ બટ એવરીથીંગ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button