123 તાલુકાઓમાં દેધનાધન: તાપીના સોનગઢ-વ્યારાના સાડા આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ
અમદાવાદ: ગુજરાતના સતત બે દિવસની વરાપ બાદ આજે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું છે. શ્રાવણના અંતિમ દિવસે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. રાજ્યના 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તાપીના સોનગઢ અને વ્યારાના સાડા આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. ભરૂચમાં માત્ર માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જો કે બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં સારા પ્રમાણમાં વરસાદ ખાબક્યો છે. આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વ્યારા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. તાપીના સોનગઢમાં 8.66 ઈંચ, વ્યારામાં 8.27 ઇંચ જ્યારે ડાંગના વઘઇમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય તાપીના ઉચ્છલમાં 6.85 ઇંચ, ડોલવણમાં 6.57 ઇંચ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ફરી મેઘરાજા ગુજરાત પધાર્યા, જાણો અપડેટ
નવસારીના વાંસદામાં 6.54 ઇંચ, ભરૂચમાં 6.34 ઇંચ, ડાંગના સુબીરમાં 5.87 ઇંચ, આહવામાં 4.33 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચમાં માત્ર માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને વરસાદના રેડ એલર્ટના પગલે આવતીકાલે ભરૂચની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકાઓમાં 3 ઇંચથી લઈને સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 41 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. નવસારી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિત છે.