નેશનલ
₹ ૨,૦૦૦ની નોટ બદલવાની સમયમર્યાદા વધારાઈ
મુંબઈ: અર્થતંત્રમાંથી રૂ. ૨૦૦૦ની ચલણીનોટો પાછી ખેંચી લેવાની સમયમર્યાદા એક અઠવાડિયું લંબાવીને ૭ ઑક્ટોબર કરવામાં આવી હોવાનું આરબીઆઈએ શનિવારે જણાવ્યું હતું. ૧૯ મેથી અત્યાર સુધીમાં જનતાએ રૂ. ૨૦૦૦ના મૂલ્યની રૂ. ૩.૪૨ લાખ કરોડની ચલણીનોટ જમા કરાવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. ૨૯મી સપ્ટેમ્બર સુધીમાં ચલણમાંથી કુલ ૯૬ ટકા નોટ પાછી આવી ગઈ હોવાનું રિઝર્વ બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું. અગાઉ, રૂ. ૨૦૦૦ની ચલણીનોટ બદલવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર મુકરર કરવામાં આવી હતી. ૨૯ સપ્ટેમ્બર સુધીમાં આ ચલણીનોટો બૅન્કની શાખાઓમાં જમા કરાવવામાં કે પછી ત્યાંથી બદલાવવામાં આવી હતી. ૭ ઑક્ટોબર બાદ પણ રૂ. ૨૦૦૦ની ચલણીનોટને કાયદેસર ગણવામાં આવશે. (એજન્સી)