“વિધાનસભા ચૂંટણીથી ભાજપમાં છે ડરનો માહોલ” અભિષેક મનુ સંઘવીનો દાવો…
નવી દિલ્હી: “દેશમાં વિધાનસભા ચૂંટણીઓથી ભાજપ ડરી રહી છે અને હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીત મેળવશે.” આ દાવો કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય અને જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કર્યો છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓ બાદ ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને જ્યારે તેમને મીડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આટલા વર્ષોથી હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ એક સાથે થઈ રહી છે, તો પછી મહારાષ્ટ્રમાં ચૂંટણીને કેમ ટાળવામાં આવી?
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં PM Modiની રેલીનો માસ્ટરપ્લાન તૈયાર
તેમણે એક ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતાં કહ્યું હતું કે “જો તમે ભાજપના કોઈ વ્યક્તિની સાથે વાત કરશો, તો તમને ખબર પડશે કે ચાર રાજ્યોને લઈને બધા ગભરાયેલા છે. હરિયાણાની વાત કરો… સરમુખત્યારશાહીના લીધે કોઈ ખૂલીને બોલી શકતું નથી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આવી જ સ્થિતિ છે.” ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો માટે કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું જ્યારે હરિયાણામાં એક તબક્કામાં જ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
સિંઘવીએ કહ્યું, “મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓ અલગ-અલગ કેમ થઈ રહી છે? શા માટે અત્યાર સુધી ‘લાડલી બેહન’ કેમ યાદ ન આવી? શું આ નૈતિક છે? શું તમે કોઇ સમાન અવસરની સ્થિતિ માટે કઈ કર્યું? તેમણે સરકાર સામે પ્રશ્ન કરતાં કહ્યું હતું કે તમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નુકસાન પહોંચાડ્યું છે.”
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ અંગે તેમણે કહ્યું કે ગઠબંધનની રાજનીતિ આ સરકાર માટે ઘણા પીડાદાયક પાઠ ભણાવનારી હશે કારણ કે તે તેમના સ્વભાવમાં નથી અને આજે પણ તેઓ અનિચ્છા અને મજબૂરીથી આ કરી રહ્યા હોઈ શકે છે, એટલા માટે નહીં કે તેઓ તેમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે દાવો કર્યો કે લોકસભાની ચૂંટણીમાં જનતાએ અહંકારની ચરમ સીમા અને હંમેશા અજય હોવાની ધારણાને નેશ નાબૂદ કરી દીધી છે.