નેશનલ

જાતિ આધારિત વસ્તી ગણતરી પર RSSનું નિવેદન “ચૂંટણી માટે નહિ કલ્યાણના ઉદ્દેશથી થવી જોઈએ”

નવી દિલ્હી: દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ભારે ગાજી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે જાતિ આધારીત વસ્તીગણતરીને માત્ર રાજકીય લાભ માટે ન કરાવવામાં આવે. આરએસએસના પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે કહ્યું હતું કે હિંદુ ધર્મ માટે જાતિ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. ચૂંટણીથી પર ઊઠીને આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. જો કોઈના વિકાસ માટે જરૂરી હોય તો જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ માત્ર રાજકીય લાભ લેવા ખાતર નહિ.

કેરળના પાલલક્કાડ જિલ્લામાં ત્રણ દિવસીય સંકલન બેઠકના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા આરએસએસએ જણાવ્યું હતું કે, “જાતિગત વસ્તી ગણતરી અત્યંત સંવેદનશીલ વિષય છે. જેનાથી સમાજની એકતા અને અખંડિતતા પર ખતરો છે. આ વિષય પર પંચ પરિવર્તનમાં ચર્ચા કરવામાં આવી હતી. અમે મોટાપાયે સમરસતાથી કામ કરીશું. સમાજના જાતિની આધારિત મુદ્દા ખૂબ જ સંવેદનશીલ હોય છે અને રાષ્ટ્રીય એકીકરણ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર કે રાજકીય લાભ ખાતર ન થવો જોઇએ પરંતુ કલ્યાણકારી ઉદ્દેશ્યો માટે અને ખાસ તો દલિતોની વસ્તી જાણવા માટે સરકાર કરી શકે છે.

આ પણ વાંચો : Uttar Pradesh માં વરુના વધતાં હુમલા સંદર્ભે યોગી આદિત્યનાથે આપ્યો આ આદેશ

આરએસએસના આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, “આરએસએસે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તે કહે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી સમાજ માટે સારી નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ અને આરએસએસ જાતિની વસ્તી ગણતરી કરવા માંગતા નથી. તેઓ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને તેમના અધિકારો આપવા માંગતા નથી, પરંતુ તે લખીને રાખજો કે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને કોંગ્રેસ એ કરાવશે.”

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દેશભરમાં જાતિ ગણતરીની માંગ કરી રહી છે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એસસી, એસટી અને ઓબીસી માટે 50 ટકા અનામત મર્યાદાને પાર કરવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું, “અમે જાતિ આધારિત વસ્તી ગણતરી વિના અમે ભારતની વાસ્તવિકતા માટે નીતિઓનું નિર્માણ નથી કરી શકતા. અમારે ડેટાની જરૂર છે કે દલિત, ઓબીસી, આદિવાસીઓ, મહિલાઓ, લઘુમતીઓ, સામાન્ય જાતિના લોકો કેટલા છે?” હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને તેના પર સુનાવણી થવાની બાકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button