આમચી મુંબઈ

કારના VIP નંબર અંગે સરકારે લીધો મોટો નિર્ણય, હવે ચૂકવો….

મુંબઇઃ કાર માટે VIP નંબરો સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. આ નંબરોની લોકપ્રિયતા ઉચ્ચ નેટ-વર્થ ધરાવતા લોકો, મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓમાં વધુ હોય છે. આ તેમની મોંઘી અને લક્ઝરી કાર માટે નંબર વન સિમ્બોલ ગણાય છે. VIP નંબરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર સરકારે નવા વાહનો માટે સામાન્ય રીતે VIP નંબર તરીકે ઓળખાતા “પસંદગી નંબરો” માટેની ફીમાં ધરખમ વધારો કર્યો છે. આ વધારા પછી, મુંબઈ, પૂણે અને અન્ય ઉચ્ચ માંગવાળા શહેરોમાં ફોર-વ્હીલર માટેના સૌથી લોકપ્રિય ‘0001’ નંબરની ફી હવે 6 લાખ રૂપિયા થઈ જશે. આ નિર્ણય 30 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા ટ્રાન્સપોર્ટ વિભાગના નોટિફિકેશન બાદ લેવામાં આવ્યો છે.

આ નવી ફી જૂની ફી કરતા ઘણી વધારે છે. અગાઉ ફોર-વ્હીલર માટે ‘0001’ નંબરની ફી 3 લાખ રૂપિયા હતી, જે હવે વધીને 6 લાખ રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે ટુ અને થ્રી વ્હીલર માટે આ ફી રૂ. 50,000થી વધીને રૂ. 1 લાખ થશે. મુંબઈ, પૂણે, થાણે, ઔરંગાબાદ, નાશિક અને કોલ્હાપુર જેવા VIP નંબરોની ઉચ્ચ માંગવાળા વિસ્તારોમાં, ફોર-વ્હીલર વાહનો માટે ‘0001’ નંબર લેવા માટેની ફી હવે રૂ. 6 લાખ થશે, જે અગાઉ રૂ. 3થી 4 લાખ હતી.

આ ફી વધારા ઉપરાંત, જો કોઈ વાહન માલિક તેના વાહન માટે બીજી સિરીઝમાંથી ‘0001’ નંબર લેવા માંગે છે, તો તેણે તેના માટે 18 લાખ રૂપિયા સુધી ચૂકવવા પડશે. એટલે ધારો કે તમે કોઇ કાર લીધી છે અને અંધેરી આરટીઓ (MH-02)માં રજિસ્ટર્ડ કરાવો છો. એ સમયે અંધેરી આરટીઓમાં LA સિરીઝ ચાલી રહી છે, હવે જો આ સિરીઝમાં ‘0001’ નંબર કોઇ અન્ય કારવાળાએ લઇ લીધો છે તો તમારે બીજી નવી સિરીઝમાંથી (કદાચ LB કે LC) સિરીઝમાંથી ‘0001’ આ નંબર લેવો પડશે , જે માટે તમારે 18 લાખ જેટલી રકમ ચૂકવવી પડશે.

આ કિંમત નવી મિડ-સેગમેન્ટની કાર જેટલી હોઈ શકે છે. અગાઉ, આ પ્રકારના આઉટ-ઓફ-સિરીઝ VIP નંબર માટે રૂ. 12 લાખનો ચાર્જ હતો, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી સંસ્થાઓ દ્વારા ચૂકવવામાં આવતો હતો.

મહારાષ્ટ્ર સરકારે દરેક રજિસ્ટ્રેશન સિરીઝમાં 240 VIP નંબરો ઓળખી કાઢ્યા છે, જેમાં ‘0009’, ‘0099’, ‘0999’, ‘9999’ અને ‘0786’ જેવા મહત્વના નંબરોનો સમાવેશ થાય છે. આ નંબરોની ફી પણ ચાર અને વધુ પૈડાવાળા વાહનો માટે 1.5 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તે જ સમયે, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે આ ફી 20,000 રૂપિયાથી વધીને 50,000 રૂપિયા થઈ ગઈ છે. અન્ય લોકપ્રિય નંબરો માટે પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. 16 લોકપ્રિય નંબરો માટેની નવી ફી ફોર-વ્હીલર માટે રૂ. 70,000થી વધીને રૂ. 1 લાખ અને ટુ-વ્હીલર માટે રૂ. 15,000થી વધીને રૂ. 25,000 કરવામાં આવી છે. આ ઉપરાંત, 49 અન્ય નંબરોની ફી પણ રૂ. 50,000 થી વધારીને રૂ.

70,000 અને ટુ અને થ્રી વ્હીલર માટે રૂ. 15,000 કરવામાં આવી છે. વધુમાં, રાજ્ય સરકારે પરિવારના તાત્કાલિક સભ્યો જેમ કે પત્ની, પુત્ર અને પુત્રીને VIP નંબર ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. અગાઉ આ પ્રકારના ટ્રાન્સફર પર પ્રતિબંધ હતો.

આ ફી વધારાથી રાજ્યના પરિવહન વિભાગ માટે વધારાની આવક ઊભી થવાની ધારણા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button