Gujarat માં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરેલી આગાહી મુજબ દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે. જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આજે દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં યલો એલર્ટ
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બીજી સપ્ટેમ્બર સોમવારના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.
ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરની અગાહી
હવામાન વિભાગ દ્વારા ત્રીજી સપ્ટેમ્બર મંગળવારના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 4થી સપ્ટેમ્બર મંગળવારના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપી છે.
આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની અગાહી મુજબ પાંચમી સપ્ટેમ્બર બુધવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદમાં વરસાદ બંધ થતાં તાપમાનનો પારો ઉંચે ચઢતા ફરી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી વધ્યુ છે. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.