અનામત આપતી વખતે ઓબીસી-મરાઠા સંઘર્ષ ન સર્જાય તેનું ધ્યાન રખાશે: ફડણવીસ
ચંદ્રપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અનામત આપતી વખતે અન્ય પછાત વર્ગો અને મરાઠા સમુદાય વચ્ચે સંઘર્ષ પેદા કરે તેવું પગલું નહીં લે.
ચંદ્રપુરમાં અનામત માટે મરાઠાઓને ઓબીસી સેગમેન્ટમાં સામેલ ન કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ઓબીસી સમુદાયના સભ્યો સાથે ફડણવીસે વાતચીત કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન છેલ્લા૧૯ દિવસથી ભૂખ હડતાળ કરી રહેલા રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘના વિદ્યાર્થી પાંખના વડા રવિન્દ્ર ટોંગેને મળ્યા. ફડણવીસે તેમને કલેક્ટર કચેરીની સામે જ્યુસ આપ્યા પછી ટોંગેએ તેમની હડતાળ પાછી ખેંચી હતી.
ફડણવીસની સાથે કેબિનેટ પ્રધાન સુધીર મુનગંટીવાર, ધારાસભ્ય કિશોર જોર્ગેવાર, ધારાસભ્ય કીર્તિકુમાર ભાંગડિયા, રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘના પ્રમુખ બબનરાવ તાયવાડે અને અન્ય લોકો હતા.
વિરોધકર્તાઓને સંબોધતા ફડણવીસે કહ્યું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મરાઠા અને ઓબીસી માટે આરંક્ષણ આપવા અંગે ખૂબ જ સકારાત્મક છે. સરકાર કોઈપણ સમુદાયને અન્યાય નહીં કરે અને તેમની વચ્ચે સંઘર્ષ પણ નહીં થવા દે. રાજ્ય સરકાર ઓબીસીને આપેલા વચનોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને સમુદાયના વિકાસ માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે.
રાજ્ય સરકારે ઓબીસીની તરફેણમાં નિર્ણયો લીધા છે, જેમાં વિદેશમાં શિક્ષણ માટે શિષ્યવૃત્તિ અને સમુદાયના યુવાનો માટે છાત્રાલયોનો સમાવેશ થાય છે, તેમણે ઉમેર્યું હતું કે, હોસ્ટેલ માટે ઇમારતો લીઝ પર લેવામાં આવશે. અલગ ઓબીસી મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે . સરકાર ઓબીસી માટેની યોજનાઓ કેન્દ્રિત રીતે ચલાવવામાં આવે તે સુનિશ્ર્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમુદાયના હિતમાં નિર્ણયો લીધા છે. અગાઉ, સરકારી મેડિકલ કૉલેજોમાં ઓબીસી માટે કોઈ અનામત ન હતું, પરંતુ ૭૦ વર્ષ પછી પહેલીવાર મોદીએ સમુદાયને ૨૭ ટકા અનામત આપી છે. (પીટીઆઈ)