નેશનલ

રાજસ્થાનની શાળાઓમાં નહિ ભણાવાય “મહાન અકબર”, શિક્ષણ પ્રધાને કર્યું એલાન

જયપુર: રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર દ્વારા ફરી એકવખત અકબરને લઈને એક મોટું નિવેદન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે હવે રાજસ્થાનની શાળાઓમાં મોગલ શાસક અકબરને ભણાવવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, મહારાણા પ્રતાપથી મહાન કોઇ નથી અકબર પણ નહિ. એટલું જ નહીં, શિક્ષણ મંત્રી દિલાવરે કહ્યું કે અકબરે ભારતને ઘણા વર્ષો સુધી લુંટ્યું છે અને હવે અકબરને મહાન ભણાવનારા લોકો આગળના આવું ભણાવી શકશે નહીં. રાજસ્થાનમાં ફરી એકવાર મહારાણા પ્રતાપ અને અકબરને લઈને વિવાદના ઉદ્ભવના એંધાણ દેખાઈ રહ્યા છે.

રાજસ્થાનના શિક્ષણ પ્રધાન મદન દિલાવરે રવિવારે ઉદયપુરમાં આયોજિત 28માં રાજ્ય સ્તરીય ભામાશાહ સન્માન સમારોહમાં મોગલ શાસક અકબરને લઈને આ નિવેદન આપ્યું હતું. જેને પગલે રાજકારણમાં ચર્ચા શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દિલાવર આ પહેલા પણ અકબર વિશે નિવેદન આપતા રહ્યા છે. આજે તેણે ફરી પોતાની વાતનું પુનરાવર્તન કર્યું છે. દિલાવરે કહ્યું કે એવો વ્યક્તિ કેવી રીતે મહાન હોઈ શકે જે મીના બજારનું આયોજન કરતો હતો અને મહિલાઓનું અપહરણ કરતો હતો.

દિલાવરે કહ્યું કે જેઓ અકબરને મહાન કહે છે અને તેની કથાઓ ભણાવવામાં આવી તે મેવાડ અને રાજસ્થાનના દુશ્મન છે. હું શપથ લઉં છું કે હવેથી અકબરને રાજસ્થાનમાં કોઈ પુસ્તકમાં મહાન શાસકના રૂપમાં નહિ ભણાવવામાં આવે. આ વર્ષે જાન્યુઆરીમાં તેણે મુઘલ બાદશાહ અકબરને ‘બળાત્કારી’ પણ કહી દીધા હતા. તેમની ટિપ્પણીઓ સરકારમાં ફેરફાર બાદ શાળાના પાઠ્યપુસ્તકોમાં નોંધપાત્ર સુધારાઓ અંગેની ચર્ચાઓના જવાબમાં કરવામાં આવી હતી.

30 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “આપણાં અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ અનૈતિક નિવેદનો આપતી અથવા મહાપુરુષોનું અપમાન કરતી સામગ્રી દૂર કરવામાં આવશે. વીર સાવરકર અને શિવાજી જેવા આપણા પૂર્વજો વિશેના ઉલ્લેખોમાં ઘણું બધું ગેરમાર્ગે દોરનારૂ છે અને તેવી માહિતીઓને સુધારવામાં આવશે.

તેમણે આગળ કહ્યું હતું કે “ઘણા પાઠ્યપુસ્તકોમાં એવું કહેવામાં આવ્યું છે કે સાવરકર દેશભક્ત ન હતા. જ્યારે અકબરને મહાન માણસ માનવામાં આવે છે, તો શિવાજીને ‘પહાડી ઉંદર’ કહેવામાં આવે છે, અને મહારાણા પ્રતાપની ભૂમિકાની તુલના અકબરની ભૂમિકા સાથે કરવામાં આવે છે.” આવા નિવેદનો સ્વીકાર્ય નથી અને તેની સમીક્ષા કરવામાં આવશે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button