છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘ નખ’ મહારાષ્ટ્રમાં ફકત ત્રણ વર્ષ માટે
મુંબઈ: સાંસ્કૃતિક બાબતોના વિભાગે આ અઠવાડિયે જારી કરેલા જીઆરમાં જણાવ્યું હતું કે અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજે વાપરેલા વાઘ નખ મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવશે. વાઘ નખ ત્રણ વર્ષ માટે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી લોન પર આપવામાં આવશે.
સરકારે કહ્યું કે મૂલ્યવાન શસ્ત્રોને ચાર સંગ્રહાલયો – મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, સતારામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, નાગપુરમાં સેન્ટ્રલ મ્યુઝિયમ અને કોલ્હાપુરમાં લક્ષ્મી વિલાસ પેલેસમાં સામાન્ય લોકો જોઈ શકે તે માટે રાખવામાં આવશે.
લંડનથી વાઘ નખને પરત લાવવા માટે સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાની યોજના બનાવવા માટે રાજ્ય સરકારે ૧૧ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ રાજ્યમાં વાઘ નખના પ્રદર્શન અને જાહેર કાર્યક્રમો માટેની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપશે. સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે નવેમ્બરમાં વાઘ નખ મુંબઈ લાવવામાં આવશે. મુનગંટીવાર યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેશે અને ત્રીજી ઑક્ટોબરે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. તેમણે વધુમાં કહ્યું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે લંડન જશે, પરંતુ શિંદેએ તાજેતરમાં જ તેમનો અઠવાડિયાનો યુકે અને જર્મની પ્રવાસ રદ કર્યો હતો.૧૧ સભ્યોની આ સમિતિના અધ્યક્ષ સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ વિકાસ ખડગે છે.
આમાં સરકારી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશ્નર મુંબઈ અને નાગપુર, રાજ્ય પુરાતત્વ નિયામક અને સંગ્રહાલયના નિયામક તેજસ ગર્ગે પણ સમિતિમાં સામેલ છે. વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાઘના પંજાના પ્રદર્શનથી શસ્ત્રોના ઈતિહાસમાં નવા સંશોધનની શરૂઆત થશે.મ્યુઝિયમના પ્રવક્તાએ કહ્યું હતું કે અફઝલ ખાન પર છત્રપતિ શિવાજી મહારાજના વિજયની ગાથા ઐતિહાસિક છે, તેથી અમને આનંદ છે કે ૩૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે વાઘના પંજા ભારતમાં લઈ જવામાં આવી રહ્યા છે.