જ્ઞાનથી ઉઘડતી મુક્તિની સંભાવના
ચિંતન -હેમુ ભીખુ
જ્ઞાનનો અનેરો મહિમા છે. ગીતામાં તો કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન અન્ય કશું પવિત્ર નથી, જ્યારે પવિત્ર બાબતને ધારણ કરવામાં આવે ત્યારે આપમેળે પવિત્રતાની સ્થાપના થાય. આ પવિત્રતા આગળના માર્ગ ખોલી નાખે. પવિત્રતાની હાજરીમાં અશુભ બાબતો સ્પર્શી ન શકે. અશુભની બાદબાકી થતાં આપમેળે શુભતાનું – સાત્ત્વિકતાનું – આધ્યાત્મિકતાનું સામ્રાજ્ય સ્થપાતું જાય, અને મુક્તિના દ્વાર ખૂલતા જાય.
સમજવાની વાત એ છે કે માહિતી એ જ્ઞાન નથી. ઉપનિષદોમાં શું શું લખાયું છે તેની જાણકારી આપનાર ઘણા મળી રહેશે, પરંતુ ઉપનિષદનો આત્મા જે આત્માની ઓળખ છે તે વિશેનો સાચો ચિતાર તો જેણે આત્માનો અનુભવ કર્યો હોય તે જ્ઞાની જ આપી શકે. બ્રહ્મસૂત્રમાં જણાવાયેલ સત્ય સમજવામાં કેટલું મુશ્કેલ છે તેની વાત ઘણા કરશે, પણ તે સરળતાથી સમજાવવા માટેનો પ્રયત્ન જ્ઞાની જ કરી શકે. તેના વિશે વાતો તો ઘણા કરશે, પણ સાંખ્યદર્શન તો જ્ઞાની જ સમજાવી શકે. જ્ઞાની જ વિજ્ઞાન-ભૈરવનો આધાર પ્રસ્તુત કરી શકે. ગીતા વિશે પ્રવચન તો ઘણા આપે છે, ગીતામાં જણાવેલ અગત્યની દસ વાતો સોશિયલ મીડિયામાં ફરતી જ રહે છે, પણ ભાગ્યે જ આમાંથી કોઈને ગીતાનું વાસ્તવિક જ્ઞાન હોય છે. કુંડલિનીના વિજ્ઞાનની ચર્ચા હવે તો સામાન્ય વાત બનતી જાય છે – કેટલા ચક્રો, કયો રંગ, કયો આકાર, કયું પુષ્પ, કયું સ્થાન – આ બધી ચર્ચામાં ભાગ લેનાર કોઈની પણ કુંડલીની જાગ્રત નહીં હોય તેવી મારી દૃઢ માન્યતા છે. પતંજલિના યોગ-સૂત્ર વિશે પ્રવચન આપનારે ભાગ્યે જ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી શકી હશે.
માહિતી એ જ્ઞાન નથી. જાણકારી એ જ્ઞાન નથી. માહિતીને આધારે શબ્દોની માયાજાળ રચનાર જ્ઞાની નથી. કોઈ વાત કંઠસ્થ થઈ ગઈ હોય એનો અર્થ એમ નથી કે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. વાત વાતમાં ગીતાના શ્ર્લોક બોલનાર વ્યક્તિ વાસ્તવમાં ગીતાને જાણે છે એમ માની ન શકાય. સફરજન શબ્દની ભાષાકીય ઉત્પત્તિ, તે શબ્દનું બંધારણ તથા તેના ઉપયોગમાં રહેલી સંભાવનાઓ પર વાત કરવાથી સફરજનના સ્વાદની ખબર ન પડે – તે સ્વાદની અનુભૂતિ ન થાય. સફરજન પર મહાન બંધ લખવાથી, સફરજનનું કલાત્મક વર્ણન કરવાથી, સફરજનનું આબેહૂબ ચિત્રણ કરવાથી કે સફરજન વિશે કોઈ કાવ્ય લખવાથી સફરજનનો સ્વાદ ધ્યાનમાં ન આવે. સફરજનની અનુભૂતિ માટે તો તેને ખાવું પડે. જ્ઞાનની અનુભૂતિ અનુભવવાની હોય. ઘણીવાર એમ લાગે છે કે જ્ઞાન એ અનુભૂતિનો વિષય છે, તર્કબદ્ધ દલીલ કે કલાત્મકતાનો નહીં.
સનાતનની સંસ્કૃતિમાં વેદ યાદ રાખવાની એક પરંપરા હતી. વ્યક્તિને કેટલા વેદ કંઠસ્થ છે તેને આધારે તેની વેદી, દ્વિવેદી, ત્રિવેદી કે ચતુર્વેદી તરીકે ઓળખ સ્થપાતી. પાઠક જેવી ઓળખ માટે પણ આવો જ આધાર હતો, પણ આ તો એક પદ્ધતિ હતી, વેદની પરંપરા ચાલુ રાખવાની. તે વખતે મુદ્રણ વ્યવસ્થા ન હોવાથી વેદની પરંપરા ચાલુ રાખવા માટે આ સિવાય કોઈ વિકલ્પ ન હતો. તો પણ આ પ્રથામાં સમજનો આગ્રહ રાખવામાં આવતો. ત્રિવેદી વ્યક્તિને ત્રણ વેદ કંઠસ્થ હોય તે સાચું, પણ સાથે સાથે તેને એ ત્રણેય વેદની સમજ પણ રહેતી. સમજ વગરની સ્મૃતિ તે વખતે પણ માન્ય ન હતી. અહીં સ્મૃતિ અને સમજનો સમન્વય હતો. પરિસ્થિતિને કારણે અસ્તિત્વમાં આવેલી આ એક વ્યવસ્થા હતી – પરિણામ હતું.
જોકે સમજ અને જ્ઞાનમાં પણ ભેદ છે. સમજમાં જે પણ કહેવાયું છે તે યોગ્ય સ્વરૂપે જાણવાની વાત છે જ્યારે જ્ઞાનમાં તે સ્વરૂપની અનુભૂતિની વાત છે. સમજ એ વચગાળાનું પગલું છે. પહેલા વાંચન આવે, પછી તેના પર મનન થાય, પછી થોડું ચિંતન થાય, પરિણામે કોઈક બાબત સ્મરણમાં અંકિત થાય, પછી તેની વિશેષતાને અન્ય સાથે સાપેક્ષતામાં સરખાવવાથી સમજ ઊભી થાય. આ સમજને જ્યારે જીવનમાં ઉતારવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટે. અંતિમ ધ્યેય જ્ઞાન છે. જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો બધું જ વ્યર્થ છે. જ્ઞાનથી જ મુક્તિની સંભાવના ઊઘડે છે.
જ્ઞાતે તત્ત્વે ક: સંસાર: – આદિ શંકરાચાર્ય દ્વારા લખાયેલ ભજગોવિંદમ્ સ્તોત્રમાં આ વાત કહેવાઈ છે. યુવાની વીતી ગયા પછી કામવાસના રહેતી નથી, પાણી સૂકાઈ ગયા પછી તળાવમાં કાદવની સંભાવના નથી રહેતી, સંપત્તિ જતી રહે તે પછી સામાજિક તેમ જ કૌટુંબિક સંબંધો ક્ષીણ થવા માંડે છે, તેવી જ રીતે તત્ત્વની સમજ પડતા – મૂળ તત્વ વિશે જ્ઞાન મળે ત્યારે સંસારનું બંધન નાશ પામે છે. સંસારના બંધન પાછળનું મૂળ કારણ અજ્ઞાન છે. અષ્ટાવક્ર ગીતામાં પણ આમ કહેવામાં આવ્યું છે. બંધનની માન્યતા જ બંધન છે, જ્ઞાન પ્રાપ્ત થતાં બંધન નથી તેની સમજ પડે છે અને આપમેળે મૂળ સ્વરૂપની પ્રતીતિ થાય છે – મુક્તિ અનુભવાય છે.
જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ એ બહુ અગત્યની ઘટના છે. જ્ઞાન એટલે જે તે પરિસ્થિતિનું યથાર્થ આકલન. જ્ઞાન એટલે જીવનનું અંતિમ લક્ષ્ય, જેના આધારે તે પરમ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. સમગ્રતામાં જોતાં જ્ઞાન પણ એક સાધન છે, અને પરમ સ્થિતિને પ્રાપ્ત થયા પછી તેનો પણ ત્યાગ કરવો પડે. તેથી જ્ઞાન જીવનનું અંતિમ લક્ષ્ય છે – જ્યાં સુધી જીવન છે ત્યાં સુધીનું તે અંતિમ લક્ષ્ય છે. જીવનને પાર પરિસ્થિતિ બદલાઈ જાય. પછી જ્ઞાન નહીં પણ તેના દ્વારા ઉદ્ભવેલી પ્રતીતિ અગત્યની બની રહે. જ્ઞાનને કારણે તે પ્રતીતિ સંભવ બને પણ પ્રતીતિ થયા પછીની સ્થિતિમાં જ્ઞાન પણ ગૌણ બની રહે. જ્ઞાન સોપાન સમાન છે, ઉપર ચડી ગયા પછી તેનો ત્યાગ કરવાનો હોય. લક્ષ્ય સોપાન નહીં, પરંતુ ઉચ્ચ સ્થાન છે.