પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય છે
મનન -હેમંત વાળા
જ્યારે મહાભારત ઇતિહાસમાં ઘટીત થયું, જ્યારે શ્રીકૃષ્ણએ ગીતામાં ‘સ્વધર્મે નિધનં શ્રેય’ એમ જણાવ્યું ત્યારે વિશ્વમાં એકમાત્ર ‘સનાતની’ વિચારધારા – સનાતન ધર્મ પ્રવર્તમાન હતો. તો પછી પ્રશ્ર્ન એ થાય કે શ્રીકૃષ્ણ જ્યારે પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય એમ કહે ત્યારે તેમણે કયા ધર્મની વાત કરી હશે. આ ધર્મ એટલે ‘ઉત્તરદાયિત્વ’. જ્યારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ – એમ ચાર પ્રકારના પુરુષાર્થની વાત થાય ત્યારે પણ ધર્મને ઉત્તરદાયિત્વ સાથે સાંકળવામાં આવે છે.
ઉત્તરદાયિત્વ ત્રણ પ્રકારના હોય, જન્મ સાથે જોડાયેલું ઉત્તરદાયિત્વ, જે તે પરિસ્થિતિમાં ઉદ્ભવેલું ઉત્તરદાયિત્વ, અને સંસારના સમીકરણ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. મા-બાપની સેવા કે ભાઈ-બહેન માટે સહકાર જેવી બાબતો જન્મ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વ સમાન હોય છે. માર્ગ પર જતી વખતે રસ્તામાં કોઈને અકસ્માત નડ્યો હોય તો તેને મદદરૂપ થવું એ પરિસ્થિતિ દ્વારા ઉદ્ભવેલું પ્રાસંગિક ઉત્તરદાયિત્વ કહેવાય. આ સાથે સમગ્ર સૃષ્ટિના પર્યાવરણ બાબતે પણ ઉત્તરદાયિત્વ હોય છે. આ ત્રીજા પ્રકારનું ઉત્તરદાયિત્વ. આ ત્રણે પ્રકારના ઉત્તરદાયિત્વમાં જન્મ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વ પ્રત્યે વધુ સભાનતા જરૂરી છે. આકસ્મિક ઉત્તરદાયિત્વ માટે કરુણા જરૂરી છે જ્યારે પર્યાવરણ લક્ષી ઉત્તરદાયિત્વ માટે સંવેદનશીલતા જરૂરી છે.
અર્જુન તરીકે જન્મ લેવો એટલે માતા કુંતી તથા અન્ય વડીલો પ્રત્યેની જવાબદારી નિભાવવી જરૂરી બને. સાથે સાથે સહોદર યુધિષ્ઠિર, ભીમ, સહદેવ અને નકુલ પ્રત્યે પણ ખાસ પ્રકારની જવાબદારી જોડાઈ જાય. કુરુવંશમાં જન્મ લીધો એટલે પણ અમુક પ્રકારની જવાબદારી નિભાવવી પડે. ધર્મરાજના સહયોગી તરીકે ધર્મની સ્થાપના માટે પ્રયત્ન પણ કરવો પડે. માર્ગદર્શક શ્રીકૃષ્ણની આજ્ઞા પણ પાડવી પડે. સાથે સાથે દ્રૌપદી, અભિમન્યુ, સુભદ્રા માટે પણ ચોક્કસ પ્રકારની જવાબદારી જોડાઈ જાય. આ જન્મ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વનું ઉદાહરણ. જેમ અર્જુનને તેમ દરેક વ્યક્તિને. જન્મની સાથે કેટલું ઉત્તરદાયિત્વ જોડાઈ જાય જેની નિભાવણી એટલે ધર્મ.
દરેક વ્યક્તિની અજાણી વ્યક્તિ પ્રત્યે પણ જવાબદારી હોય છે. તકલીફના સમયે મદદ કરવી, જરૂરિયાતમંદને આર્થિક તેમજ અન્ય પ્રકારની સહાય કરવી, નિર્દોષને અભયદાન આપવું, સાધુ પુરુષને સંતુષ્ટ કરવા, સાત્વિક પરંપરાનું અનુમોદન કરવું, સંસ્કૃતિની રક્ષા કરવી, આધ્યાત્મિકતાનો વ્યાપ શક્ય હોય તેટલો વધે તે માટે પ્રયત્નશીલ રહેવું, નકારાત્મકતાનું ખંડન કરી હકારાત્મકતા સ્થાપવા પુરુષાર્થ કરવો, સુ-શિક્ષણ તથા સુ-વિચારનો પ્રચાર કરવો, સર્વત્ર શાંતિની કામના કરવી, વડીલો પ્રત્યે વિશેષ વિવેક દાખવવો, સાત્વિકતાનો પ્રભાવ વધારવો તથા શાસ્ત્રોક્ત વિચારધારાનો આગ્રહ રાખવો; જેવી બાબતો સામાજિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આવે. આ આકસ્મિક પણ હોઈ શકે અને પૂર્વ નિર્ધારિત પણ.
ધર્મનું ત્રીજું સ્તર સૃષ્ટિ રચનાના સમીકરણ – પર્યાવરણ પ્રત્યેનું છે. સૃષ્ટિનું દરેક તત્ત્વનું મહત્ત્વ છે. સૃષ્ટિનું દરેક તત્ત્વ સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમનું એક કાર્યક્ષેત્ર હોય છે જે સૃષ્ટિના નિયમો માટે અગત્યની ભૂમિકા સમાન હોય છે. આ બધું જળવાવવું જોઈએ. આ માટે સૃષ્ટિના, પર્યાવરણના દરેક તત્ત્વનું મહત્ત્વ સમજવું પડે અને તેનો પર્યાવરણમાં તેનો ફાળો સ્વીકારવો પડે. સૃષ્ટિના કોઈપણ તત્વને વધારે પડતું નીચોવી ન નખાય કે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન ન કરાય. અહીં બધું જ જરૂરી છે, પરસ્પર સંકળાયેલું છે, પરસ્પરના આધારે છે, સમગ્રતામાં એકબીજા સાથે સંકલિત છે, હેતુસર છે, પરિણામ લક્ષી છે, સપ્રમાણ છે, પરસ્પર સંવાદિતતા સાથે એકરાગમાં છે. અહીં એકને ખલેલ પહોંચાડવાથી સમગ્ર સંતુલન ખોરવાઈ શકે. સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવું એ એક ધર્મ છે.
મા બાપ જેટલાં મહત્ત્વનાં છે, તેટલા જ મહત્ત્વના અન્ય નાગરિકો છે, તેટલા જ મહત્ત્વના ઝાડ પાન છે. અહીં પ્રત્યેક પ્રત્યે ઉત્તરદાયિત્વ છે. અહીં પ્રત્યેક માટે એક ધર્મ છે, અને પ્રત્યેક પ્રત્યે પણ એક ધર્મ છે. પાણીનો ધર્મ છે અને પાણી પ્રત્યે ધર્મ છે. પાણી પોતાની પ્રકૃતિ પ્રમાણે આગ શાંત પાડે છે અને માનવીએ તે પાણીનું મહત્ત્વ સમજી તેની સાચવણી કરવી પડે. પાણીના સ્ત્રોતની સાચવણીથી, પાણીના સ્વાભાવિક પ્રવાહને માન્ય રાખવાથી તથા પાણીનો બગાડ અટકાવવાથી પાણી પ્રત્યેનું ઉત્તરદાયિત્વ – સૃષ્ટિ પ્રત્યેનો ઉત્તરદાયિત્વ નિભાવી શકાય. આ માટે પાણીની કિંમત સમજવી જરૂરી છે.
સમગ્રતામાં જોતા ધર્મ એટલે સૃષ્ટિના દરેક અંગ પ્રત્યે એક પ્રકારની સભાનતા અને તેની સાથે તે સભાનતા પૂર્વકનું વર્તન. ધર્મ એટલે સમાજના પ્રત્યેક માનવી સાથે માનવીય વર્તન. ધર્મ એટલે પ્રત્યેક પશુ-પક્ષી સાથે સંવાદિતતા સ્થપાય તે પ્રમાણેની વર્તણૂક. ધર્મ એટલે ઝાડપાન સહિત પર્યાવરણના પ્રત્યેક તત્ત્વની કાળજી રાખવાનો પ્રયત્ન. અંતર વધી જાય, પણ જો અંતરની મર્યાદાને પાર જઈને જોવામાં આવે તો ધર્મ એટલે સૂર્ય કે ચંદ્રની સ્થાપિત થયેલી ક્ષમતાનો વ્યક્તિગત સ્વાર્થ ખાતર ઉપયોગનો અટકાવ.
ધર્મ એટલે દરેક તત્ત્વને જીવવાનો – અસ્તિત્વનો અધિકાર આપવો, દરેક તત્ત્વને તેની પ્રકૃતિ અનુસાર વિકસવાની તક આપવી, દરેક સંબંધ તંદુરસ્ત રહે તે માટે પ્રયત્ન કરવો, દરેક સંજોગો હકારાત્મક પરિણામ લાવે તેવી પરિસ્થિતિ માટે પ્રયાસ કરવો, માતા-પિતા તથા વડીલ જેવી વ્યક્તિઓને સેવા થકી સંતોષ આપવો, ભાઈ-બહેન તથા અન્ય સમવયસ્કની પ્રગતિ માટે પ્રોત્સાહન તેમજ ટેકો આપવો, અને પ્રત્યેક જડ તેમજ ચેતનવંતી બાબતના અસ્તિત્વ
સામે પડકાર ઊભો ન થવા દેવો. આ બધા સાથે જાતના ઉદ્ધાર માટે પણ પ્રયત્ન કરવો. ધર્મની વ્યાખ્યામાં સ્વયંની મુક્તિના માર્ગનું અવલંબન પણ ગણાય છે.
આ પ્રકારના ધર્મ-ભાવથી વ્યક્તિ સંતોષ પામી શકે. પોતાના હોવાપણા માટે તેને ગર્વ થાય. બધા વચ્ચે સ્વીકૃત બને. બધા માટે તે માન્ય બને. તેની નિયત માટે કોઈને શંકા ન થાય. તેના કાર્ય માટે કોઈ વિરોધ ન જન્મે.્ તેને માન-સન્માન પણ મળે. આમ પણ જે ધર્મનું આચરણ કરે તે સમાજમાં પદ અને પ્રતિષ્ઠા બંને મેળવે. અમુક સંજોગોમાં તો તે સંપત્તિ પણ પામી શકે. ધર્મનિષ્ઠ વ્યક્તિ પ્રત્યે સામાન્ય જનસમાજ પણ હકારાત્મક લાગણી અનુભવે. આ બધા સાથે ધર્મ પાળનાર માટે મુક્તિના માર્ગ પણ ખૂલી જાય. ધર્મની આ વ્યાખ્યા છે અને ધર્મનો આ અર્થ છે.