ભાજપ બદમાશોને છૂટ આપી રહી છે: રાહુલ ગાંધી
બીફ ખાવાની આશંકામાં વૃદ્ધ સાથે અભદ્ર વર્તનની કરી ટીકા
મુંબઈ: મહારાષ્ટ્રની ધુલે એક્સપ્રેસ ટ્રેનમાં ગૌમાંસનું સેવન કર્યું હોવાની શંકામાં 72 વર્ષીય વ્યક્તિ સાથે કરવામાં આવેલી મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે વીડિયોમાં દેખાતા 3 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તે વૃદ્ધની તસવીર શેર કરતા ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપ પર નફરત ફેલાવવાનો અને ખુલ્લેઆમ હિંસા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જે લોકો નફરતને રાજકીય હથિયાર બનાવીને સત્તાની સીડી પર ચઢ્યા છે તેઓ દેશભરમાં સતત ભયનું રાજ સ્થાપિત કરી રહ્યા છે. ભીડના સ્વરૂપમાં છુપાયેલા નફરત ફેલાવતા તત્વો ખુલ્લેઆમ હિંસા ફેલાવી રહ્યા છે, કાયદાના શાસનને પડકારી રહ્યા છે. આ બદમાશોને ભાજપ સરકાર તરફથી છૂટો દોર મળ્યો છે, તેથી જ તેઓ લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર સતત હુમલા કરી રહ્યા છે અને સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આવા અરાજકતાવાદીઓ સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું શાસન જાળવવું જોઈએ. ભારતની સાંપ્રદાયિક એકતા અને ભારતીયોના અધિકારો પર કોઈપણ પ્રકારનો હુમલો એ બંધારણ પર હુમલો છે, જેને આપણે બિલકુલ સહન કરી શકીએ નહીં. ભાજપ ગમે તેટલી કોશિશ કરે, અમે નફરત સામે ભારતને એક કરવાની આ ઐતિહાસિક લડાઈ જીતીશું.
રેલવે પોલીસે જણાવ્યું હતું કે મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના કલ્યાણ અને ઈગતપુરી સ્ટેશનો વચ્ચે ગૌમાંસ રાખવાની શંકામાં ઘણા લોકોએ એક વૃદ્ધ વ્યક્તિ (હાજી અશરફ મુનિયાર) સાથે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો હતો.
વૃદ્ધ હાજી અશરફ મુનિયાર માલેગાંવ જવા માટે ટ્રેનમાં ચઢ્યા હતા, તેમની સાથે થોડો સામાન હતો, પરંતુ કેટલાક મુસાફરોને શંકા હતી કે તેમના સામાનમાં ગૌમાંસ છે. લોકોએ દાવો કર્યો કે જ્યારે તેઓએ તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના મોટા બોક્સને તપાસ્યા તો તેમાં માંસ જેવું કંઈક હતું પરંતુ તેઓએ તેમની પૂછપરછ શરૂ કરી કે તે કોનું છે અને પછી તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન કેટલાક યુવકોએ વૃદ્ધને માર માર્યો અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.