મહારાષ્ટ્રમાં રમખાણો કેમ ન થયા? ઠાકરે જૂથના નેતા આ શું બોલી ગયા…
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે પહેલાથી જ રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે અને રવિવારે સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ દ્વારા મોરચા-વિરોધ રેલીઓ કાઢવામાં આવી હતી. જોકે, એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ મહારાષ્ટ્રમાં રમખાણો કેમ ન થયા એવું નિવેદન આપતા મોટો વિવાદ ઊભો થયો છે.
ચંદ્રકાંત ખૈરેએ પ્રતિમા તૂટી ઘટના વિશે બોલતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડે છે અને તે છતાં સરકાર વિરુદ્ધ રાજ્યમાં રમખાણો કેમ નથી થઇ રહ્યા. એક ગામમાં શિવાજી મહારાજ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નાની એવી આંચ આવે તો રમખાણો થતા હતા, પરંતુ આશ્ચર્યની વાત છે કે આટલું મોટું પૂતળું તૂટી પડ્યું છતાં કોઇ રમખાણો કેમ ન થયા એ સમજાતું નથી. રમખાણો થવા જોઇએ.
મહાવિકાસ આઘાડી રમખાણો ઇચ્છે છે: એકનાથ શિંદે
ખૈરેના આ નિવેદનના આક્રમક પ્રતિસાદ મળી રહ્યા છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના નેતાઓએ આ નિવેદનને વખોડ્યું છે. ખૈરૈના નિવેદન વિશે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ચૂંટણી પૂર્વે મહાવિકાસ આઘાડી રમખાણોની વાત કરી રહ્યો છે. તેમને મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાય એ જોઇએ છે. તેમને શાંત મહારાષ્ટ્ર સહન નથી થતું. તે જાતિ-પાતિના નામે તે રાજ્યને અશાંત કરવા માગે છે.