શીતલ દેવી મેડલ ન મેળવી શકી, પણ અનેકનાં દિલ જીતી લીધાં
પૅરિસ: જમ્મુ અને કાશ્મીરની શીતલ દેવી નામની 17 વર્ષીય તીરંદાજ પૅરિસમાં દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરાલિમ્પિક્સમાં મેડલ નથી જીતી શકી, પણ તેણે અનોખી સ્ટાઇલના પર્ફોર્મન્સથી અનેકનાં દિલ જીતી લીધાં છે.
શીતલને જન્મથી જ બન્ને હાથ નથી. જોકે તેણે પગથી તીર છોડવાની તાલીમ લીધી અને અવ્વલ દરજ્જાની તીરંદાજ બની ગઈ અને પૅરાલિમ્પિક્સ સુધી પહોંચી ગઈ. તેણે શારીરિક રીતે જે સંઘર્ષ કરવો પડ્યો હોવા છતાં આટલા મોટા રમતોત્સવમાં સ્થાન મેળવ્યું એનાથી તેમ જ પગથી નિશાન બનાવવાની ટેક્નિકથી જે પર્ફોર્મ કર્યું એનાથી લોકો ખૂબ પ્રભાવિત થઈ ગયા છે.
ખુરસી પર બેઠેલી શીતલ જમણા પગથી તીર ઊંચકે છે અને પછી એ જ પગથી બાણ ઊંચક્યા બાદ એમાં તીર ગોઠવીને ખભાની મદદથી બાણના તાર ખેંચીને તેમ જ જડબા પણ મદદ લઈને તીર છોડે છે.
બે હાથ ન હોવા છતાં પગની મદદથી મોટી-મોટી સ્પર્ધાઓમાં નિશાના પર તીર છોડવાની શીતલ દેવીની સ્ટાઇલથી પૅરિસમાં સાથી સ્પર્ધકો તેમ જ પ્રેક્ષકો વાહ-વાહ પોકારી ઉઠ્યા છે. તેના દરેક શૉટ વખતે પ્રેક્ષકોએ તાળી પાડી હતી.
આ પણ વાંચો: ભારતની રુબિના પૅરાલિમ્પિક્સમાં જીતી શૂટિંગનો બ્રૉન્ઝ
નિષ્ણાતોના મતે શીતલની તીર છોડવાની પદ્ધતિ અનેકને આકર્ષિત કરનારી છે જ, નાનપણથી જે રીતે તેણે સંઘર્ષ કરીને અસાધારણ સંકલ્પશક્તિથી ખેલકૂદના ક્ષેત્રે પ્રવીણતા મેળવી એ બાબત લોકોના જીવનમાં જરૂર પ્રેરણારૂપ બની શકે એવું પણ એક્સપર્ટ્સ માને છે.
શીતલ રૅન્કિંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહી હતી અને એક ક્ષણે તે માત્ર એક પૉઇન્ટ માટે વર્લ્ડ પૅરા આર્ચરી રેકૉર્ડ ચૂકી ગઈ હતી. શનિવારે તેની મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ કમ્પાઉન્ડ ઓપન 1/8 એલિમિનેશન મૅચમાં શીતલે ચિલીની મારિયાના ઝુનિગાની તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો અને શીતલ તેની સામે 137-138ના તફાવતથી હારી ગઈ હતી.