મમતા બેનરજીને આસામમાં ફટકોઃ પાર્ટીના પ્રમુખે ટીએમસીને કર્યું બાય બાય
દિબ્રુગઢઃ પૂર્વોત્તર રાજ્યોમાં મણીપુર, પશ્ચિમ બંગાળ અને આસામ ચર્ચામાં રહે છે, જેમાં આજે આસામ સ્થિત તૃણમુલ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપીને પક્ષને સૌથી મોટો ફટકો આપ્યો છે. આસામ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના અધ્યક્ષ રિપુન બોરાએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે દાવો કર્યો હતો કે પૂર્વોત્તર રાજ્યના લોકો તેને પશ્ચિમ બંગાળની “પ્રાદેશિક પાર્ટી” માને છે અને તેને પોતાની પાર્ટી તરીકે સ્વીકારવા તૈયાર નથી.
રિપુન બોરાએ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીને બે પાનાનો પત્ર લખીને રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામાના પત્રમાં બોરાએ જણાવ્યું હતું કે આસામ ટીએમસી પાસે ઘણી સંભાવનાઓ છે, પરંતુ વારંવાર આવતા કેટલાક મુદ્દાઓએ અમારી પ્રગતિમાં અવરોધ ઊભો કર્યો છે, જેમાં ટીએમસીને પશ્ચિમ બંગાળના પ્રાદેશિક પક્ષ તરીકે ગણવામાં આવે છે.
રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય બોરાએ જણાવ્યું હતું કે તેમણે પક્ષના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આસામમાં ટીએમસીને સ્વીકાર્ય બનાવવા માટે ઘણા સૂચનો આપ્યા હતા, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો : ‘…તો હોસ્પિટલ બંધ કરી દો’ કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ખખડાવી
તેમણે દાવો કર્યો હતો કે તેમણે ટીએમસી માટે રાષ્ટ્રીય સ્તરે આસામી નેતાની જરૂરિયાત સૂચવી હતી, કોલકાતાના ટોલીગંજમાં ભારત રત્ન ડૉક્ટર ભૂપેન હજારિકાના નિવાસસ્થાનને હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવા અને કૂચ બિહારમાં મધુપુર સત્રને સાંસ્કૃતિક કેન્દ્રમાં રૂપાંતરિત કરવાનું સૂચન કર્યું હતું પરંતુ આ મામલે હજુ સુધી કાંઇ કરવામાં આવ્યું નથી.
આસામના ભૂતપૂર્વ પ્રધાન બોરાએ કહ્યું કે તેમણે દોઢ વર્ષથી વધુ સમય સુધી આસામ ટીએમસીના અધ્યક્ષના રૂપમાં કામ કર્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના લોકો સાથે વ્યાપક રીતે વાતચીત કરી હતી. છેલ્લા દોઢ વર્ષમાં આ ચિંતાઓને દૂર કરવા માટે મમતા દીદી સાથે બેઠક યોજવાના વારંવાર પ્રયત્નો કરવા છતાં હું નિષ્ફળ રહ્યો છું.