ઉત્સવ

સાચો ગુરુ કેવો હોય?

જે ગુરુ ભીતરથી કશુંક પામી ગયો હશે તે કદાચ હિમાલય કે ગિરનારની તળેટીમાં અજ્ઞાત અવસ્થામાં જીવન વિતાવી દેશે

સુખનો પાસવર્ડ -આશુપટેલ

થોડા સમય અગાઉ એક શેરીમિત્રએ આગ્રહ કર્યો કે મારા પરમ પૂજય ધર્મગુરુ પાસે ચાલો, હું તમને આશીર્વાદ અપાવું.

તે મિત્રના ધર્મગુરુનું મોટું આર્થિક સામ્રાજ્ય છે. તેઓ વિશાળ સિંહાસન પર બેઠા હોય અને બધા તેમને સાષ્ટાંગ દંડવત કરતા હોય અને તે ધર્મગુરુ તેમને આશીર્વાદ આપતા હોય એવી ઘણી તસવીરો મેં જોઈ હતી એટલે મેં તેમને હસતાંહસતાં કહ્યું, મને આડંબર કરતા હોય અને અબજો રૂપિયામાં આળોટતા હોય એવા પાખંડી ધર્મગુરુઓના આશીર્વાદ લેવાનો કોઈ શોખ નથી!
તે મિત્રની લાગણી દુભાઈ ગઈ. તેણે કહ્યું કે અમારા ધર્મગુરુ તો ઈશ્ર્વરના સાક્ષાત અવતાર છે. તેમના વિશે કંઈ બોલશો તો તમારું મોટું નુકસાન થશે.

મેં કહ્યું, હું કોઈના આશીર્વાદ ન લેવા આવું અને તે મને નુકસાન પહોંચાડે તો એવા માણસથી તો મારે સો જોજન દૂર રહેવું છે!

તે મિત્રએ મને કહ્યું કે આ તમારો અહંકાર બોલે છે. એક દિવસ તમારો અહંકાર ઓગળી જશે ત્યારે તમે મારા ધર્મગુરુના શરણે આવશો. અને ત્યારે તમને જ્ઞાન મળશે, સુખ મળશે, સંપત્તિ મળશે.

મને તે મિત્રની સમજણ અને શ્રદ્ધા પર હસવું આવ્યું અને તેના પર દયા પણ આવી ગઈ. કોઈ વ્યક્તિ તેમના ધર્મગુરુને પગે ન લાગે તો તે તેમના માટે અહંકારી ગણાય, પણ આવા ધર્મગુરુઓનો અહંકાર તેના ભક્તો જોઈ નથી શકતા હોતા!

સાચા ધર્મગુરુમાં કોઈ પણ પ્રકારનો અહંકાર ન હોવો જોઈએ. જેનામાં અહંકાર હોય તે માણસ આધ્યાત્મિક ન હોઈ શકે. તે માણસને કોઈ પણ પ્રકારનો દેખાડો કરવામાં રસ ન હોઈ શકે. ચમત્કારો બતાવવામાં કે લોકોને ચમત્કારોથી આંજી દેવાની વુત્તિ કે પ્રવૃત્તિ સાચી આધ્યાત્મિક વ્યક્તિમાં હોઈ જ ન શકે.

તે મિત્રની વાત સાંભળીને મને સંત અમિતાભનું ‘આધ્યાત્મ નવનીત’ પુસ્તક યાદ આવી ગયું. આધ્યાત્મ નવનીત’ પુસ્તકમાં સંત અમિતાભે એવી વાતો લખી છે કે જે લગભગ તમામ ધર્મગુરુઓને કે સો-કોલ્ડ બાવાઓ, બાબાઓ, બાપુઓ, સ્વામીઓ, મહારાજો, મૌલવીઓ કે બીજા પાદરીઓ કોઈને પણ ન ગમે.

અમિતાભજીએ એ પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે: આત્માની પૂજા જ ભગવાનની પૂજા છે.’ (સંત અમિતાભને વાંચો તો લાગે કે તેઓ કદાચ અખાની ભાષાનો ઉપયોગ જ કરી રહ્યા છે). એ પ્રકરણમાં તેમણે લખ્યું છે: જે વ્યક્તિ પૂજ્ય હોય તે પોતાને પૂજ્ય નથી માનતી અને જે માણસ પોતાને પૂજ્ય માનતો હોય તે પૂજ્ય હોતો નથી. પૂજ્ય વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે કોઈ તેની પૂજા કરે અને જે કોઈ પોતાની પૂજા કરે એવી અપેક્ષા રાખે છે તે વ્યક્તિ પૂજય નથી હોતી. પોતાને પૂજ્ય માની બેસવું અને લોકો પોતાની પૂજા કરે એવી અપેક્ષા રાખવી એ પોતાના અહંકારનો વિસ્ફોટ છે.

અમિતાભજીએ આગળ લખ્યું છે: સચ્ચાઈ એ છે કે આત્મા પૂજ્ય છે અને એના સ્વભાવની અનુભૂતિમાં રહેવું એ આત્માની પૂજા છે. આત્મા સ્વયં ભગવાન છે. એટલે આત્માની પૂજા ભગવાનની પૂજા છે. સંત અમિતાભ આગળ લખે છે કે પૂજાનો ભાવ કોઈ પણ વ્યક્તિને પૂજ્ય નથી બનાવતો. પૂજાનો ભાવ છૂટે ત્યારે તે વ્યક્તિ પૂજય (પવિત્ર) બને છે. પૂજા ન મળી એટલે કે લોકોએ પૂજા ન કરી તો નુકસાન નથી, પણ પૂજ્ય એટલે કે પવિત્ર ન બને તો હાનિ છે. જેની પૂજા થાય છે તે બધા પૂજ્ય છે એવું નથી, જેની પૂજા નથી થતી તે સૌ અપૂજ્ય છે એવું પણ નથી. પૂજા સાથે પૂજ્યતાનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.
સંત અમિતાભની આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. આપણે જીવનમાં તકલીફો આવે એટલે સહારો શોધતા હોઈએ છીએ. અને આવા સહારો આપવાનું કે આપણા સંકટ દૂર કરી દેવાનો ભ્રમ ઊભો કરનારા સો કોલ્ડ ધર્મગુરુઓ પૂજ્ય નથી હોતા. જે ગુરુ ભીતરથી કશુંક પામી ગયો છે તે કદાચ હિમાલય કે ગિરનારની તળેટીમાં અજ્ઞાત અવસ્થામાં જીવન વિતાવી દેશે. એવા ગુરુએ મુખ્ય પ્રધાન કે વડા પ્રધાનની સાથે પોતાના સંબંધો છે એ દર્શાવીને ભક્તોને આંજી નાખવાની કોશિશ કરવી પડતી નથી. કોઈનું નુકસાન કરવાનો વિચાર પણ સાચા આધ્યાત્મિક માણસના મનમાં આવી ન શકે.

કોઈ પણ ધર્મનો ફાઈવસ્ટાર ધર્મગુરુ ખરેખર આધ્યાત્મિકતાની ઊંચાઈ સુધી પહોંચ્યો હોય તો તેણે અબજો રૂપિયાના આશ્રમો ઊભા ન કરવા પડે, પોતાનું શક્તિપ્રદર્શન ન કરવું પડે. અને કોઈ પણ પ્રકારનો બળપ્રયોગ કરવાનો તો તેને સપનેય વિચાર સુધ્ધાં ન આવે.

આવા પાખંડી ધર્મગુરુઓ ઉપર અખાથી માંડીને અનેક સાચા માણસોએ શાબ્દિક પ્રહારો કર્યા છે. જે માણસ કશુંક અલૌકિક પામી ગયો હોય તેને ભૌતિકવાદ પ્રત્યે કોઈ પણ પ્રકારનું આકર્ષણ ન હોવું જોઈએ કે પોતાના મોટી સંખ્યામાં ભક્તો હોય એવું વળગણ પણ ન હોવું જોઈએ. આવા કેટલાક ધર્મગુરુઓ તો ચાર્ટર્ડ ફ્લાઈટમાં ફરતા હોય છે, તેમની આજુબાજુ કેટલાય ખેપાનીઓ ગોઠવાઈ ગયા હોય છે અને ક્યારેક તો એવું લાગે કે તેમનું તંત્ર અંડરવર્લ્ડની કોઈ ગેંગની જેમ ચાલતું હોય! કોઈ બાવો કે બાબો રેપ કે મર્ડર કેસમાં જેલભેગો થાય ત્યારે તેના ભક્તો ભાંગફોડ મચાવી દે, વાહનો સળગાવે કે બીજા કોઈ ગુનાઓ કરે એવી ઘટનાઓ બનતી હોય છે.

સામાન્ય વ્યક્તિઓ કરતાં આવા મોટાભાગના બાવાઓ, બાબાઓ, બાપુઓ, સ્વામીઓ કે કોઈ પણ પ્રકારના ધર્મગુરુઓનો અહંકાર હજારો ગણો હોય છે.

ગંગાસતી કે નરસિંહ મહેતા કે અન્ય કોઈ મહાન સંતનાં જીવન વિશે જાણશો તો સમજાશે કે તેઓ અણીશુદ્ધ ગુરુઓ હતા, પણ એમ છતાં તેમણે ક્યારેય ગુરુ હોવાનો કે મહાન હોવાનો દાવો કર્યો નહોતો. જે પોતાને મહાન ગણાવે, પોતાના પાખંડ વિરુદ્ધ કોઈ કશું બોલે એ સાથે સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરવા માટે તલપાપડ બની જાય એવી છીછરી વ્યક્તિઓ કંઈ રીતે આધ્યાત્મિક હોઈ શકે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button