ક્ધયા કેળવણી, વિધવાવિવાહ, બાળલગ્ન સામે પ્રતિબંધની પ્રવૃત્તિમાં શ્રી મહાદેવ ગોવિંદ રાનડે પણ સહભાગી હતા.
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
(૬૨)
પશ્ર્ચિમ રેલવેના ચર્ચગેટ સ્ટેશનથી હુતાત્મા ચોક તરફ જતાં જમણા હાથે ઓવલ મેદાન અને ડાબા હાથે પારસીનો કૂવો કે જે ભીખા બહેરામના કૂવા તરીકે ઓળખાય છે તે આવે છે. ઓવલ એટલે ઈંડા જેવો લંબ વર્તુળાકાર. આ મેદાન પણ એવા આકારનું હોવાથી એને ઓવલ મેદાન કહેવામાં આવે છે. આ ઓવલ મેદાન શરૂ થાય છે, તેના એક છેડે શ્ર્વેત આરસપહાણની એક પ્રતિમા મુંબઈમાં ઓગણીસમી સદીમાં થઈ ગયેલા ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ રાનડેની છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈમાં સામાજિક ક્રાન્તિની હવા પણ રાજકીય ક્રાન્તિ સાથે વહેવા માંડી હતી. ક્ધયા કેળવણી, વિધવાવિવાહ, બાળલગ્ન સામે પ્રતિબંધની પ્રવૃત્તિમાં શ્રી મહાદેવ ગોવિંદ રાનડે પણ સહભાગી હતા. પણ… જ્યારે આ મહાનુભાવનાં પ્રથમ પત્ની મરણ પામ્યાં અને બીજા લગ્નનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો ત્યારે ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ રાનડેએ વિધવા સાથે લગ્ન કરવાને બદલે ૩૨ વર્ષની વય થઈ ગઈ હોવા છતાં ૧૮૭૩માં કેવળ અગિયાર વર્ષની એક નિર્દોષ અને અભણ ક્ધયા રમા સાથે લગ્ન કર્યાં હતાં. શ્રી મહાદેવ રાનડે સામે તે વખતે ઊહાપોહ તો અવશ્ય જાગ્યો હતો, પરંતુ શ્રી મહાદેવનું રૂંવાડુંયે ફરક્યું નહોતું.
ઊહાપોહ જ્યારે જ્યારે જાગે છે ત્યારે ત્યારે એકાદ ચિનગારી તો જરૂર પ્રજ્વળતી હોય છે. શ્રી મહાદેવ રાનડેએ ભૂલના પ્રાયશ્ર્ચિત રૂપે પોતાની અગિયાર વર્ષની પત્નીને ‘અ-આ-ઈ’ શીખવવાની શરૂઆત કરી. શ્રી રાનડેના કુટુંબની મહિલાઓએ જ આ સામે વિરોધનો સૂર ઉઠાવ્યો, છતાં રમાબાઈએ અભ્યાસમાં મન પરોવ્યું.
લખતાં-વાંચતાં તો થયાં જ, પરંતુ પાંચ વર્ષના ટૂંક સમયમાં રમાબાઈ સ્વતંત્ર રીતે વિચારતાં પણ થઈ ગયાં. શ્રી રમાબાઈએ જાહેર જીવનમાં પ્રવેશવા માટે એક યુક્તિ શોધી કાઢી અને તે એ કે ‘હળદી કંકુ’ના નામે મહિલાઓને બોલાવીને એકત્ર કરીને તેમને શિક્ષણની ઉપયોગિતા સમજાવવા માંડી. ૧૮૮૧માં મુંબઈના પ્રાર્થનાસમાજ અને આર્ય મહિલા સમાજમાં સ્ત્રીઓ સમક્ષ પ્રવચન આપવાનું રમાબાઈએ શરૂ કર્યું. તે વખતે અગિયારથી અધિક વયની છોકરીઓ પુસ્તકો લઈને નિશાળે ભણવા નીકળતી તો સ્ત્રી-પુરુષો તેમને જોવા શેરીએ અને સડકે એકઠાં થઈ જતાં અને ટીખળ કરતાં. ક્યારેક એ છોકરીઓ ઉપર ટોળામાંથી કાંકરો પણ જઈ પડતો હતો. છોકરીઓ પગમાં ચપ્પલ પહેરે કે હાથમાં છત્રી રાખે તો કુતૂહલનો વિષય થઈ પડતો હતો. બિચારી છોકરીઓને ઘોડાગાડીમાં પડદા નાખીને નિશાળે જવું પડતું હતું.
રમાબાઈએ શિક્ષિત મહિલાઓને અધિક પ્રોત્સાહન આપવા ૧૮૯૩માં આર્ય મહિલા સમાજના અધ્યક્ષ તરીકે ‘હિંદુ લેડીઝ સોશ્યલ એન્ડ લિટરરી ક્લબ’ની સ્થાપના કરી હતી. વખત જતાં આ ક્લબ કોસ્મોપોલિટન ક્લબ બની જવા પામી હતી અને સમાજસુધારકોનાં કુટુંબોની સ્ત્રીઓ તથા દેશી રજવાડાંની રાણીઓ અને રાજકુમારીઓ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી હતી.
શ્રી બહેરામ મલબારીએ નિરાધાર સ્ત્રીઓને આશ્રય મળે, શિક્ષણ મળે, વિવિધ ઉદ્યોગોનું શિક્ષણ મેળવીને સ્વાવલંબી બને તે માટે ૧૯૦૮માં ‘સેવા સદન’ની સ્થાપના મુંબઈમાં કરી તો શ્રીમતી રમાબાઈ રાનડે એ સંસ્થાના સક્રિય કાર્યકર બની ગયા. ન્યાયમૂર્તિ શ્રી રાનડે અને શ્રી બહેરામ મલબારી બંને ઘનિષ્ઠ મિત્રો હતા, પરંતુ જ્યારે ૩૨ વર્ષના મહાદેવે અગિયાર વર્ષના રમાબાઈ સાથે ૧૮૭૩માં લગ્ન કર્યાં ત્યારે શ્રી મલબારીએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. તે છતાં બંને વચ્ચેની મિત્રતામાં ઊણપ આવી નહોતી. શ્રી મહાદેવ રાનડેનું અવસાન ૧૯૦૧માં થયું હતું પરંતુ તેમના પછી સમાજસુધારાની અને સ્ત્રીશિક્ષણની પ્રવૃત્તિ રમાબાઈએ આગળ ધપાવી હતી. રમાબાઈએ ૧૯૦૯માં પૂના ખાતે સેવાસદનની શાળા પોતાના ઘરમાં સ્થાપી હતી. રવીન્દ્રનાથ ઠાકુર, મહાત્મા ગાંધી, શ્રીમતી એની બેસન્ટ વગેરેએ પૂના ખાતે સેવા સદનની ખાસ મુલાકાત લીધી હતી.
રમાબાઈએ ૧૯૨૦માં છોકરીઓ માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ તે માટે આંદોલન આરંભ્યું હતું અને સફળ નીવડયાં હતાં. ૧૯૨૦ અને ૧૯૨૪ના ગાળામાં રમાબાઈ રાનડે સરકારી ટેકસ્ટ બુક કમિટીનાં એક સભ્ય હતાં. એ એક નોંધ લેવા જેવી વાત છે કે રમાબાઈએ વિધિસર કોઈ શાળા કે કોઈ કૉલેજમાં શિક્ષણ લીધું જ નહોતું.
શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે તો ભારે માનથી રમાબાઈને ‘વહિનીબાઈ’ (ભાભીબાઈ) કહી સંબોધતા હતા. રમાબાઈ ૨૭ વરસો સુધી ન્યાયમૂર્તિ રાનડેનાં સાચાં જીવનસાથી બનીને પડછાયાની જેમ સાથે જ રહ્યાં હતાં.
રમાબાઈ પોતાના લગ્નના પ્રથમ દિવસનું સ્મરણ રજૂ કરતાં જણાવે છે કે ૧૮૭૩ના ડિસેમ્બરમાં જ્યારે લગ્ન થયાં ત્યારે મહાદેવ અત્યંત દુ:ખી હતા. એક મહિના પહેલાં જ તેમનાં પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. આથી લગ્નના દિવસે રમાબાઈના પિયરમાં કશું ખાધું જ નહોતું અને ઘરે આવીને એક ઓરડામાં એકલા પુરાઈ ગયા હતા. જ્યારે રમાબાઈના જાગીરદાર પિતા ‘માગું’ લઈને ગયા હતા ત્યારે તો શ્રી મહાદેવે કહી દીધું હતું કે ભલે તમે જાગીરદાર રહ્યા, પણ હું સમાજસુધારક છું અને કોઈ વિધવા સાથે જ લગ્ન કરીશ.
પણ પરિવારના આગ્રહ આગળ મહાદેવ રાનડેએ ઝૂકી જવું પડ્યું હતું. શ્રી મહાદેવ રાનડેએ લગ્નના દિવસે ન્યાયમૂર્તિ તરીકે અદાલતમાંથી રજા પણ લીધી નહોતી. અદાલતમાંથી સીધા ઘરે ગયા હતા અને ત્યાંથી લગ્નના સ્થળે સાંજે પહોંચ્યા હતા.
રમાબાઈ જણાવે છે કે ‘મારા પતિ મને અગાશીમાં લઈ ગયા હતા અને પ્રથમ પ્રશ્ર્ન એ કર્યો હતો કે તમને મારું નામ ખબર છે?’
‘જી.’
‘તો કહો મારું આખું નામ.’
તે વખતે પત્ની કદી પતિનું નામ ઉચ્ચારતી નહોતી. મને પણ પિયરમાં એવી સલાહ મળી હતી. પણ… અગિયાર વરસની નાદાન હું હતી અને મેં તેમનું નામ કહ્યું. ‘રાજમાન રાજેશ્રી મહાદેવ ગોવિંદ રાનડે’ અને તેઓ ખડખડાટ હસી પડ્યા.
લગ્નની પ્રથમ રાતે શ્રી મહાદેવ રાનડેએ રમાબાઈને સ્લેટ- પેન્સિલ આપી ‘શ્રી ગણેશાય નમ:’ એ સાત અક્ષરો વાંચતાં અને લખતાં શીખવ્યાં હતાં. એ શીખતાં તે રાતે રમાબાઈએ બે કલાક લીધા હતા. રમાબાઈએ જીવનમાં પહેલી જ વાર સ્લેટ-પેન હાથમાં લીધાં હતાં. પંદર દિવસમાં પૂરી બારાખડી રમાબાઈ શીખી ગયાં હતાં. ન્યાયમૂર્તિ પતિ દરરોજ રાતે બે કલાક શીખવવાનો સમય કાઢી શકતા નહોતા એટલે વીમેન્સ ટ્રેનિંગ કૉલેજની એક શિક્ષિકાને ઘરે બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
શ્રી મહાદેવ ગોવિંદ રાનડે ૧૮૮૧ના જાન્યુઆરીની બીજી તારીખે પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ બન્યા હતા અને શ્રી ડોસાભાઈ ફરામજી કરાકા પાસેથી ઓદ્ધાનો અખત્યાર સંભાળી લીધો હતો.
અહીં મુંબઈમાં આવ્યા પછી રમાબાઈએ પ્રાર્થનાસમાજ ખાતે આર્ય મહિલા સમાજની સ્થાપના કરી હતી. દર શનિવારે અહીં મહિલાની બેઠક યોજાતી હતી. ડૉ. આત્મારામ ભાસ્કરરાવ ભાગવત જેવા વયોવૃદ્ધ ગૃહસ્થ હાજર રહીને ઉત્તેજન આપતા હતા.
રમાબાઈના સમયમાં ૧૮૯૬-૯૭ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. પ્લેગના આગમનની જાણકારી ઘરમાં ઉંદરો મરણ પામેલા મળી આવે તે ઉપરથી થતી હતી. માણસોને તાવ આવીને બગલમાં ગાંઠ નીકળી આવતી હતી. રમાબાઈના ઘરમાં પણ ઉંદરો મરણ પામેલા મળી આવ્યા અને રસોયાને અને તેના પુત્રને તાવ ચઢીને ગાંઠ નીકળી એટલે રમાબાઈએ આખું ઘર ફિનાઈલથી સાફ કરાવ્યું અને ઘર બંધ કરીને ભાંડુપ રહેવા ગયાં હતાં.
જ્યારે મુંબઈમાં ભારે ધામધૂમથી આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઊજવાઈ ગયો ત્યારે કોઈએ રમાબાઈ રાનડેને યાદ કર્યા નહિ. ૧૯૨૪ના એપ્રિલની ૨૬મીએ એમનું અવસાન થયું હતું. તે જમાનાની રૂઢિ પ્રમાણે પતિના મરણ પછી વિધવા તરીકે માથાના વાળ મુંડાવી લાલ જાડું લૂગડું પહેરીને રમાબાઈ ઘરમાં ભરાઈ રહ્યાં નહોતાં. એમના કુટુંબીજનોએ તીવ્ર વિરોધ કર્યો હતો છતાં લોકસેવામાં જીવનના અંત સુધી વ્યસ્ત રહ્યાં હતાં.
રમાબાઈ રાનડે મુંબઈનાં એવા પ્રથમ મહિલા છે કે જેમણે પોતાના દાંપત્યજીવનમાં સંસ્મરણો પુસ્તકો રૂપે રજૂ કર્યાં. મરાઠીમાં લખેલાં એ સ્મરણો ‘આમચ્યા આયુષ્યાતીલ કાહી આઠવણી’ નામે ૧૯૧૦માં પ્રગટ થયાં હતાં અને એ પુસ્તક ખૂબ જ લોકપ્રિય નીવડ્યું હતું.