વાઇલ્ડ લાઇફ વીક – ગુજરાતનાં વિવિધ સ્થળોએ મહાલતા વન્યજીવો અને પક્ષીઓને કંપની આપીએ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
ઘોંઘાટથી આપણે સામાન્ય રીતે ભાગતા હોઈએ છીએ અને ક્યાંક દૂર શાંત સ્થળે જતા રહીએ એવું હંમેશાં વિચારીએ છીએ, અને જ્યારે શાંતિ મળે ત્યારે સૂનકારથી ડરી જઈએ છીએ. માનવસહજ સ્વભાવ હંમેશાં જે મળે તેનાથી વિપરીત જ ઈચ્છતો હોય છે પણ અકળ શાંતિમય વાતાવરણમાં જો પોતાની જાતને ઢાળી જૂએ તો કદાચ ક્યારેય ન જોઈ હોય એવી અવસ્થાને એ પામી શકે. ઝાડ પર કોયલને બોલતી સાંભળીને પળભરમાં દુનિયાભરનો સ્ટ્રેસ ક્યાંય ખોવાઈ જાય, બુલબુલ અને દરજીડાની ધૂન, ઘુવડની લયબદ્ધ ધૂન આ સઘળું એ સંપત્તિ છે જે નસીબ લઈને જન્મેલા જનો જ પામી શકે. દેશભરમાં વિવિધ પ્રકારનાં જંગલો છે જે કુદરતનું ભવ્ય રૂપ રજૂ કરે છે. ખાલી આપણા ગુજરાત રાજ્યની જ વાત લઈએ તો ગુજરાતમાં અવનવાં જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, જળાશયો વગેરે વિવિધ વન્યજીવો અને પ્રજાતિઓને ઘર પૂરું પાડે છે અને ગુજરાતને કુદરતી માહોલ. દર વર્ષે બીજી ઓક્ટોબરથી અઠવાડિયા સુધી વાઇલ્ડ લાઇફ વીકની ઉજવણી થાય છે જેમાં વન્યજીવોનાં સંરક્ષણ અને વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડતા જંગલોનાં સંરક્ષણ અને સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓને વેગ મળે અને નિસર્ગ જેમનું તેમ જળવાઈ રહે ઉપરાંત જંગલોની જાળવણી માટે જાગૃતિ કેળવાય એવા આશયથી વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે. આજે આપણે ગુજરાતનાં વિવિધ સ્થળોએ વસતા વન્યજીવો, કુદરતી સ્થળોની શાબ્દિક અને વિઝ્યુઅલ સફર કરીને કુદરતનાં ખોળે વિહાર કરીશું.
ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ વાઇલ્ડલાઇફ ટૂરિઝમ થાય છે પણ આપણે હજુ આ પ્રકારનાં ટુરિઝમથી ખાસ પરિચિત નથી હોતા પરિણામે આપણે કુદરતી વૈભવથી વંચિત રહી જઈએ છીએ. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઇકો સિસ્ટમ છે જે વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાન, અભ્યારણ્ય વિસ્તાર, રણ વિસ્તાર અને સમુદ્રી વિસ્તારમાં વહેંચાયેલી છે જેને અલગ અલગ સમયે ફરી શકાય છે. પક્ષીઓ નિહાળવા માટે ગુજરાતમાં વિવિધ જળ પ્વલિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ, શિકારી પક્ષીઓને નિહાળવા માટે ઘાસનાં મેદાનોમાં અને રણવિસ્તાર, યાયાવર સમુદ્રી પક્ષીઓને નિહાળવા માટે સમુદ્ર કાંઠાના વિસ્તારો, પ્રાણીઓને નિહાળવા માટે જંગલ અને ઘાસનાં મેદાનો જેવી સઘળી કુદરતી સંપદા આપણે ધરાવીએ છીએ અને એને યોગ્ય રીતે માણીએ અને જાળવીએ તો આપણી આવનારી પેઢીનો નાતો કુદરત સાથઈ સરળ રીતે જોડી શકીશું.
દક્ષિણ ગુજરાતમાં ડાંગના જંગલો આવેલા છે જે ચોમાસાંની ખૂબસૂરતી અને વિવિધ ધોધ માટે જાણીતા છે. છેક મહારાષ્ટ્રની સરહદ સુઘી અહીંની લીલોતરી આંખોને ઠારે છે અને અહીંની ખુશનુમા હવા મનને અનેરો આનંદ આપે છે. શરૂઆત બીલીમોરાથી કરી શકાય છે જો અંગ્રેજો વખતની જૂની પુરાણી નેરોગેજ ટોય ટ્રેનમાં હેરીટેજ સફરનો આનંદ માણવો હોય તો. આ ટ્રેન બીલીમોરાથી નીકળીને વઘઇ સુધી જાય છે અને ત્યાંથી પરત ફરે છે. મજાની વાત એ છે કે આ ટ્રેન સંપૂર્ણ પણે ડાંગનાં જંગલોમાંથી ખૂબ જ ધીમી ગતિએ પસાર થાય છે અને અંબિકા નદી પાર કરીને વઘઇ સુધી પહોંચે છે. અહીંથી મહાલ, ભેંસકાત્રી, ગિરિમલ, ભીગુ, આંબાપાણી, પદમડુંગરી વગેરે જગ્યાઓએ ફરીને કુદરતના લખલૂટ ખજાનાને ભરપૂર માણી શકાય છે. આ સિવાય જરાક વડોદરા તરફ આગળ ધપીએ તો દેડિયાપાડા વિસ્તાર પણ એના કુદરતી માહોલ માટે સહુ કોઈને આકર્ષે છે. અહીં શૂલપાણેશ્વર અભયારણ્ય છે જેમાં રીછ, દીપડા જેવા વન્યપ્રાણીઓ અને સાપની પ્રજાતિઓ વિહરતી જોવા મળે છે. એ સિવાય પંખીઓના અભ્યાસુઓ માટે પણ આ સ્થળ સ્વર્ગથી કમ નથી. અહીં પહોંચવા માટે રાજપીપળા થઈને મોજદા ગામ સુધી આવી શકાય. અહીં વનવિભાગની કેમ્પ સાઈટ છે અને અભ્યારણ્ય વિસ્તાર છે જ્યાં અમુક સ્થળે ટ્રેકિંગ પણ કરી શકાય છે. અહીં નિનાઈ ધોધ છે એ પ્રવાસીઓ માટે ચોમાસા દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર છે. અહીંથી નજીકમાં મહારાષ્ટ્રની સરહદ નજીક દહેલ ઘાટ છે જ્યાં વિવિધ પ્રકારનાં ધોધને માણી શકાય છે. હવે ત્યાંથી વડોદરા તરફ જતા ડભોઇ નજીક પક્ષીઓનું વિશાળ વિશ્ર્વ એટલે કે રામસર સાઈટ – વઢવાણા પક્ષી અભ્યારણ્ય આવેલું છે જ્યાં મધ્ય ઓક્ટોબરથી વિવિધ જાતના વિદેશી પક્ષીઓનો મેળાવડો જામશે એ જોવાનું ક્યારેય ન ચૂકી શકાય.
દાહોદ નજીક આવેલ રતનમહાલ રીંછ અભ્યારણ્ય રીંછને કુદરતી માહોલમાં મહાલતા જોવા માટેનું ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં રીંછ સિવાય ઊડતી ખિસકોલી, વિવિધ જાતના શિકારી પક્ષીઓ, ઘુવડ વગેરે પણ જોવા મળે જ છે એ સિવાય અહીં અલગ અલગ ત્રણ પાણીનાં ધોધ સાથે વિશાળ તળાવ છે જે એક આહલાદક કુદરતી માહોલ પૂરો પાડે છે. વડોદરા નજીક આવેલ જામ્બુઘોડા અભ્યારણ્ય દીપડા માટે જાણીતું સ્થળ છે એ સિવાય અહીં વિવિધ જાતના નાના અને સુંદર પક્ષીઓનો મધુર કલરવ માણી શકાય છે અને ધીરજ હોય તો જોઈ પણ શકાય છે. અહીં તરધોળ અને ભાટ એમ બે સ્થળો આવેલા છે. તરધોળમાં વિવિધ જાતનાં ચામાચીડિયા અને વાગોળની આખેઆખી કોલોની છે જ્યાં હજારોની સંખ્યામાં ચામાચીડિયાઓ જોઈ શકાય છે. ભાટમાં સુંદર ટ્રેકિંગ કરીને છેક ટોચ પરથી પાવાગઢનાં પાછળનાં ભાગનાં જંગલોનો નયનરમ્ય નજારો જોઈ શકાય છે. અહીં થોડું ટ્રેકિંગ કરતા એક પ્રાકૃતિક ગુફા પણ જોવા મળે છે જે ગુફામાં વિવિધ ચામાચીડિયા ઉડતા જોવા મળે છે.અહીં નજીકમાં હથણી માતાનો ધોધ પણ છે, મહી નદીનો સુંદર પથરાળ પ્રવાહ છે જે નદીમાં સ્નાન પણ કરી શકાય છે.
પક્ષી જોવા માટે અમદાવાદ નજીક થોળ પક્ષી અભ્યારણ્ય પણ જઈ શકાય છે જે તાજેતરમાં રામસર સાઈટમાં સમાવિષ્ટ થઇ છે અને સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પરથી આવતા આશરે ૩૨૦ જાતનાં વિવિધ પક્ષીઓનું ઘર છે. કલોલ નજીક આવેલ આ સ્થળ પક્ષી દર્શન માટે ઓક્ટોબરથી લઈને માર્ચ સુધીના સમયગાળાનું ઉત્તમ સ્થળ છે. હવે ચરોતરની વાત લઈએ તો સુંદર અને એકમેકને વફાદાર પક્ષી એવા સારસ બેલડીને એકમેકમાં મગ્ન હોય એવી નિહાળવી હોય તો તારાપુર નજીક આવેલા પરીએજ પક્ષી અભ્યારણ્ય જઈ શકાય. પક્ષીઓની પ્રેમ વ્યક્ત કરવાની રીત નિરાળી એમા પણ સારસનુ કોર્ટશિપ ડિસ્પ્લે તો લાજવાબ. ભલ ભલા કવિઓને શબ્દો મળી જાય સારસ યુગલને પ્રણયરત જોઇ ને. અહીં વિવિધ જાતના યાયાવર પક્ષીઓ આવે છે પણ નજીક આવેલા ડાંગરનાં ખેતરોમાં સારસ મહાલતાં જોવા મળે છે. અહીં નજીકમાં જ કનેવાલ તળાવ છે.આ વિશાળ તળાવમાં પણ અઢળક પક્ષીઓને વિહાર કરતા જોઈ શકાય છે. ગુજરાતનું સહુથી માનીતું અને જાણીતું પક્ષી અભ્યારણ્ય નળ સરોવર પણ ઓક્ટોબર મહિનાથી વિવિધ યાયાવર પક્ષીઓનું આશ્રય બને છે. સામાન્ય રીતે સેન્ટ્રલ એશિયન ફ્લાયવેથી આવતા પક્ષીઓ અહીં જ શિયાળો વિતાવે છે અને પોતાના બચ્ચાઓનો ઉછેર કરે છે. અહીં બોટમાં બેસીને પક્ષીઓને ખૂબ જ નજીકથી નિહાળવાનો મોકો મળે છે. અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી ટિકિટ લઈને બોટમાં બેસીને આનંદ માણી શકાય છે.
દેશભરમાં સાવ જ યુનિક કહી શકાય એવું સ્થળ એટલે રણ. કચ્છનું નાનું રણ જે સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડીથી શરુ થાય છે જ્યાં વિશ્ર્વભરના શિકારી પક્ષીઓ શિયાળુ આશ્રય લે છે. અહીં વિશ્ર્વના સહુથી ઝડપી ઉડતા ફાલ્કન, વિશાળ એવા સાપમાર ગરુડ, પટ્ટાઇ, નાનાં કાનવાળા ઘુવડ વગેરે મુલાકાત લે છે. ભીડભાડથી દૂર એક ખૂબસુરત જીવન, નજર પહોચે ત્યાં સુધી વિસ્તીર્ણ રણવિસ્તાર અને ઝાંઝવાના જળ સિંચે છે એની ક્ષિતિજ – કચ્છનું નાનું પણ અફાટ રણ. આ રણમાં આવેલ વેટલેન્ડ
એક ગુલાબી મિજાજ ધારણ કરે જ્યારે ફ્લેમિંગોઝ એક સાથે ઉડાન ભરે કે પાણીમાં વિહરતા હોય…હજારોની સંખ્યામાં ગુલાબી પેણ, નાના અને મોટા હંસ પાણીમાં મહાલતાં જોવા મળે છે. પક્ષી સિવાય અહીં ઘુડખર, ઝરખ, રણ બિલાડી, શિયાળ, વરુ વિગેરે પણ જોઈ શકાય છે. આ રણમાં પહોંચવા માટે વિરમગામ પાસે આવેલા બજાણા ગામ સુઘી પહોંચવું પડે છે. અહીંથી પરમીટ લઈને રણમાં ફરી શકાય છે. ભાવનગર નજીક આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં વિવિધ જાતનાં પ્રાણીઓ જેવા કે બ્લેકબક, વરુ, જંગલી બિલાડી, સાપ અને અઢળક શિકારી પક્ષીઓ જોઈ શકાય છે. કોઈપણ પક્ષીવિદ માટે આ સ્થળ ખરેખર સ્વર્ગસમાન છે. અહીં પહોંચવા માટે ભાવનગરથી સરળતાથી પહોંચી શકાય છે. પોરબંદરનાં કોસ્ટલ વિસ્તારમાં ગોસાબારા નામનાં સ્થળે અઢળક યાયાવર પક્ષીઓનો મેળાવડો જામે છે. માધવપુરના દરિયા કિનારા નજીક ઓલિવ રિડ્લી ટર્ટલ જોવા મળે છે.
ગુજરાતનાં આવા અદ્ભુત સ્થળોએ આંટો મારીને પોતાની જાતને નિસર્ગના રંગમાં રંગી શકાય. વસુંધરાનો વૈભવ અરણ્યમાં રખડો તો જ માણી શકો પછી એ ગુજરાત હોય કે વિશ્ર્વનાં કોઈ પણ ખૂણાંનું અરણ્ય…
—