ગાવસકરની સ્ટીવ સ્મિથને ‘ચેતવણી’…બુમરાહથી બચીશ તો અશ્ર્વિન તને પાછો મોકલી દેશે
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાની ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી ટેસ્ટ-શ્રેણી હજી પોણાત્રણ મહિના દૂર છે, પરંતુ અત્યારથી માઇન્ડ-ગેમ શરૂ થઈ ગઈ છે. જોકે એની શરૂઆત સ્વાભાવિક રીતે ઑસ્ટ્રેલિયાની ધરતી પરથી જ થઈ છે અને એનો ભારતીય બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના મુખ્ય બૅટર સ્ટીવ સ્મિથને લક્ષ્યાંક બનાવ્યો છે.
યોગાનુયોગ, આગામી સિરીઝ બોર્ડર-ગાવસકર ટ્રોફીના નામે રમાવાની છે અને ખુદ ગાવસકરે અત્યારથી માઇન્ડ-ગેમના મેદાનમાં ઊતરવું પડ્યું છે.
ઑસ્ટ્રેલિયામાં ભારત છેલ્લી બન્ને ટેસ્ટ-શ્રેણી જીત્યું હોવાથી હવે રોહિત શર્મા ઍન્ડ કંપનીને હૅટ-ટ્રિકનો મોકો છે. જોકે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર જ્યૉફ લૉસન અને રિકી પૉન્ટિંગ એવું માને છે કે ઑસ્ટ્રેલિયાની ટીમ આસાનીથી ભારતને શ્રેણીમાં હરાવશે અને ટ્રોફી જીતી લેશે.
હવે સામા તીર છોડવાનો ગાવસકરનો વારો છે. તેમણે એક જાણીતા અંગ્રેજી દૈનિકની કૉલમમાં લખ્યું છે કે ‘ભારતના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ પહેલાં જ માઇન્ડ ગેમ શરૂ થઈ ગઈ છે. ભારતીય ખેલાડીઓએ એ ટફ ટૂર પહેલાં મનોબળ મજબૂત કરવું જોઈશે. જોકે એક ફાયદો એ છે કે એ પ્રવાસ પહેલાં ભારતીયો ઘરઆંગણે કુલ પાંચ ટેસ્ટ (બે બાંગ્લાદેશ સામે અને ત્રણ ન્યૂ ઝીલૅન્ડ સામે) રમવાના છે એટલે પૂર્વતૈયારી ઘણી થઈ હશે.’
ગાવસકર કટારમાં વધુમાં લખે છે કે ‘એટલું સારું છે કે ઑસ્ટ્રેલિયનો આ વખતે ગ્લેન મૅકગ્રા જેવો (ક્લીન-સ્વીપથી સિરીઝ જીતીશું એવો…) દાવો નથી કરી રહ્યા. હા, તેઓ એટલું જરૂર માને છે કે ભારતને ઑસ્ટ્રેલિયા સિરીઝ હરાવશે તો ખરું જ. દુખની વાત એ છે કે રવિ શાસ્ત્રીને બાદ કરતા ભારતના બીજા કોઈ ભૂતપૂર્વ કે વર્તમાન ક્રિકેટર ઑસ્ટ્રેલિયનોને માઇન્ડ ગેમનો વળતો જવાબ આપતા નથી જોવા મળ્યા.’
આ પણ વાંચો :બ્રિટિશ બૅટર્સમાં હવે કૂક નહીં, પણ રૂટ નંબર-વન સેન્ચુરિયન
રવિચન્દ્રન અશ્ર્વિન ખાસ કરીને સ્ટીવ સ્મિથને જાળમાં ફસાવવા નવા પ્રકારનો સ્પિન ડેવલપ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગાવસકરે આ વર્ષની શરૂઆતથી ટેસ્ટમાં ઓપનિંગમાં રમતા સ્ટીવ સ્મિથને ટાર્ગેટ બનાવ્યો છે. સની લખે છે કે ‘સ્ટીવ સ્મિથ જો ઓપનિંગમાં રમવાનું ચાલુ રાખશે તો પહેલાં તો તેણે જસપ્રીત બુમરાહથી બચવું પડશે. જો તે બુમરાહથી બચી જશે તો પછી રવિચન્દ્રન અશ્ર્વિનના નવા પ્રકારના સ્પિનથી બચવું તેના માટે મુશ્કેલ બની જશે.’