આકાશી આફત ટળી એટલે જામનગરવાસીઓ માણી શકશે મેળની મોજઃ તંત્ર કર્યો આ નિર્ણય
જામનગરઃ સૌરાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાતો સાતમ-આઠમનો તહેવાર વરસાદને કારણે લોકો ઉજવી શક્યા ન હતા. આ દિવસોનું સૌથી મોટુ આકર્ષણ મેળો હોય છે અને માત્ર બાળકો નહીં યુવાનીયાઓને પણ આ મેળામાં જવાનું ગમતું હોય છે, પણ ભારે વરસાદે મેળાની મજા બગાડી હતી. મોટાભાગના મેળાના મેદાનો પાણીમાં ગરકાવ હતા. રાજકોટ સહિત જામનગરમાં પણ ભારે વરસાદને કારણે મેળો ધોવાયો હતો ત્યારે અહીં તંત્રએ એક જાહેરાત કરી લોકોને ખુશ કરી દીધા છે.
શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 20મી ઓગસ્ટથી 3જી સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન થયું હતું, પણ હવે તંત્ર દ્વારા મેળાની મુદતમાં આઠ દિવસનો વધારો કરવામાં આવતા હવે 11મી સપ્ટેમ્બર સુધી મેળો ચાલશે. જોકે વરસાદનું જોખમ હજુ ટળ્યું નથી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ફરી મેઘતાંડવ સર્જાવાના એંધાણ છે, છતાં હાલમાં ઉઘાડ છે અને શનિ-રવિની રજાઓમાં લોકો મેળો માણી શકશે.
જામનગર શહેર મનપા દ્વારા 15 દિવસના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સાતમ, આઠમ અને નવમ આ ત્રણ દિવસ દરમિયાન જ લાખોની સંખ્યામાં લોકો મેળો માણતા હોય છે. મેળામાં આવતા વેપારીઓ પણ આ ત્રણ દિવસ દરમિયાન જ સારી એવી આવક મેળવતા હોય છે. પરંતુ, જામનગર શહેરમાં આ ત્રણ દિવસ દરમિયાન જ 20 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા મેળાના મેદાનથી લઈ લોકોના ઘર સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘરની બહાર જ નીકળી શક્યા ન હતા અને તંત્રએ પણ સલામતીના ભાગરૂપે મેળો બંધ રાખવાની જાહેરાત કરી હતી.
જામનગર શહેરમાં શુક્રવારથી જ વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા મેળો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શનિવારથી મેળો શરૂ થતા જ પ્રદર્શન મેદાનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરીજનોએ મેળાની મોજ માણી હતી.
શ્રાવણી મેળામાં રાઈડ્સ અને સ્ટોલ લગાવવા માટે લોકો ટેન્ડરથી લાખો રૂપિયામાં પ્લોટ મેળવતા હોય છે. તેના પછી પણ લાઈટ્સ, મંડપ અને માલની ખરીદી પાછળ ખર્ચ કરતા હોય છે. આ વર્ષે મહત્વના ત્રણ દિવસ મેળો ચાલુ જ ન થતા હવે આ લોકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જામનગરમાં દર વર્ષે સાતમ-આઠમ-નોમ પછી અમાસ સુધી મેળા ચાલુ જ રહેતા હોય છે અને તે મુજબ જ વેપારીઓ પ્લોટની બોલી લગાવતા હોય છે. હવે આ વેપારીઓને પણ થોડા દિવસો મળ્યા છે, જેમાં તેઓ અપેક્ષા મુજબની કમાણી નહીં તો નુકસાન ભરપાઈ તો કરી શકશે તેવી તેમને આશા છે.