સારો છોકરો મળી જાય તો કાલે જ કરી લઉં પણ…, અભિનેત્રીએ જણાવ્યું કેમ લગ્ન નથી થઇ રહ્યા
બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ કંગના રનૌત હાલમાં ચર્ચામાં છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન કંગનાએ પોતાના લગ્નના પ્લાનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
હાલમાં જ કંગના રનૌતે જાણીતા મીડિયા હાઉસના એક શોમાં આવી હતી. આ સમયે તેણે પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો હતો. કંગના રનૌત કોઈપણ બાબતે બોલવામાં શરમાતી નથી. કંગનાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તે ક્યારે લગ્ન કરવા જઇ રહી છે, ત્યારે તેણે હસતા હસતા જણાવ્યું હતું કે, હું લગ્ન કરવા માંગુ છું. મારો પરિવાર પણ મારા લગ્ન કરવા ઇચ્છે છે, પણ મને લોકોની મંજૂરી મળે તો લગ્ન કરું ને! આ ઉપરાંત કંગનાએ લગ્નને લઈને પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો.
પોતાના લગ્નના પ્લાન વિશે વાત કરતા કંગના રનૌતે કહ્યું કે તેના લગ્ન અર્થહીન બાબતોને કારણે નથી થઈ રહ્યા. કંગનાનું માનવું છે કે લોકો તેના વિશે એવી અફવાઓ ફેલાવે છે કે તે હંમેશા બધા સાથે લડે છે, જ્યારે એવું કંઈ નથી.
કંગનાએ જણાવ્યું હતું કે, લોકો તેના વિશે જાતજાતની અફવા ફેલાવી રહ્યા છે. લોકો કહે છે કે હું બધા સાથે લડું છું, પણ એવું કંઇ નથી. કોઇ મને બિનજરૂરી રીતે, વગર વાંકે મને પરેશાન કરે તો એને હું છોડતી નથી, પછી ભલે એ કોઇ પણ હોય, પણ મને લગ્ન કરવાનો કોઇ વાંધો નથી. મને જો છોકરો મળી જાય તો કાલે જ હું તેની સાથે લગ્ન કરી લઉં.
કંગનાએ એમ પણ જણાવ્યું હતું કે, ‘એવું નથી કે હું લગ્ન કરવા નથી માગતી. મારા માતા-પિતા પણ મારા લગ્ન થાય એમ ઇચ્છે છે. હું પણ ઇચ્છું છું કે મારા લગ્ન થાય, મારા પણ બાળકો હોય, પણ હું શું કરું!’ જોકે, કંગનાએ તે ક્યારે લગ્ન કરશે એ વિશે કંઇ જણાવ્યું નથી.
કંગના રનૌતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.જોકે, આ ફિલ્મને સેન્સર બોર્ડે હજી સુધી લીલી ઝંડી આપી નથી. આ ફિલ્મ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી કટોકટી અને એ સમયના પ્રસંગોની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. કંગનાની ફિલ્મને ચાહકો કેવો પ્રતિસાદ આપશે તે જોવું રહ્યું.