રાંચી: ઝારખંડમાં કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા(Jharkhand Constable Recruitment) દરમિયાન દોડમાં 10 ઉમેદવારોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબત ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. બાબુલાલ મરાંડીએ એક્સ પર લખ્યું હતું કે હેમંત સોરેનની અવ્યવસ્થા અને જીદના કારણે આ ભરતી પ્રક્રિયાની દોડ હવે મૃત્યુની દોડ બની ચૂકી છે. આ મોતની દોડના રાજ્યના 10 બેરોજગાર યુવાનો અકાળે મૃત્યુની જાળમાં સપડાયા છે. અનેક ઘરોના દીવા બુઝાયા છે. અનેક વાલીઓ નિરાધાર બન્યા છે.
યુવાનોને કાળઝાળ ગરમીમાં દોડવવામાં આવી રહ્યા છે : મરાંડી
આ અંગે બાબુલાલ મરાંડીએ એ કહ્યું કે અડધી રાત્રે યુવાનોને ઉભા રાખી દેવામાં આવે છે. તેમજ પછી બીજા દિવસે કાળઝાળ ગરમીમાં તેમણે દોડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભરતી કેન્દ્રો પર આરોગ્ય સેવાની સુવિધા કરવામાં આવી નથી. આ ઉપરાંત દોડ માટે નક્કી કરાયેલા રુટ પર પણ હેમંત સરકારે યોગ્ય વ્યવસ્થા નહોતી કરી.
સરકારે મૃતક યુવકના આશ્રિતોને તાત્કાલિક વળતર ચૂકવવું જોઇએ
તેમણે કહ્યું કે, સાડા 4 વર્ષ સુધી યુવાનોને બેરોજગાર રાખ્યા પછી પણ હેમંતજીને સંતોષ ન મળ્યો, તેથી હવે તેઓ યુવાનોને મારવા પર ઉતારું થયા છે. આજે ઉમેદવારોએ અરજી કરી અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયાની દોડમાં ચાલી રહેલી અરાજકતા વિશે મને આવેદનપત્ર આપ્યું છે. સરકારે મૃતક યુવકના આશ્રિતોને તાત્કાલિક વળતર અને નોકરી આપવી જોઈએ. તેમજ આ ગંભીર બાબતની ન્યાયિક તપાસ કરાવવી જોઇએ.