ઉત્સવ

પોતાની જીવનવાર્તાના નાયક નહીં, પણ લેખક બનો..

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

રાજેશ તેલંગ

તમે કાર્ટૂનિસ્ટ સુધીર તૈલંગનું નામ સાંભળ્યું છે? ૨૦૧૬માં સાઈઠ વર્ષની ઉંમરે મગજના કેન્સરમાં અવસાન પામેલા સુધીરભાઈ હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ એશિયન એજ જેવાં અંગ્રેજી સમાચારપત્રોમાં રાજકીય વ્યંગથી ભરપૂર કાર્ટૂનો મારફતે લોકપ્રિય બન્યા હતા.

બિકાનેર-રાજસ્થાનમાં જન્મેલા સુધીરભાઈનો લઘુ બંધુ રાજેશ તૈલંગ અત્યારે ફિલ્મો અને ઓટીટી સિરિયલોમાં કાઠું કાઢી રહ્યો છે. સિદ્ધાર્થ અને મિરઝાપુર જેવી ફિલ્મો અને દિલ્હી ક્રાઈમ જેવી સિરિયલોથી મશહૂર થયેલા રાજેશના જીવનમાં બાકી અભિનેતાઓ સાથે બને છે તેમ એક લાંબો સંઘર્ષ રહ્યો છે. ત્યાં સુધી કે એક સમયે એને કામ નહોતું મળતું અને ખુદ પરથી વિશ્ર્વાસ ઉઠવા લાગ્યો હતો. એક અભિનેતાના રૂપમાં એને અનેક આઘાત અને રિજેક્શમાંથી પસાર થવું પડ્યું હતું, છતાં, જે પણ કામ મળતું હતું તેમાં એ ખુદની અભિનય ક્ષમતાને સુધારવા માટે કામ કર્યું હતું. ખરાબ સમયમાં પણ એ હંમેશાં પોતાનું કામ પ્રામાણિકપણે કરતો રહ્યો હતો. કદાચ આ જ કારણ હતું કે એણે પોતાનાં સારાં-ખોટાં દરેક પાત્રોને એટલી ખંતપૂર્વક ભજવ્યા કે એની મંઝિલે તેની જાતે જ રાજેશને શોધતી આવી હતી.

૨૦૧૩માં રજૂ થયેલી ફિલ્મ ‘સિદ્ધાર્થ’થી એને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ મળી હતી. તે જ સમયે, ઓટીટી પ્લેટફોર્મના આગમન બાદ લાંબી રાહ જોયા પછી, એને એવી ભૂમિકાઓ મળવાની શરુ થઇ હતી, જેની એને ઈચ્છા હતી.

જો કે, તે પહેલાં રાજેશે એક લાંબી સઘર્ષભરી યાત્રા કરી હતી. જો કોઈ બીજો કલાકાર હોત તો કદાચ તે હતાશામાં નાની ભૂમિકાઓ કરતો હોત અને ભીડમાં ચાલતો રહ્યો હોત, પરંતુ રાજેશ અલગ હતો અને ભીડમાંથી બહાર ઊભો રહ્યો હતો. એણે પોતાનું ફોકસ ખૂબ જ સ્પષ્ટ રાખ્યું- પોતાની પ્રતિભાને નિખારવાનું! કામ પ્રત્યેનો આવો અભિગમ કેવી રીતે આવતો હશે અનુભવમાંથી? જન્મથી કે પછી માહોલમાંથી?
તાજેતરમાં, ‘જિંદગી વિથ રિચા’ નામના એક કાર્યક્રમમાં રાજેશે એના સંઘર્ષની વાત કરતી વખતે એક સુંદર વાત કરી હતી. રાજેશની માતા હિન્દી સાહિત્યની શોખીન હતી. એમને દરેક ચીજ, દરેક ઘટના માટે એક કહેવત આવડતી હતી. એ વાતને યાદ કરીને રાજેશ કહે છે :
‘માએ મને એકવાર કહ્યું હતું કે વાર્તાનો નાયક બનવાની કોશિશ ના કરતો, વાર્તાનો લેખક બનવાની કોશિશ કરજે. આપણે જિંદગીના નાયક બની જઈએ છીએ… મારી જિંદગી, મારી વાર્તા, હું તેનો હીરો છું…આપણે તેમાં ગડબડ કરી નાખીએ છીએ…તું એ વાર્તાનો લેખક બનજે. એ લેખક નાયકને કહી શકે કે શું કરવાનું છે, શું નથી કરવાનું એ શિખામણ કાયમ મને યાદ રહી ગઈ છે.’ કેટલી સરસ વાત છે! આપણે આપણી જિંદગીની વાર્તાના હીરો નથી બનવાનું, તેના લેખક બનવાનું છે. એ લેખક નક્કી કરે છે કે એનાં પાત્રોની દિશા અને દશા કેવી હશે અને કેવી રીતે વ્યવહાર કરશે. આપણી વાર્તા આપણે ખુદ લખવાની છે. એ કલમને આપણે બીજા લોકોના હાથમાં થમાવાની નથી.

ઈંગ્લિશ મહા કવિ વિલિયમ શેક્સપિયરે કહ્યું હતું કે, ‘આખી દુનિયા એક રંગમંચ છે અને આપણે સૌ અભિનેતા! કોણ ક્યારે ક્યાં ઉઠશે તે કોઈ જાણતું નથી.’ શેક્સપિયરે ભલે ફિલોસોફિકલ અંદાજમાં આ કહ્યું હોય, રાજેશ તૈલંગની માતાએ વ્યવહારિક સલાહ આપી હતી કે- ના, આપણું નાટક આપણે ખુદ લખવાનું છે! આપણે જ નક્કી કરીશું કે તે નાટકમાં આપણી ભૂમિકા શું હશે! માતાની વાત ગહેરી હતી, પણ નવી નહોતી. દુનિયામાં ઘણા લોકો આવા મતલબનું કહી ગયા છે. એટલા માટે જ માતાની વાતમાં સત્યનો અહેસાસ હતો.

સ્વામી વિવેકાનંદે આવું જ કહ્યું હતું : ‘આપણે કોણ છીએ તેના માટે આપણે જવાબદાર છીએ અને આપણે જે બનવા માગીએ છીએ તેની શક્તિ પણ આપણી પાસે જ છે. આજે આપણે જે છીએ તે જો ભૂતકાળના આપણા કર્મનું પરિણામ હોય તો તેનો અર્થ એ થયો કે આપણે જે બનવા માંગીએ છીએ તે આપણા વર્તમાનનાં કર્મમાંથી જ આવશે.’

તમે તમારા નસીબના નિર્માતા છો. તમે જ તમારી જાતને દુ:ખી કરો છો, તમે જ તેને શ્રેષ્ઠ કે કનિષ્ઠ બનાવો છો અને તમે જ તમારી આંખો પર હથેળીઓ ઢાંકીને કહો છો કે અંધારું છે. હાથ દૂર કરો અને જુવો, કે પ્રકાશ જ પ્રકાશ છે. વ્યવહારિક અર્થમાં આ જ કર્મયોગ છે. આપણામાંથી ઘણા બધા લોકો અકસ્માતે જીવે છે. આપણે એવી રીતે જીવીએ છીએ જાણે કોઈ આપણને અમુક રીતે જીવાડે છે, જાણે આપણે કઠપૂતળી છીએ અને નચાવે તેમ નાચીએ છીએ. આપણા જીવવામાં આપણી ન તો કોઈ ચોઇસ છે, ન તો હેતુ છે, ન અર્થ છે, ન તેની જાગૃતિ. જીવન નામની નદીમાં એક લાકડાની જેમ અહીં તહીં અફળતા-ફૂટાતા આપણે તણાતા રહીએ છીએ. અભિનેતા નાના પાટેકરે એક સંવાદમાં કહ્યું હતું તેમ, ‘કયુ જીએ માલૂમ નહીં, કયુ મરે માલૂમ નહીં.’

જીવન સાર્થક અને સંતોષકારક ત્યારે બને જ્યારે તે સહેતુક હોય. વેદમાં તેને સંકલ્પ કહે છે; કર્મ સંકલ્પમાંથી આવે છે. આપણે જેવું પણ જીવીએ છીએ તે આપણા કર્મ (એક્શન)નું પરિણામ છે. એ કર્મ સહેતુક છે કે સાંયોગિક, તેના પર જીવનની સાર્થકતા નિર્ભર કરે છે. સહેતુક જીવન એટલે મારી ચોઇસ પ્રમાણે જીવવાની, નિર્ણય કરવાની સ્વતંત્રતા. ઇચ્છાશક્તિ એટલે જીવતા રહેવું નહીં, ઇચ્છાશક્તિ એટલે ઇચ્છિત જીવનનું નિર્માણ કરવું, તેની ડિઝાઇન બનાવવી- તેનું સર્જન કરવું તે. એક દાખલો ક્યાંક વાંચ્યો હતો:
એક જગ્યાએ ૧૦૦ તોતિંગ કોઠી છે. તેમાંથી એકમાં સોનું છે. બે માણસ છે- અનિલ અને બાદલ એમને એ સોનું મેળવવું છે. એમણે દરેક કોઠીને વારાફરતી ફોડવાની છે. અનિલ હથોડા વડે પહેલી કોઠી ફોડે છે, પછી બીજી અને ત્રીજી એમ કરીને ૨૪ કોઠી ફોડે છે, પણ ત્યાં સુધીમાં તો એ થાકીને ચૂર થઈ જાય છે. એ હાર માની લે છે. પાછળથી એને ખબર પડે છે કે ૨૮મી કોઠીમાં સોનું હતું. એણે જો વધુ ૪ કોઠી ફોડવાનો પરિશ્રમ કર્યો હોત તો નસીબ ચમકી ગયું હોત. એને આળસ આવી ગઈ અને નસીબ દૂર રહી ગયું.

હવે બાદલનો વારો આવ્યો. કોઠીઓની ગોઠવણી બદલી નાખવામાં આવી હતી. એણે હથોડો લઇને કોઠીઓ ફોડવાનું શરૂ કર્યું, ૧,૨,૩,૪,૫…અને એ ૫૦ સુધી પહોંચ્યો. નસીબે સાથ ન આપ્યો, પણ એ હિંમત ન હાર્યો. એણે નક્કી કર્યું હતું કે ૧૦૦ પૂરી કરવી. ૭૮મી કોઠીમાંથી એને સોનું મળ્યું. અનિલ માટે સોનુ ૨૮મી કોઠીમાં હતું, પણ નસીબ તેના ફેવરમાં ન હતું , કારણ કે તે આળસી ગયો હતો.
બાદલનું નસીબ ખરાબ હતું એટલે સોનું ૭૮મી કોઠીમાં હતું, પણ પરિશ્રમ ચાલુ રાખીને નસીબને ફેવરમાં કરી નાખ્યું. સાર એટલો
જ કે નસીબ ચોક્કસ હોય છે, પણ તેની
વરમાળા એના ગળામાં પડે છે જે ઈમાનદારીથી પરિશ્રમ કરે છે. ખરાબ નસીબ પણ હોય છે, પરંતુ એને નિયમિત પરિશ્રમથી જીતી
શકાય છે.

જીવનમાં આપણે સફળ થવા માટે જેટલા પ્રયાસો વધારતા જઈએ, નિષ્ફળતાની શકયતાઓ એટલી ઓછી થતી જાય. લોકોને નસીબમાં વિશ્ર્વાસ હોવાનું કારણ એ છે કે તે પરિશ્રમ વિનાનું અને ચમત્કારિક હોય છે. ઘણા લોકો બાદલ જેવા હોય છે, જે સોનું મેળવ્યા પછી પોતાને નસીબદાર ગણાવે છે. અમુક લોકો રાજેશ તૈલંગ જેવા હોય છે,જે ખુદનું નસીબ લખીને સોનું મેળવે છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…