ભલામણની મથામણ સિફારસની બારિશ
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ:
વખાણથી મોટી કોઇ ખાણ નથી. (છેલવાણી)
ભલામણ ને શિખામણ આ બંનેમાં મણ-મણનો તફાવત છે. બીજાને ‘શિખામણ’ ….
આપવાની ગમે, પણ ભલામણ’ બીજા પાસેથી લેવાની ગમે.
હમણાં સાંભળ્યું છે કે અમેરિકાનાં પેન્સિલવેનિયા રાજ્યમાં પતિ એની પત્નીની ભલામણ ચિઠ્ઠી વગર દારૂ નથી ખરીદી શકતો! આને કહેવાય ખરો નારી-પાવર.
વળી, ચીનમાં જન્મનો દર વધારવા માટે ત્યાંની સરકાર લોકોને કહી રહી છે. હમણાં ચીનની સરકારી કોલેજોમાં પ્રેમ કરવા અને સેક્સ કરવા વિદ્યાર્થીઓને ભલામણ કરી રહી છે. એટલું જ નહીં, કોલેજોમાં પ્રેમ કરવા વિદ્યાર્થીઓને એક અઠવાડિયાની રજા પણ આપવામાં આવે છે! આ બાજુ આપણે ત્યાં તો કોલેજવાળાં વિદ્યાર્થીઓને ‘મા-બાપને કહી દેશું’ વાળી ધમકી સાથે પ્રેમ ના કરવા માટેની ભલામણ તો કરે જ છે, પણ ઉપરથી કેવાં ઉઘાડાં કે આધુનિક કપડાં પહેરવા કે નહીં વિશે રોજ નવા નિયમો લાગુ પાડે છે.
મહાનાયક ગણાતા અભિનેતા અમિતાભ બચ્ચન પણ રીતસર પી.એમ. ઇંદિરા ગાંધીની ભલામણ ચિઠ્ઠી લઇને ફિલ્મ લાઇનમાં આવેલા. એટલે જ સુનીલ દત્ત અને કે.એ.અબ્બાસ જેવા લેખક-નિર્દેશકોએ અમિતાભને ‘સાત હિંદુસ્તાની ’ અને ‘રેશ્મા ઔર શેરા’ જેવી ફિલ્મો આપેલી. ત્યાર બાદ, અમિતાભની ૧૧-૧૨ ફિલ્મ ફ્લોપ થયા પછી અભિનેત્રી જયા ભાદુરીની ભલામણથી નિર્માતા- નિર્દેશક પ્રકાશ મહેરાની ‘જંઝીર’ ફિલ્મ મળી અને અમિતાભ પછી સ્ટાર બન્યા. ૧૯૬૪માં ‘ચાહુંગા મૈં તુઝે સાંઝ સવેરે ’ જેવાં અદ્ભુત ગીતો જે ફિલ્મમાં હતાં એ રાજશ્રી ફિલ્મ્સની ‘દોસ્તી’ ફિલ્મમાં નવા સવા લબરમૂછિયા સંગીતકાર લક્ષ્મી-પ્યારેને ગીતો લખી આપવા મજરૂહને ગાયિકા લતા મંગેશકરે ભલામણ કરેલી અને મજા જુઓ કે ૧૯૪૬થી ગીતો લખનાર મજરૂહને એ જ ફિલ્મનાં ગીત માટે પ્રથમ ફિલ્મ- ફેર એવોર્ડ મળ્યો! અગાઉ ફિલ્મો માટે શેઠિયાઓ ફાઇનાન્સ કરતા ત્યારે હીરો લોકોની ચિઠ્ઠીથી નિર્માતાઓને ફાઇનાન્સ મળી જતું, પણ હીરો સિવાય, શંકર- જયકિશન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ એવા માત્ર બે જ મ્યુઝિક ડિરેક્ટરોની ભલામણ ચિઠ્ઠીથી નિર્માતાને પૈસા મળી જતા!
આ દેશમાં ‘ભલામણ’ શબ્દમાં એક જાદૂઈ તાવીઝ જેવી તાકાત છે કે જેનાથી કોઈને કઈ પણ કરવા માટે દબાણ કરી શકો છો! કોઈને નોકરી મેળવવી હોય, પછી એ જ નોકરીમાં કોઈની બદલી કરાવવી હોય કે બદલી અટકાવવાની હોય, હેરાન કરનાર અધિકારીની બદલી કરાવવાની હોય, તત્કાલમાં ટ્રેનની ટિકિટ જોઈતી હોય.. સો વાતનો એક જવાબ: ‘ભલામણ’.
અમારા એક મિત્રનું પ્રમોશન થવાનું હતું. એ ગમે એમ કરીને કોઇકની ભલામણવાળો લેટર લઈ આવ્યો છતાં એને પ્રમોશન મળ્યું નહીં. પછી ખબર પડી કે જેને પ્રમોશન મળ્યું એ કોઈ વધુ મોટા માણસની ભલામણ લઈને આવેલો એટલે મારા મિત્રની ભલામણ ફ્લોપ!
ઇંટરવલ:
ઝિંદા રહના હૈ તો કાતિલ કી સિફારિશ ચાહિએ (હકીમ મંઝૂર)
વર્ષો પહેલાં એક જાણીતા રાજનેતાના સંબંધીની પુત્રીનું એમ.બી.બી.એસ.માં એડમિશન લેવાનું હતું. આમ તો એડમિશન અસંભવ હતું એટલે પેલા રાજકીય વ્યક્તિની ભલામણને લીધે એડમિશન થઈ ગયું. પાછળથી આનો ઘણો વિરોધ પણ થયો પણ ભલામણ રાજકીય હતી એટલે વાત દબાઈ ગઈ. છેવટે એક કાબિલ વિદ્યાર્થિની સીટ છીનવીને પેલાં બહેન ડોક્ટર બની ગયા, પણ શું આવી ભલામણોથી બનેલા ડોક્ટરો ભરોસાને લાયક હશે? એ જ રીતે ભલામણથી એન્જિનિયરીંગમાં એડમિશન લેનારના હાથમાં જ્યારે કોઈ બ્રિજ કે બિલ્ડિંગનું બાંધકામ આવે ત્યારે એ બને તે પહેલા જ તૂટી પડે છે અથવા ઉદ્ઘાટનમાં મંત્રી નાળિયેર ફોડે ન તરત એ તૂટી પડે છે.
એક જમાનામાં મુંબઇની એક કોલેજમાં એક વડીલ ટ્રસ્ટી એડમિશન વખતે બધાંને ભલામણ ચિઠ્ઠી લખી આપતા. કોઇને ના જ ન પાડે! પણ એ વડીલ, ત્રણ અલગ અલગ રંગની પેનથી ભલામણ ચિઠ્ઠી લખી આપતા. જેને ખરેખર એડમિશન આપવાનું હોય એ લાલ રંગે, જેને આપી શકાય તો આપો એ બ્લ્યૂ રંગે ને જેને એડમિશન ના જ આપવાનું હોય એનો પત્ર કાળા અક્ષરે લખી આપે!
ભલામણનો ગુરુ-મંત્ર એ છે કે જો તમે ભલામણ મેળવવા માગતા હોવ તો હાથ ધોઈને પાછળ પડી જાઓ. એક દિવસ મોટા માણસ અહંકાર જાગી જશે ને તમારું કામ થઈ જશે. બીજું, ભલામણ મેળવનાર વ્યક્તિની સેવા કરવી પડે, મસ્કા મારવા પડે, આગળ-પાછળ ફરવું પડે જવું પડે, રોજ એનાં ઘરે કે ઓફિસમાં ધક્કા મારવા પડે, એ પાવરફુલ માણસનાં ઘરનાં નાના મોટા કામકાજ કરી આપવા પડે ત્યારે પેલાનાં મનમાં દયા જાગે અને તમારું કામ થઈ જાય.
અમારા એક મિત્ર રોની સરકારી વિભાગમાં ઊંચા હોદ્દા પર હતા. રોનીના ઓળખીતા વર્માજીનો દીકરો બેકાર હતો. પછી બસ, વર્માજી રોનીના ઘરે આવ્યા અને કહ્યું, ‘મારો દીકરો બેકાર ફરે છે એને ક્યાંક નોકરીએ લગાડી આપ!’ રોનીને શું સૂઝ્યું કે એણે હા પાડી દીધી. ઘણા મહિનાઓ વીતી ગયા પણ હજી મામલો ઉકેલાયો નહોતો. હવે રોની પેલા વર્માજીને ટાળવા લાગ્યો . એક દિવસ અમે રોનીને એની ઑફિસમાં મળવા ગયા ત્યારે જોયું તો વર્માજી અમારા મિત્રની ઑફિસની બહાર બેઠા હતા. પહેલા તો લાગ્યું કે એ ઑફિસમાં એમને કોઈ કામ હશે, પણ જ્યારે અમે રોની સાથે બહાર આવ્યા ત્યારે વર્માજી હાથ જોડીને ઊભા થઈને ગાવા માંડ્યા: ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે.. પછી જ્યારે જ્યારે રોની દેખાય ત્યારે વર્માજી એ જ રીતે હાથ જોડીન ‘તુમને પુકારા’ ગાવાનું શરૂ કરે છે. આખરે કંટાળેલા રોનીની ભલામણથી વર્માના પુત્રને નોકરી મળી જ ગઈ. ઇન શોર્ટ, મણ-મણની ભલામણ મેળવીને જ આ દેશમાં કામ થાય!
એંડ-ટાઇટલ્સ:
આદમ: તને મારી ભલામણ કોણે કરી?
ઇવ: એ જ રોજ યાદ કરું છું!