ઉત્સવ

અબુધભાઈએ લાલી લેખે કરી નાખી

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું કે સાર્થક થવું. જીવતે જીવ કોઈને લેખે લાગીએ તો એના આનંદ અનોખો હોય, પણ ક્યારેક જીવ જતો રહ્યો હોય એવી વ્યક્તિ પણ લેખે લાગે એવું બની શકે છે. આ કથા પરથી વાત સમજાઈ જશે.
નાનકડા નગરમાં રાવજીભાઈ અને રસીલાબહેનનો નાનકડો સંસાર હતો. દંપતીને એક જ સંતાન હતું. નામ એનું લક્ષ્મી હતું, પણ લાડમાં બધા તેને લાલી કહીને બોલાવતા. લક્ષ્મી મોટી થઇ અને પરણાવવા જેવડી થઈ પણ માતા – પિતા માટે તો લાલી જ રહી. સારું ઘર ગોતી એકની એક દીકરીને ધામધૂમથી પરણાવી. સોના ચાંદીના ઘરેણાં બનાવડાવ્યા અને સારો કરિયાવર આપી દીકરીને વાજતેગાજતે સાસરે વળાવી. જોકે, કુદરત રૂઠી અને સંસાર મનભરી માણે એ પહેલાં તો લાલી સ્વર્ગે સિધાવી ગઈ. માતા પિતા દુ:ખી દુ:ખી થઈ ગયાં, માનસિક રીતે ભાંગી પડ્યાં.

લાલીના અકાળે મૃત્યુની વાત જોતજોતામાં આસપાસના ગામ – નગરમાં ફેલાઈ ગઈ. અનેક કાને પહોંચી જેમાં એક મગન નામના ઠગભગતને પણ વાત મળી. ઠગ પહોંચ્યો સીધો લાલીના ઘરે. રાવજીભાઈ ઘરમાં નહોતા ત્યારે લાગ જોઈ ઠગભગત રસીલાબહેનને મળ્યો અને લાગણીનો ઢોંગ કરી કહેવા લાગ્યો કે ‘તમારી દીકરી લાલી ગઈકાલે મારા સપનામાં આવી કહેવા લાગી કે મારા અકાળે મૃત્યુથી મારી બાના માથે કેવી વીતી હશે એ હું જાણું છું. મારી બાને કહેજો કે મારા આણા માટે તૈયાર કરેલા લૂગડાંમાંથી પસંદ કરી એક ટ્રંક ભરી મોકલે. મોકલવા માટે કોઈ વ્યવસ્થા થઈ ન શકે એમ હોય તો તમે લેતા આવજો.’
દીકરીના અવસાનના આઘાતમાંથી હજી બહાર નહીં આવી શકેલાં રસીલાબહેન ઠગની વાતોમાં ભોળવાઈ ગયાં અને ટ્રંકમાં લૂગડાં ભરી આપ્યાં અને સાથે થોડા ઘરેણાં પણ મૂક્યાં. ઠગભાઇ ટ્રંક લઈને ઉતાવળે નીકળી રહ્યો હતો એવામાં રાવજીભાઈ ઘરે પહોંચ્યા. રસીલાબહેનના ચહેરા પર દેખાતા હરખનું કારણ પૂછતાં તેમણે દીકરીના સપનાની સવિસ્તર વાત કરી લૂગડાં અને ઘરેણાં મોકલ્યાં હોવાનું જણાવ્યું. આવેલી વ્યક્તિ પત્નીને ઠગી ગયો એ રાવજીભાઈ તરત સમજી ગયા. તરત ઘોડી પલાણી ઠગભગતનો પીછો કરી એની નજીક પહોંચી ગયા. નજીકમાં એક વડનું ઝાડ હતું જેના પર ઠગભગત સડસડાટ ચડી ગયો. કોઈપણ ભોગે ઠગને પકડી દીકરીના લૂગડાં – ઘરેણાં પાછા મેળવવા માગતા રાવજીભાઈએ વડ નીચે ઘોડી ઊભી રાખી વડવાઈઓની મદદ લઈ ઠગની પૂંઠ પકડી. એ હાથવેંતમાં હતો ત્યારે ઠગે વડાવાઈથી સીધો ઠેકડો નીચે ઊભેલી ઘોડી તરફ માર્યો અને રાવજીભાઈને હાથતાળી આપી માલસામાન સાથે ઘોડી પર બેસી નાસી ગયો. ઠગભગત છટકી જતા રાવજીભાઈ વીલા મોઢે ઘરે પાછા ફર્યા ત્યારે રસીલાબહેને પહેલો સવાલ કર્યો કે ‘તમે ગયા હતા ઘોડી પલાણીને અને પાછા કેમ પગપાળા આવ્યા?’ અબુધ એવા રાવજીભાઈ એટલું જ બોલ્યા કે ‘મેં પણ તારી જેમ લાલી લેખે કરી નાખી.’

WORLD IDIOMS – PROVERBS

આજે પહેલી સપ્ટેમ્બર. કેલેન્ડર અનુસાર નવમો મહિનો. નવ (અંગ્રેજીમાં નાઈન)ની ફરતે ઘણી કહેવતો – રૂઢિપ્રયોગ સંકળાયા છે. A stitch in time saves nine (સમય સાચવે તેને ઈશ્વર સાચવે), On cloud nine (અતિશય આનંદ કે ખુશાલી થવા) Nine times out of ten (વાર તહેવારે)  વગેરે જાણીતા પ્રયોગો છે. થોડા ઓછા જાણીતા ભાષા પ્રયોગ વિશે જાણીએ.

Genius is one percent inspiration, ninety-nine percent perspiration. મુખ્યત્વે લાઈટ બલ્બ અને ફોનોગ્રાફની શોધ માટે પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના નામ સાથે આ ઉક્તિ જોડાયેલી છે. આ કહેવત નો શબ્દાર્થ છે અલૌકિક બુદ્ધિ કે પ્રતિભા ધરાવતી (જીનિયસ) વ્યક્તિ એક ટકા વૈચારિક તાકાત – સ્ફૂરણા અને 99 ટકા સખત મહેનતથી તૈયાર થતા હોય છે. મતલબ કે જગતને શ્રેષ્ઠ વસ્તુની ભેટ આપનારા લોકોએ સિદ્ધિ મેળવવા બહુ આકરી મહેનત કરી હોય છે.

My Very Educated Mother Just Served Us Nine Pumpkins. નવની સંખ્યાનો સમાવેશ ધરાવતી આ એક ચાતુર્યથી ભરપૂર કહેવત છે જે આપણી સૂર્યમાળાના નવ ગ્રહ અને એનો ક્રમ યાદ રાખવામાં મદદરૂપ થાય છે. અલબત્ત આ કહેવત ઘણી જૂની છે અને 2006માં પ્લેટોને ગ્રહના દરજ્જામાંથી હટાવી દેવામાં આવ્યો હતો. આજની તારીખમાં આઠ ગ્રહ છે, પણ એ ક્રમવાર યાદ રાખવા માટે કોઈ નવો નુસખો આવે નહીં ત્યાં સુધી ભાષાની દુનિયામાં આનાથી કામ ચલાવી શકાય એમ છે. કહેવતનો શબ્દાર્થ થાય છે ‘મારી શિક્ષિત માતાએ હમણાં જ અમને કોળું પીરસ્યું.’ હવે ધ્યાનથી કહેવત પર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે દરેક શબ્દનો પહેલો અક્ષર ગ્રહના નામનો પહેલો અક્ષર છે. એક સમયના સૂર્યમાળાના નવ ગ્રહ આ પ્રમાણે હતા: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune, Pluto. એનું સ્થાન પણ આ જ પ્રમાણે હતું. મરક્યુરી (બુધ) પછી વીનસ (શુક્ર), ત્યારબાદ અર્થ (પૃથ્વી) વગેરે વગેરે. ભાષાની કેવી જબરજસ્ત કરામત.

નવ – નાઈન વિશે અન્ય એક ઓછો જાણીતો રૂઢિપ્રયોગ છે To the nines. કોઈ બાબતે અથવા કોઈ કામમાં નિપુણ હોવું એ માટે આ રૂઢિપ્રયોગનો વપરાશ થાય છે. જોકે મોડર્ન ઈંગ્લિશમાં આ પ્રયોગ Dressed to the nines or Dressed up to the nines તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. To say someone is Dressed to the nines is to say this person is dressed to perfection, everything works. અહીં વ્યક્તિનો પહેરવેશ ટીપટોપ છે અથવા કામમાં કોઈ ખોટ નથી એવો પણ અર્થ છે.

सात वार नौ त्योहार 

ગુજરાતીમાં નવ હિન્દીમાં નૌ તરીકે ઓળખાય છે. ‘ચાંદની’ ફિલ્મનું ગીત ‘મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયા હૈ’ સાંભળ્યું હશે. બહુ કિંમતી – મૂલ્યવાન હાર नौलखा हार તરીકે ઓળખાય છે. અગાઉ નવ લાખનું મૂલ્ય બહુ ઊંચું લેખાતું હતું. આપણી પ્રજા ઉત્સવ પ્રિય છે એટલે કાશીમાં सात वार नौ त्योहार પ્રયોગ જાણીતો છે. કારતક મહિનામાં દરરોજ એક તહેવારની ઉજવણી થતી હોય છે ને ક્યારેક તો એક દિવસમાં બે તહેવાર હોય એવું પણ બનતું હોય છે. એના પરથી આ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે. नौ दो ग्यारह होना મતલબ ભાગી જવું, નાસી જવું કે પોબારા ગણી જવું એક મજેદાર કહેવત છે न नौ मन तेल होगा न राधा नाचेगी. જોકે,  કહેવતના બે શબ્દ  તેલ અને નાચને કોઈ સંબંધ નથી. કોઈ કામ પૂરું કરવા માટે પૂરતી સાધન સામગ્રી ન હોય અને જરૂરી સાધન સામગ્રીનો અભાવ હોય તો કામ પણ પૂરું ન થાય એ એનો ભાવાર્થ છે. આ કહેવતનો ઉપયોગ મોટેભાગે એવા સમયે કરવામાં આવે છે જ્યારે કોઈ કામ માટે એવી આકરી શરત મૂકવામાં આવે જે પૂરી કરવી અસંભવ હોય. શરત પૂરી ન કરવામાં આવે તો કામ પણ પૂરું થાય જ નહીં ને. રાંધ્યા વિના રસોઈ જમવા જેવી વાત કહેવાય.

शब्द एक, अर्थ वेगळे શબ્દના વપરાશ પરથી એનો અર્થ નક્કી થતો હોય છે કે સમજાતો હોય છે. मान શબ્દનો એક અર્થ થાય છે પ્રતિષ્ઠા કે આબરૂ. समाजात आपला मान वरचा असावा असं अनेकाना वाटतं। સમાજમાં પોતાનું સ્થાન ઊંચું હોય એટલે કે આદર ધરાવતું હોય એવી  લાગણી અનેક લોકોમાં હોય છે. આ શબ્દનો બીજો અર્થ છે ડોક. અલબત્ત આ એક અર્થના પણ પાછા બે અર્થ છે. मान खाली करणे એટલે શરમથી નીચું જોવું. બીજું વાક્ય છે जिराफची मान खूप लांब असते. જિરાફની ડોક ખૂબ લાંબી હોય છે. આ પ્રકારનો ભાવાર્થ चाल શબ્દમાં પણ જોવા મળે છે. ચાલવાની શૈલી કે સ્ટાઈલ એ જાણીતો અર્થ છે. अभिनेता राजकुमारची चालचा लोकांना वेड लागला होता. અભિનેતા રાજ કુમારની ચાલના અનેક લોકો દીવાના હતા. હવે આ શબ્દ સંગીતના સંદર્ભમાં અલગ અર્થ ધારણ કરે છે. हिंदी चित्रपटातील अनेक गाण्यांची चाल अविस्मरणीय आहे. હિન્દી ફિલ્મોના અનેક ગીતોની ધૂન અવિસ્મરણીય છે. खिचडी શબ્દ પણ એના ઉપયોગ અનુસાર કેવા અલગ અર્થ અપનાવે છે એ જોઈએ. उपवासाच्या दिवशी साबुदाणा खिचडी खायची मजा असते. અહીં ખાવાની વસ્તુની વાત છે. ઉપવાસને દિવસે સાબુદાણાની ખીચડી ખાવાની અલગ જ મજા હોય છે. બીજો અર્થ જોઈએ. मला काही सूचत नाही। मनात सघळी खिचडी झालीये. મને કંઈ સૂઝતું નથી. મનમાં ખીચડી જેવું થઈ ગયું છે. મતલબ કે અનેક વિચાર દોડાદોડ કરી રહ્યા છે

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…