ઉત્સવસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

એક હી સપનાં… અપના ઓલિમ્પિક્સ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

ઓલિમ્પિક્સ- એક એવી જગ્યા છે જ્યાં આપણે હારવા માટે દર વખતે જઈએ છે. આપણા દેશમાં જુવાનિયાઓ પાસે નોકરી નથી, બાળકોને રમવા માટે મેદાન નથી, વૃદ્ધોને જરૂરી દવાઓ નથી મળતી, શાંતિ નથી મળતી, ગરીબોને રહેવા માટે ઘર નથી, ગામડાઓમાં પીવાનું પાણી નથી, રસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ પડેલા છે, નદીઓ પર પૂલ બને છે એ જ દિવસે જ તૂટી જાય છે, આ સિવાય કોણ જાણે બીજી કેટલીય સમસ્યાઓ અને મુશ્કેલીઓથી ઘેરાયેલા એવા આ દેશમાં મંત્રીઓને ઓલિમ્પિક્સમાં ભાગ લેવામાં રસ છે! એમને જીતવું નથી, પણ ખેલાડીઓ સાથે ફોરેન ફરવું છે!

વળી રાજનેતાઓની ઇચ્છા તો ત્યાં સુધીની છે કે ‘ભલે અમને બીજું કંઈ કરવા ન મળે, પણ બસ, દેશમાં એક ઓલિમ્પિક્સ યોજવા મળી જાય તો આપણો જનમ સાર્થક બની જાય, જીવન અર્થપૂર્ણ બની જાય ને રાજકારણમાં આવેલું સફળ થઈ જાય. બસ, અમને એક ઑલિમ્પિક જોઈએ જ છે’
આપણી પાસે તો જાણે બહુ મોટા વિશ્ર્વ ચેમ્પિયન કુસ્તીબાજ ખેલાડીઓ હોય એમ, એ ખેલાડીઓને અખાડામાં ઉતારવા માટે એ લોકો ઉતાવળા થઈ રહ્યા છે. મંત્રીઓનું કહેવું છે કે, ભગવાનની કૃપાથી આ દેશને જો ઓલિમ્પિક્સ યોજવાનો મોકો મળી જાય તો અમે કોઈ મહાન કામ કર્યું એવું લાગશે’. જોકે, મંત્રીઓને ખબર નથી કે આપણી હાલત કેવી છે. જો ભારતમાં ઓલિમ્પિક્સ યોજાશે તો ઓલિમ્પિક્સના ઈતિહાસમાં એ ઓલિમ્પિક્સ હશે, જેમાં યજમાન દેશને સુવર્ણચંદ્રકની વાત તો જવા દો, એક કાંસ્ય મેડલ પણ નહીં મળે. આમ છતાં આપણે ત્યાં ઓલિમ્પિક્સ યોજાય એને માટે આપણે વરસોથી બહુ ઉત્સાહી છીએ.

બીજી તરફ, ભારતીય ખેલાડીઓની હાલત એવી છે કે એમના શરીરમાં ૪ પેઢીથી પ્રોટિનની ઊણપ છે, ૩ પેઢીથી એમાં વિટામિનની ઊણપ છે, ૨ પેઢીથી તબિયત સારી નથી રહેતી અને ૧ પેઢીથી કોઈએ કસરત નથી કરી. એ લોકોને કેવી રીતે રમવું એ આવડતું નથી. આ પછી પણ જો એ લોકો કદાચ ક્યારેક જીતી પણ જાય તો એમનું ને દેશનાં મીડિયાનું દિમાગ એટલું ખરાબ થઈ જાય છે અથવા કરી નાખવામાં આવે કે એ પછી આગળનાં ઓલિમ્પિકસમાં બહુ જ ખરાબ રીતે હારી જાય છે… અને એ સાબિત કરી દે છે કે અગાઉ એ અનાયાસે જ જીતી ગયા હતા, મહેનતથી નહીં!

જો કે આ બધી ખામી અને નબળાઈ હોવા છતાં, જો ક્યારેક સારા આશાસ્પદ ખેલાડીઓ દેશમાં ઊભરી આવે તો આપણી પાસે એમની પસંદગી કરવાની અને ટીમ બનાવવાની ના તો ક્ષમતા છે અને ના તો કોઈ ટ્રેનિંગની સગવડો. આમેય આપણને ખેલાડીઓ કે રમતથી શું મતલબ? આપણને તો બસ, ઓલિમ્પિક્સ જોઇએ છે- ખર્ચાળ, ભવ્ય અને ઐતિહાસિક તમાશો જે એશિયાડ ગેમ્સનો બાપ સાબિત થાય.

આપણને મેડલ ભલે ઓછા મળે પણ આપણાં દેશનું નામ તો થાય! દિલ્હીમાં પૈસાનો વરસાદ થાય એમાં રસ્તા બનાવનાર ઠેકેદારો, પૂલ, હોટેલ અને સ્ટેડિયમ બનાવનાર કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોની ટોળી એકમેકમાં વહેંચી લે અને રાજકારણીઓ કમિશન કમાય. એટલા માટે જ જે મંત્રીઓને રમતગમત અને ખેલાડીઓ ગમતા નથી, છતાં એ ઓલિમ્પિક્સ યોજવાનો પ્રયત્ન કરશે. સ્વિડનના ખેલાડીઓનું કહેવું છે કે રમેશ કૃષ્ણનનો સ્ટેમિના ઓછો છે નહીં તો એ વિશ્ર્વનો શ્રેષ્ઠ ખેલાડી હોત. કોઇ બુઢ્ઢો વિદેશથી આવીને બિલિયર્ડ્સમાં યજમાન દેશના ખેલાડીઓને હરાવે છે. પણ આપણે એક સારી હોકી ટીમ તૈયાર કરી શકતા નથી. આપણી પાસે
ઘણા સક્ષમ ને સારા ફૂટબોલ ખેલાડીઓ હોવા છતાં, આપણે એમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી, પણ આપણને એક ઓલમ્પિક્સ જોઈએ છે- એક ભવ્ય આયોજન, ઉત્સવ, અને મોટો ખર્ચ કરવાની તક.
હકીકત એ છે કે ખેલાડીઓને પ્રોટિન અને વિટામિનની જરૂર છે. ઓલિમ્પિક્સ માટે પ્રયાસ કરવાને બદલે મંત્રીજી તમારું
જીવન એવા પ્રયત્નો કરવામાં પસાર કરો કે દેશનાં બાળકોને
દૂધ, ઈંડા અને પલાળેલા ચણા મળી જાય તો એ ભારતીય ખેલાડીઓ માટે વધુ ફાયદાકારક રહેશે. ઓલિમ્પિક્સ ભારતમાં લાવવા કરતાં, ભારતને ઓલિમ્પિક્સ માટે લાયક બનાવવું વધુ મહત્ત્વનું છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…