ઉત્સવ

મનની માનેલીને મેળામાં મળવા ગયો’ તો હંગામા હો ગયા!

તોફાને ચઢેલા એક આખલાની આખાબોલી મુલાકાત

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

અમારી ‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ બબૂચકે મને અને રાજુને એની સાંકડી ખોલી જેવી કેબિનમાં બોલાવ્યા. આજે કોણ જાણે કેમ પણ કુદરતી રીતે બાબુલાલ આખલા જેવા લાગતા હતા.બાબુલાલ છીંકોટા મારી રહ્યા હતા. નાકના ફોયણાં ફૂલેલાં હતા. મે કલ્પના કરી કે બાબુલાલ અમને શિંગડે ઉલાળવા ઇચ્છે છે એટલે અમને બંનેને બોલાવ્યા છે. તમારે બંનેએ જેતપુર જવાનું છે. મેં કેબ મંગાવી રાખી છે. બાકીની ડિટેઇલ્સ તમને વોટસએપ પર મળી જશે. નાઉ યુ કેન ગો. હરી અપ. ડોન્ટ વેસ્ટ ટાઇમ! બાબુલાલે સૂચનાનો ધોધ વરસાવી દીધો.

બંને બાબુલાલની ચેમ્બરમાંથી બહાર નીકળી જેતપુર જવા રવાના થયા. જેતપુર બાંઘણી ઉધોગ માટે જાણીતું અને લાલ પાણીના પ્રદૂષણ કુખ્યાત છે. રસ્તામાં અમને બાબુલાલ બોસની સૂચના મળી ગયેલી એ મુજ્બ અમારે જેતપુરમાં એક ઈન્ટરવ્યૂ કરવાનો હતો.

અમે લોકમેળાના સ્થળે પહોંચ્યા. લોકમેળાના સ્થળે કોઇ આતંકવાદી આવ્યા હોય તેવી ધમાલ-ધમાચકડી- અફડાતફડીનું વાતાવરણ હતું. ચારેબાજુ ધૂળના ગોટા.ચીસાચીસ, બૂમાબૂમ રીડિયારમણ. બાકીની કલ્પના તમારા પર છોડું છું. મામૂલી પારિશ્રમિકમાં લેખક જ બધી લોથ કરે એ ક્યાંનો ન્યાય? ત્યાં એક માસો શ્રીમાન આખલો છીંકોટા કરતો, હાંકોટા કરતો, પગની ખરીથી ધૂળ ઉડાડતો હતો… મુખકમળમાંથી લાળગંગા વહેતી હતી. કદાવર શરીર. ભય પમાડે તેવો માહોલ હતો.

અમારા બોસના આદેશ મુજબ અમારે આ મિસ્ટર આખલાનો ઈન્ટરવ્યૂ કરવાનો હતો. હું ગિરધરલાલ, ‘રિપોર્ટર બખડજંતર’ ચેનલ. આપનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું. શેલ વી સ્ટાર્ટ ?’ મેં સલામત અંતર રાખી મિસ્ટર આખલાને પૂછયું . મારી એટીકેટ-મેનરથી આખલો ઇમ્પ્રેસ થયો. તેણે હકારમાં માથું ધુણાવ્યું. મેં ફોટો પાડવા રાજુ રદીને ઈશારો કર્યો. રાજુએ જુદા જુદા એંગલથી ફોટા પાડ્યા.અમે આખલા સાથે ‘ચુઇઇ’ બોલીને સેલ્ફી પણ લીધી. ‘ભોઓ ભોંઓ.’ બોલીને ઇન્ટરવ્યું શરૂ કર્યો તમે ગૌવંશ થઇને કેમ આવું કર્યું ?’ અમે સવાલ કર્યો.સવાલ સાંભળી આખલો ભડકયો.

અમારી અવદશાની તમને ખબર છે? અમે ગૌવંશ છીએ. પણ અમારી દશા ઉતાનપાદ રાજાના અણમાનીતા દીકરા ધ્રુવ જેવી છે. આખલા જેવો આખલો રડું રડું થઇ રહ્યો હતો. અમે તેની પીઠે હાથ ફેરવી સાંત્વના આપી. આંસુ લૂંછવા ટીસ્યુપેપર આપ્યું, તો આખલો ટીસ્યુપેપર જ આરોગી ગયો.

કેમ. ‘આવું કહો છો ?’અમે પૂછ્યું.
તમે પત્રકારોએ અમારી છાપ બગાડી દીધી છે. લાલ લૂગડું જોઇને અમે ભડકીએ છીએ તેવું લોકો કહે છે. તમને ખબર છે કે અમે રંગાંધ છીએ ? અમે કલરમાં કાળો કલર ઓળખી શકીએ છીએ. એમાં લાલ લૂગડાં પાછળ ભડકવાની કયાં વાત આવી?’ નંદીએ ભડાશ કાઢી.

‘હઅમ્ હઅમ્.’ અમે ટાપશી પૂરી.
અમને લોકો ખૂંટિયા, ધણખૂંટ, નંદી, બળદિયા કહે છે. ગૌવંશ હોવા છતાં રાતના અંધારામાં ડાલામાં ખીચોખીચ ભરીને કતલખાને ધકેલવામાં આવે છે. કોઇના પેટનું પાણી હલતું નથી. તેણે રોતલ અવાજે ફરિયાદ કરી.

‘તમે તો શંકર ભગવાનનું વાહન છો. સાહિત્યમાં પણ માનભર્યું સ્થાન મળ્યું છે.જયંત ખત્રીની નવલિકામાં અડીબાજ અને હીરો ખૂંટની અતૂટ દોસ્તીની ગાથા આલેખવામાં આવે છે.’ અમે આખલા ચાલીસાનું પઠન કર્યું. અરે, પણ કરસનદાસ માણેક જેવા કવિ અમને વગોવવામાં કોઇ કમી છોડી નથી.. લો, આ છે તેમની કવિતાની પંક્તિ કામધેનુને મળે ના એક સૂકું તણખલું,ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે! આમાં એવો નિમ્નકક્ષાનો તથ્યહીન
આક્ષેપ કર્યો છે. આખલાએ સાહિત્યિક સાબિતી સાથે આરોપ મૂકયો.

‘ઇશ્ર્વર પેટલીકરની ખુબ જ સુંદર વાર્તા સાંઢનાથ્યો’ છે. – ગામમાં આવી ચડેલા તોફાની માતેલા સાંઢનો સામનો ભલભલા બહાદુર પુરુષો કરી શકતા નથી. ત્યારે ચંદા આ સાંઢને પકડવાનું બિડું ઝડપે છે. તામિલનાડુમાં જલ્લીકટુ નામની હિંસક રમત રમાય છે. જેમાં ખેલૈયા ઘવાય છે અને આખલો મરી જાય છે. સ્પેનમાં પણ બુલ ફાઇટ રમાય છે. શેરબજારમાં આખલો આગઝરતી તેજીનું પ્રતીક છે. અમે આખલા સ્તુતિ કરી. એ તો સમજ્યા રિપોર્ટર ભાઇ. અમારા વાંક ગુના વગર ‘પાડાના વાંકે પખાલીને ડામ’ તેવી કહેવત પ્રચલનમાં છે. બે આખલા લડે અને ઝાડને ખો નીકળે તેવી સાવ વાહિયત કહેવત પણ છે. બોલો, આ અમારું હડહડતું અપમાન નથી તો શું છે? લાંબું બોલી આખલો શ્ર્વાસ લેવા અટકયો. ‘ઓહોહોહોહો’અમે આખલાને પોરસ ચડાવ્યો.

‘થેંકસ’ આમ કહી આખલાએ નીચે માથું ઝુકાવી કૃતજ્ઞતા દર્શાવી. ‘આખલા કુમાર, તમારે કોઇ ગર્લ ફ્રેન્ડ ખરી?’ અમે રસિક સવાલ કર્યો. જાવને સાહેબ. કેવા તોફાની સવાલ પૂછો છો? અમે આખલા છીએ બળદ નહીં. કેટલીય ગૌકુમારી અમારી આગળ પ્રેમનું ઘાસ નીરે છે!

આખલાએ ફૂલગુલાબી શરમાતા છણકો કરીને કહ્યું. તો પછી તમે મેળાના રંગમાં ભંગમાં કેમ પાડ્યો ? અમે અસલી સવાલ પૂછ્યો.

અમે પણ જીવ છીએ. આખું વરસ મજૂરી કરીએ. ભાર વેંઢારીએ. અમને એકાદ દિવસ તહેવાર ઊજવવાનું મન ન થાય? અમારા કદાવર દેહમાં એક નાજુક દિલ ધબકે છે. તમે લોકો ફજેતફાળકામાં આકાશોડ્ડયન કરો તો અમને ફજેતફાળકામાં બેસવાનું મન ન થાય?….સાચું કહું તો ઇવડા ઇ મેળામાં મારા મનની માનેલ ષોડશી વાછડી આવી હતી . અમે ઇલુ ઇલુ કરવા ગયા હતા. એમાં કેવડો હંગામો થયો. અમે છાપે ચડી ગયા આખલાએ મેળામાં જવાનું રહસ્યોદઘાટન કર્યું.

આખલાની વાત સાંભળી રાજુ અમારી વચ્ચેથી સરકી ગયો. શક્ય છે કે રાજુ રદી મેળામાં એના દિલની રાણીને મળવા સરકી ગયો હશે!…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button