બ્રિટિશ બૅટર્સમાં હવે કૂક નહીં, પણ રૂટ નંબર-વન સેન્ચુરિયન

લંડન: ઇંગ્લૅન્ડના જો રૂટે લૉર્ડ્સમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં કરીઅરની 33મી ટેસ્ટ સદી ફટકારીને પોતાના દેશના હાઈએસ્ટ સેન્ચુરિયન ઍલસ્ટર કૂકના વિક્રમની બરાબરી કરી ત્યાર બાદ શનિવારે ત્રીજા દિવસે તેણે બીજા દાવની સેન્ચુરી સાથે કૂકનો 34 સદીનો બ્રિટિશ-રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
રૂટ હવે કૂકથી આગળ થઈ ગયો છે અને 34 ટેસ્ટ સદી ફટકારનાર સુનીલ ગાવસકર, બ્રાયન લારા, માહેલા જયવર્દને અને યુનુસ ખાનની બરાબરીમાં થઈ ગયો છે. હવે ફક્ત પાંચ બૅટર રૂટથી આગળ છે: સચિન (51 સદી), કૅલિસ (45), પૉન્ટિંગ (41), સંગકારા (38) અને દ્રવિડ (36).
રૂટે પ્રથમ દાવમાં 143 રન બનાવ્યા બાદ શનિવારે બીજા દાવમાં 103 રન બનાવીને ઇંગ્લૅન્ડને 251 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો જેને પગલે શ્રીલંકાને 483 રનનો તોતિંગ લક્ષ્યાંક આપી શકાયો હતો.
શ્રીલંકા વતી લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડોએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ તેમ જ મિલન રત્નાયકે અને પ્રભાત જયસૂર્યાએ બે-બે વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ બીજા દાવની પણ ખરાબ કરી હતી અને 43 રનમાં પહેલી બે વિકેટ ગુમાવી દીધી હતી.
ઇંગ્લૅન્ડના પ્રથમ દાવના 427 રનના જવાબમાં શ્રીલંકાએ 196 રન બનાવ્યા હતા.