નવી સમિતિ, જૂના માણસો: શિવાજી મહારાજની નવી પ્રતિમા તૂટી નહીં પડે એની શું ગેરેન્ટી?
સરકારે નિમેલી પ્રતિમા બનાવવા માટેની સમિતિમાં અગાઉની જ કમિટીના જ અધિકારીઓ અને કલાસંચાલકો : રાજ્ય સરકારના પ્રતિમા બનાવવાના કામ અંગેના મૂળભૂત નિયમોમાં સુધારા કરવાની આવશ્યકતા વ્યક્ત કરતા શિલ્પકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને બનેલી કમનસીબ દુર્ઘટના બાદ હવે આ પ્રતિમા તૂટી પડવાના કારણોને લઈને કેટલીક નવી બાબતો સામે આવી રહી છે અને તેમાં સૌથી ગંભીર બાબત એ છે કે જે પ્રતિમાની જવાબદારી જે કલાસંચાલક પર હતી અને જેમણે આ પ્રતિમાને લીલી ઝંડી આપી હતી અને અત્યારે તૂટી પડ્યા બાદ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે તેમને જ નવી મૂર્તિના નિર્માણ માટેની સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હોવાથી આગામી પ્રતિમા સાથે આવી દુર્ઘટના નહીં થાય એવી શું ગેરેન્ટી એવો સવાલ થઈ રહ્યો છે. કેટલાક મૂર્તિકારોનું માનવું છે કે પ્રતિમા સ્થાપન કરવા માટે રાજ્ય સરકારની જે કાર્યપદ્ધતિ છે તેમાં સુધારો કરવાની આવશ્યકતા છે, જેથી પ્રતિમા યોગ્ય રીતે અને મજબૂતી ધરાવતી બને.
આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં
રાજ્ય સરકારની જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના આશુતોષ આપ્ટેએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે રાજ્ય સરકારને શિલ્પકલાનું જ્ઞાન ન હોય અને તેને માટે કલાસંચાલક નિયુક્ત કરવામાં આવતા હોય છે અને જ્યારે પ્રતિમા સ્થાપિત કરવા જેવા મહત્ત્વના કામ હોય ત્યારે તેમની મદદ લેવામાં આવતી હોય છે. આ કિસ્સામાં કલાસંચાલક મિશ્રાએ પ્રતિમા ગેરકાયદે હોવાનું જણાવીને રાજ્ય સરકારની બદનામી કરી નાખી છે, વાસ્તવમાં જવાબદારી છ ફૂટના ક્લે મોડેલનું નિરીક્ષણ કરીને તેને મંજૂરી આપનારાની છે. રાજ્ય સરકાર દ્વારા નવી પ્રતિમા બાંધવા માટે જે સમિતિ ઘડી કાઢવામાં આવી છે જેમાં અગાઉની પ્રતિમાને મંજૂરી આપનારા જે. જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના કલા સંચાલક રાજીવ મિશ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે તૂટી પડેલી પ્રતિમાની ચકાસણીમાં ભૂલ થઈ હતી અને આને માટે કલાસંચાલક તરીકે રાજીવ મિશ્રા અને પ્રતિમાનું નિરીક્ષણ કરનારા જે. જે. સ્કૂલના ડીન સાબળે જવાબદાર છે. આ જ લોકો નવી સમિતિમાં પણ હોય તો પ્રતિમા સારી બનશે એની શું ગેરેન્ટી છે.
આ પણ વાંચો: સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે શિલ્પકારે પણ આપ્યું આ નિવેદન….
જાણીતા મૂર્તિકાર કિશોર ઠાકુરે મુંબઈ સમાચારને એવી માહિતી આપી હતી કે જે સ્થળેથી પ્રતિમા તૂટી પડી છે તેને જોતાં એવું લાગે છે કે મૂર્તિના સૌથી નબળા ભાગમાં જોઈન્ટ આવ્યું હતું. આટલી ભારે મૂર્તિ માટે આ યોગ્ય નહોતું. બની શકે કે ત્યાં જોઈન્ટમાં વેલ્ડિંગ કે બ્રેઝિંગ બરાબર ન થયું હોય અને પહેલેથી જ ત્યાં સમસ્યા રહી હોય જે હવા સાથે ઝઝૂમીને આખરે હમણાં તૂટી પડી હતી.
આ પણ વાંચો: સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે અજિત પવારે લીધી આ પ્રતિજ્ઞા
તેમણે એમ પણ કહ્યું હતું કે હવે જ્યારે 25-35-100 ફૂટની પ્રતિમા રાજ્યમાં બની રહી છે ત્યારે નિયમોમાં સુધારા કરવા આવશ્યક છે. છ ફૂટના મોડેલને આધારે મંજૂરી આપવાની પદ્ધતિમાં સુધારો કરીને પૂર્ણાકાર થર્મોકોલ-ફાઈબરની મૂર્તિ તૈયાર કરવામાં આવે તેનું અને વાસ્તવિક મૂર્તિ બનાવવામાં આવે તેનું પણ નિરીક્ષણ ફરજિયાત કરવું જોઈએ જેથી આગામી દિવસોમાં આવી હોનારત ન થાય
આ પણ વાંચો: Maharashtra:શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનામાં મોટી કાર્યવાહી, આરોપી ચેતન પાટીલની ધરપકડ
અન્ય એક નામવંત મૂર્તિકાર પ્રમોદ કાંબળેએ કહ્યું હતું કે મારો વાંધો આવી પ્રતિમાના નિર્માણ માટેની ટેન્ડર પદ્ધતિ સામે જ છે. આવું કામ આપતી વખતે કલાકારની ક્ષમતા અને આવડતને ધ્યાનમાં લેવી જોઈએ, ફક્ત નાણાંના મુદ્દા પર ધ્યાન આપીને કામ ન આપવું જોઈએ. જે વ્યક્તિને પ્રતિમાનું કામ આપવામાં આવ્યું હતું તેમને કોઈ અનુભવ નહોતો. તેમને કામ આપવામાં ઉતાવળ કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. હવે રાજ્ય સરકારે પ્રતિમા બનાવવા પહેલાં મૂર્તિકારોને બોલાવીને તેમની પાસે માટીનું મોડેલ કેમેરા સામે તૈયાર કરાવવું જોઈએ અને આવડતને આધારે કામ આપવું જોઈએ. વાસ્તવમાં મૂર્તિમાં જે આર્મેચર વાપરવામાં આવે સ્થિરતા માટે તે ત્રણ સે.મી.ની ચેનલ હતી. 10 દિવસ માટે ગણપતિની મૂર્તિ બનાવીએ ત્યારે પણ તેની સ્થિરતા માટે આર્મેચરનું ધ્યાન આપવામાં આવે છે. આટલી ગંભીર ભૂલ પ્રત્યે કેમ આંખ આડા કાન કરવામાં આવ્યા?
થ્રી-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો વાંક?
માલવણમાં તૂટી પડેલી શિવાજીની પ્રતિમા બાંધવા માટે થ્રી-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે બાબતે ધ્યાન દોરતાં પ્રમોદ કાંબળેએ કહ્યું હતું કે આને કારણે મૂર્તિ 650 ટુકડામાં તૈયાર થઈ હતી એવું મેં જાણ્યું છે. આવી સ્થિતિમાં બ્રેઝિંગ યોગ્ય રીતે થવું જોઈતું હતું. અન્ય મૂર્તિકાર કિશોર ઠાકુરે પણ કહ્યું હતું કે થ્રી-ડી ટેકનોલોજીના ફાયદાની સાથે મર્યાદા પણ છે અને તેમાં દોઢ ફૂટથી મોટો ટુકડો તૈયાર થઈ શકતો નથી અને તેને કારણે આ મૂર્તિ અનેક ટુકડામાં હતી અને તેને સ્થિરતા આપવા માટે યોગ્ય બ્રેઝિંગ કરવામાં આવ્યું નહોતું અને તેથી જ આ હોનારત થઈ હોવાની શક્યતા છે.