મુંબઈ: પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને આવેલી શૂટર મનુ ભાકરનું લગભગ દરરોજ બહુમાન થાય છે. હરિયાણાની આ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ ક્યારેક દિલ્હીના સમારોહમાં જોવા મળી તો ક્યારેક ચેન્નઈની જાણીતી હોટેલમાં તેનું બહુમાન કરવામાં આવ્યું. બે દિવસ પહેલાં ક્રિકેટિંગ ગૉડ સચિન તેન્ડુલકર અને તેની પત્ની અંજલિએ મનુ ભાકરને તેના મમ્મી-પપ્પા સાથે બાંદરા (વેસ્ટ)માં પોતાના નિવાસસ્થાને આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેનું સન્માન કર્યું હતું. સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં સ્પોર્ટ્સ ડ્રેસમાં કે કૅઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળતી મનુ ભાકર બે દિવસ પહેલાં આઇવરી સાડીમાં સજ્જ થઈને કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ના સેટ પર ગઈ હતી જ્યાં તેનું બહુમાન કરાયું હતું.
હરિયાણાની મનુ ભાકર છ વારી આઇવરી શેડવાળી સાડીમાં સાવ અલગ જ દેખાતી હતી. મહિના પહેલાં પૅરિસથી નિશાનબાજીની હરીફાઈમાં સફળતાથી ભાગ લઈને પાછી આવેલી મનુ ભાકરે આ નોખા લુકમાં કંઈ કેટલાયને પ્રભાવિત કર્યા હતા.
મનુ ભાકરની જાણીતી બ્રૅન્ડની આ સાડી અંદાજે 58,500 રૂપિયાની કિંમતની હતી. ડેલિકેટ ફ્લોરલ જાલ પૅટર્નની આ સાડી ખાસ મનુ ભાકરની સુંદરતા અને તેની પ્રતિભાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. ફ્રિલ્સ ઍન્ડ ફ્લાઉન્સીસના લેયરવાળી ખાસ ડિઝાઇનની આ સાડી એમ્બ્રોઇડરીવાળી બોર્ડરને કારણે વધુ આકર્ષક બની હતી.
મનુ ભાકર આ સાડી પહેરીને આવી હતી અને હેલ્પરની મદદથી બસમાંથી ઊતરી હતી અને ત્યાર બાદ તેણે બ્રૉન્ઝ મેડલ સાથે પોઝ આપ્યો હતો અને પછી ફરી હેલ્પરની મદદથી સ્ટુડિયોમાં ગઈ હતી. તેણે મૅચિંગ કલર-ડિઝાઇનવાળું તેમ જ ગોલ્ડન ડિટેઇલિંગવાળું સ્લીવલેસ પ્રિન્ટેડ બ્લાઉઝ પહેર્યું હતું.