એનસીપીને જોઇને ઉલટી થાય છેઃ આમ કહેનારા પ્રધાનને મુંબઈ બોલાવાયા
મુંબઈ: મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે હાલમાં જ બે વિવાદાસ્પદ નિવેદનો આપતા તે ચર્ચામાં છે અને આ જ નિવેદનોના કારણે તેમને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ બોલાવ્યા હોવાની માહિતી મળી છે.
સાવંતે ખેડૂતો વિરુદ્ધ કરેલા નિવેદન અને મિત્ર પક્ષ અજિત પવાર જૂથ પર કરેલી ટિપ્પણીને પગલે તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા છે. સાવંતે કરેલા નિવેદનને પગલે અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી રહી છે.
આ પણ વાંચો: Maharashtra Assembly Election: પ્રધાન તાનાજી સાવંતના ભત્રીજા અનિલ સાવંત મળ્યા શરદ પવારને
ઉલ્લેખનીય છે કે સાવંતે ખેડૂતો વિશે આપેલા નિવેદન ઉપરાંત રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાઓની બાજુમાં બેસતા ઉલટી થાય છે તેવું નિવેદન આપ્યું હતું. આવા નિવેદનના પગલે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાઓએ ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી અને આક્રમક વલણ અપનાવ્યું હતું.
સાવંતના નિવેદનના કારણે મહાયુતિમાં ભંગાણ ન પડે એ માટે મુખ્ય પ્રધાન શિંદેએ આ વાતની નોંધ લઇ સાવંતને મળવા માટે મુંબઈ બોલાવ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે.
બીજી બાજુ પોતે આપેલા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાંઆવ્યું હોવાનું કહી સાવંતે પોતાનો બચાવ કર્યો હતો. મીડિયાએ ખોટું ચિત્ર ઊભું કર્યું હોવાનું પણ સાવંતે કહ્યું હતું. પોતે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એકબીજાના ખોળામાં બેસેલા જોઇને ઉલટી થાય છે એવું કહ્યું હોવાનું સાવંતે જણાવ્યું હતું.