અગ્નિકાંડ દુર્ઘટના બાદ રાજકોટ મનપાનાં સાતમાં અધિકારીનું રાજીનામું
રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં અધિકારીઓનાં રાજીનામાંનો દોર ચાલ્યો છે. મનપાના એક પછી એક અધિકારીઓ રાજીનામાં આપી રહ્યા છે. અગ્નિકાંડ બાદ આજદિન સુધીમાં છ અધિકારીઓ રાજીનામાં આઆપી ચૂક્યા છે જ્યારે ગઇકાલે વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યાના અહેવાલ મળી રહ્યા છે. જો કે આગામી સમયમાં હજુ પણ અન્ય અધિકારીઓ રાજીનામું ધરી આપે તેવી વિગતો છે.
હાલ પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર ગઇકાલે સિટી ઇજનેર વાય. કે. ગોસ્વામીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલા પણ સિટી ઇજનેર અલ્પના મિત્રાએ રાજીનામું આપી દીધા બાદ વધુ એક અધિકારીએ રાજીનામું આપતા મનપામાં સોંપો પડી ગયો છે. એક પછી એક અધિકારીઓના રાજીનામાં બાદ હવે મહાનગરપાલિકામાં માત્ર અમુક અધિકારીઓ બચ્યા છે.
આ પણ વાંચો: Rajkot TRP ગેમઝોન કાંડ- બંછાનિધિ પાની માટે એક-બે લોબીની પાછીપાની?
ગઇકાલે જે અધિકારીના રાજીનામાની વિગતો મળી છે તે સિનિયર ઈજનેર વાય. કે. ગૌસ્વામી ઘણા લાંબા સમયથી સિટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. સાથે જ તેમણે મનપાના મહત્વપૂર્ણ પ્રોજેકટોમાં કામ કર્યું છે.
તેમની ફરજના કાર્યકાળ દરમિયાન તેમને એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. જો કે તેમની નિવૃતિને દોઢેક વર્ષથી વધુનો સમય બાકી છે ત્યારે તેમણે રાજીનામું આપી દીધું છે.
રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ અનેક અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે. હાલ છેલ્લા રાજીનામાં સાથે કુલ સાત અધિકારીઓ રાજીનામાં આપીને ફરજ પરથી મુક્ત થયા છે. આ સાત અધિકારીઓમાં સિટી ઈજનેર અલ્પનાબેન મિત્રા એ.એમ.સી. વાસંતીબેન પટેલ, ડે. ઈજનેર રામાવત, આરોગ્ય અધિકારી ચુનારા, ડે. ઈજનેર આર.જી. પટેલ, એ.એમ.સી. જસ્મીન રાઠોડ અને સિટી ઈજનેર વાય. કે. ગૌસ્વામીનો સમાવેશ થાય છે.