આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે 140ની સ્પીડે કાર ચલાવી, એકને ઠોકયો તો પણ કહે છે કે…
એક તરફ તો લોકો સોશિયલ મીડિયા પર બ્રહ્માંડનું જ્ઞાન શેર કરતા હોય છે. જીવન જીવવાની ઊંચી વાતોથી માંડી વિજ્ઞાન, ધર્મની વાતો થતી હોય છે, પરંતુ સામાન્ય એવી માણસાઈ અને નીતિનિયમોનું પાલન કરવાનું આવે ત્યારે લોકો અણધડ જેવો વ્યવહાર કરતા હોય છે.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર રજત દલાલ કાર ચલાવી રહ્યો છે. આગ્રા-દિલ્હી નેશનલ હાઈ વેનો છે, જેના પર આ મહાશય 140ની ઝડપે કાર ચલાવી રહ્યો છે. એક શૉ રૂમની કારની તે ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યો છે. તેની સાથે એક યુવતી બેઠી છે, જે શૉ રૂમની કર્મચારી હોવાનું માનવામાં આવે છે. યુવતી તેને વારંવાર સ્પીડ ઓછી કરવા ને સંભાળીને ડ્રાઈવ કરવા કહે છે, પણ રજત કંઈ જ સાંભળવાની તૈયારીમાં નથી.
એટલું જ નહીં રજતની કારની અડફેટે એક બાઈકર પડી જાય છે, પણ તેને કોઈ દરકાર નથી અને આ તો રોજનું છે તેમ તે કાર આગળ ડ્રાઈવ કરે છે.
આ પણ વાંચો:વડોદરાવાસીઓને મગરોનો ડર નથી, સોશિયલ મીડિયા પર મગરોના રમુજી મીમ્સ વાયરલ…
તેનો આ વીડિયો વાયરલ થતા જ લોકો તેના પર વરસી પડ્યા છે. નેટીઝન્સ તેની સામે કડક કાર્યવાહીની માગણી પણ કરી રહ્યા છે. પોલીસ તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ઈચ્છે તો યુવાનોને સેફ ડ્રાઈવિંગના પાઠ ભણાવી શકે, તેમના માનસ પર સારી છાપ છોડી શકે, પરંતુ આ રીતે બેફામ ડ્રાઈવિંગ કરી, સાવ જ બેદરકાર વલણ દર્શાવનાર કોઈને ઈન્ફ્લુઅન્સ કરે તે જોખમી છે.