ઉત્સવ

ઓડકાર

ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ

“ઇનફ ઇઝ ઇનફ! વોટ નોન સેન્સ! વોટ ઇઝ ગોઇંગ? આર યુ ચીફ સેક્રેટરી ઓર માય મિનિસ્ટર. હું સૂચના આપું તે ઝાંપા સુધી છે? મેં કેટલી વાર ઓર્ડર કર્યો કે ડોન્ટ શો ધીસ બ્લડી હેલ ફાઇલ.

રવિ તને આ ફાઈલ મને દેખાડવાની મનાઇ કરી છે. વ્હાય આર યુ ઇરેટિટિંગ મી. ઇટસ ડિસ્ગસ્ટિંગ! દોશી સાહેબ બરાબર બગડ્યા. તેમની બોડી લેંગવેજમાં પણ નારાજગી પ્રતિબિંબિત થતી હતી.

તેમણે અકળામણમાં ચેમ્બરમાં બમણી સ્પીડથી આંટા મારવા લાગ્યા.પાંચ મિનિટ ચેમ્બરમાં આંટા મારે. દોશી સાહેબ થાકે એટલે ખુરશીમાં બેસે. ટેબલ પર કોણી ટેકવી બે હાથથી માથું પકડે.

ગુસ્સાથી મગજની નસો ફાટફાટ થતી હોય! પછી ટેબલ પર પડેલ કાગળો ફાઇલ હાથેથી ફંગોળે.

સાંજના સવા સાત વાગ્યા હતા. કચેરી બંધ કરવાનો સમય હતો. રવિભાઇ સીધી ભરતીના સેકશન અધિકારી. મહેસૂસ સચિવના કાર્યાલયમાં ફાઇલ સેકશનમાં કામ કરે. ફાઈલો વાંચી તેનું જીસ્ટ ટાઇપ કરાવી દોશી સાહેબને આપે. સાહેબ એક પછી એક ફાઇલ જુએ. પછી ફાઇલ પર ઝડપભેર સહી કરે. સહી કરેલ ફાઇલ ફરસ પર રાખેલ લાકડાના લંબચોરસ ખાનામાં ફેંકે! એક મંજૂર કરેલી ફાઇલ જોતાં જ રવિ ચમક્યો માનો કે મનોમન ભડક્યો. તેણે નિરાશાથી કપાળ કૂટ્યું. તેણે ગડમથલ કરી નિર્ણય કર્યો. રવિએ શેકસપિયરના નાટક ટુ બી ઓર નોટ ટુ બીની અવઢવ અનુભવી. અંતે પડશે દેવાશે એમ નક્કી કર્યું.

રવિ ફાઈલો લઈને મહેસૂલ સચિવ દોશી સાહેબની ચેમ્બરમાં ઘૂસી ગયો. મંજૂર થયેલી ફાઇલ દોશી સામે ધરીને બોલ્યો, “સર. આજે તમે આ ફાઇલ ક્લિયર કરી એ સારું કર્યું. નહીંતર મહેસૂલ તપાસણી કમિશનર દ્રવિડ સાહેબના તો બારે વહાણ ડૂબી જાત. બિચારા દ્રવિડ સાહેબે પંદર વરસ પહેલાં મોટર પેશગી લીધેલ. દ્રવિડ સાહેબનો પીએ ઝાલા હરામી. સાહેબને પેશગીના હપ્તા ભરવા યાદ જ ન કરાવ્યું ને સાહેબ પર દંડનીય વ્યાજ ચડી ગયું. જો આપણે દંડનીય વ્યાજ માફ ન કર્યું હોત તો સાહેબ બિચારા રોડ પર આવી જાત
“રવિ એ કેસ તો ક્રિસ્ટલ ક્લિયર કેસ હતો. આ કેસ ના મંજૂર કરવા માટે કોઇ ગ્રાઉન્ડ જ ન હતા. ઇવન બ્રાંચ અને એડિશનલ સેક્રેટરીએ નાની ક્ષતિ માફ કરવા લાયક છે એવા રિમાર્કસ સહ મંજૂર કરવા ક્લિયર ઓપિનિયન આપેલો. આફટર ઓલ દ્રવિડ આઇએસ છે, કેડર બ્રધર છે. મારાથી જુનિયર છે. હું રિટાયર થઉં પછી તે ચીફ સેક્રેટરી બને તો મને કામ લાગે. મારી પાસે ફાઇલ મંજૂર કરવા સિવાય કોઇ ઓપ્શન ન હતો. દોશી સાહેબે સ્પષ્ટતા કરી.

“સાહેબ રાઠોડનો કેસ ન જોયો તે બહુ જ સારું કર્યું! એ સાલ્લો પટાવાળો. એ કંઇ કેડર ઓફિસર થોડો છે. એનું પેન્શન મંજૂર થયું નહીં. એની બૈરીને રહેમરાહે નોકરી ન મળી કે ફેમિલી પેન્શન ન મળ્યું. તેના છોકરા રખડી ખાય છે. પૈસા વિના કેવી રીતે ભણે? ભલે રખડી ખાય. સાલ્લા એ જ લાગના છે. તેની બૈરી પારકા ઘરના કચરા -પોતા કરી પેટિયું રળે છે. માણસોની ઝૂંપડપટ્ટીમાં રહે છે.

સાલ્લા એ જ લાગના છે. દયા ડાકણને ખાઇ જાય છે.

રાઠોડનો પરવાર રેંગતા કીડીમંકોડાની જેમ ચગદાઇ જાય તે જ બેસ્ટ ઓપ્શન ગણાય. વેલ ડન સર કીપ ઇંટ!તમારો ન્યાય જહાંગીરની કમ નથી. આઇ સેલ્યુટ ટુ યુ! રવિ એકીશ્ર્વાસે આક્રોશપૂર્વક બોલી ગયો. રવિએ સાહેબના મર્મ પર તીર છોડયું. સાહેબ માછલીની જેમ છટપટાવા લાગ્યા.

‘વેઈટ યંગ મેન. બી કુલ. બી પેશન્સ. રાઠોડનો કેસ શું છે?’ દોશી સાહેબે પૂછયું.

રવિએ દોશીને એકડે એકથી વિગતવાર રાઠોડનો કેસ સમજાવ્યો. રાઠોડે મકાન બાંધવા પેશગીનો રૂપિયા સિત્તેર હજારનો પહેલો હપ્તો મહેસૂલ વિભાગમાંથી લીધો. પેશગીના હપ્તા કપાવ્યા નહીં કે રોકડ શાખાએ કાપ્યા નહીં. મહેસૂલમાંથી બદલી થઇ. લાસ્ટ પગાર સર્ટિફિકેટમાં પણ દેખાડ્યા નહીં. પછી બે ત્રણ વિભાગમાં બદલી થઇ. પંચાયતમાં ચાલુ નોકરીએ અવસાન પામ્યો. નાણાં વિભાગે પેશગીની કપાત ન થવાના કારણે કોઇ લાભ મંજૂર ન કર્યો . ફાઇલ તે દિવસથી ઝૂલાની જેમ એકથી બીજા વિભાગમાં પંદર વરસથી ઝૂલે છે. ફાઈલ આંબાની ડાળ સરોવર પાળ, ફાઇલ ભૂખી નથી, તરસી નથી. કાગળિયાંના રોટલા આરોગે છે…
“ઓહ નો. વોટ અ ઇનજસ્ટિસ ટુ પુઅર હેલ્પલેસ મેન એન્ડ હીઝ ફેમિલી. ઓહ ગોડ ફરગિવ મી ફોર ધીસ સીન. આટલું કહીને દોશી સાહેબે બે હાથે મસ્તિક પકડી લીધું. ઝૂલણ ખુરશીમાં બેસી આંખ બંધ કરીને બેસી ગયા. આંખમાંથી પશ્ર્ચાત્તાપના અશ્રુઓ નીકળવા માંડ્યા!

‘રવિ વ્હાય યુ હેવન્ટ બ્રિંગ ટુ માય નોટિસ? વ્હાય?’ ગળગળા સૂરે પૂછયું.

‘સર આઇ હેવ ટ્રાઇડ સિકસ ટાઇમ ટુ બ્રિંગ યોર નોટિસ ટુ બટ અનફોરચ્યુનેટલી યુ હેવન્ટ લિસન માય સબમિસન સર,’ રવિએ સ્પષ્ટતા કરી.

દોશી સાહેબે માથું હલાવી કંઇક નિર્ધાર કર્યો. આંખમાં ચમક અને નિર્ણાયકતા દેખાઈ. રવિ આવી ઘણી ઘટનાનો ચશ્મેદીદ ગવાહ હતો. ડેપ્યુટી કલેકટર કે મામલતદારોની બદલીમાં દોશી સાહેબ મંત્રીની ભલામણ અવગણીને રાજ્યના હિતમાં કેવળ અને કેવળ ગુણદોષના માપદંડને અનુસરીને નિર્ણય કરતા. જમીન ફાળવણીની દરખાસ્તો મહેસૂલ મંત્રીએ મંજૂર કર્યા બાદ નામંજૂરી માટે સીએમને સબમીટ કરતા. દોશી ક્રિશ્ર્ચિન હોવાના કારણે હોમ સેક્રેટરી કે મુખ્ય સચિવ બની શકેલા નહીં!!!

દોશી સાહેબ ઇન્ટરકોમ પર થોમસને ડિકટેશન લેવા પેડ સાથે આવવા ચેમ્બરમાં આવવા કહ્યું. રવિની હાજરીમાં મેરેથોન ડિકટેશન આપ્યું. અત્યારે ટાઇપ કોપી લાવવા થોમસને સૂચના આપી. રાતના સાડા દસે થોમસે દિલદગડાઇ કર્યા સિવાય સફાઈદાર ટાઇપ કરી પ્રિન્ટઆઉટ દોશી સાહેબને આપ્યું!

દોશી સાહેબે ભીના લોચનિયે સાડા ત્રણ પાનાનું ડિકટેશન આપ્યું. કયાં કોની ભૂલ થઇ, વિભાગોની લાલિયાવાડી, લાલ ફીતીશાહી, રાઠોડના પરિવારની અસહનીય દયનીય પરિસ્થિતિ, સમગ્ર તંત્ર પરિસ્થિતિ માટે જવાબદાર છે તેમ સૂચવીને તે ટાઇપ થયું પછી તેના પર સહી કરી રાઠોડના કુટુંબને એરિયર્સ સહિત લાભ ચુકવવા ભલામણ કરી. આ ફાઇલ કાલે નાણાં સચિવ પાસે રૂબરૂ જઇ ફાઇલ ક્લિયર કરાવવા રવિને સૂચના આપી.

કહેવાની જરૂર છે કે રાઠોડના કુટુંબને લોટરી લાગી. માનો કે કિસ્મતે છપ્પર ફાડી બમ્પર ખુશીઓ આપી. રવિને તેની તૃપ્તિનો ઓડકાર આવ્યો! (સત્ય ઘટના પર આધારિત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button