હજુ ખતરો ટળ્યો નથી! હવામાન વિભાગે ગુજરાત માટે કરી મોટી આગાહી
![The danger is not over yet! The weather department has made a big forecast for Gujarat](/wp-content/uploads/2024/08/The-danger-is-not-over-yet-The-weather-department.webp)
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ (Heavy rain in Gujarat) હાલ વિરામ લીધો છે, હાલ ગુજરાતભરમાં તડકો નીકળતા લોકોને રહાત થઇ છે. જો તમને એવું લાગતું હોય કે આ ચોમાસાની આ છેલ્લી વરસાદી સિસ્ટમ હતી, તો તમે ભૂલ કરી રહ્યા છો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ રચાઈ છે, લો-પ્રેશર એરિયા ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. આ સિસ્ટમ 1 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનને અસર કરે તેવી શક્યતા છે, ત્યાર બાદ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કે રવિવારે 1લી સપ્ટેમ્બરના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ, સોમવારે વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ, મંગળવારે આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, ભાવનગર અને નર્મદામાં ભારે વરસાદ અને બુધવારે નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદમાં શુક્રવારે મોટાભાગે તડકો ખીલેલો રહ્યો હતો, મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, આજે હળવા વરસાદની શક્યતા છે.
ગુજરાત પર જામેલું ડીપ ડિપ્રેશન કચ્છ કિનારે વાવાઝોડામાં રૂપાંતરિત થયું હતું, જે 6 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને અસના નામ આવામાં આવ્યું છે, ગુજરાત પરથી અસનાનો ખતરો ટાળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે અસના કચ્છના નલિયાથી 100 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને કરાચી, પાકિસ્તાનથી 170 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતું. IMD ના જણાવ્યા મુજબ કે રવિવાર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.