મનોરંજન

તો શું ફિલ્મ Emergency રિલીઝ નહીં થાય?

જ્યારથી હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ Emergencyનું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી રહી છે. X પર શેર કરેલા એક વીડિયોમાં કંગનાએ દાવો કર્યો છે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તેની અભિનીત અને દિગ્દર્શિત ફિલ્મ ઈમરજન્સી (ઈન્દિરા ગાંધીની બાયોપિક)ની રિલીઝને અટકાવી રહ્યું છે.

તેને અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના સભ્યોને ધમકીઓ મળી રહી છે. જેના કારણે સેન્સર બૉર્ડ નિર્માતાઓને સર્ટિફિકેટ આપતા અચકાઇ રહ્યું છે. આ ઉપરાંત તેના પર શીખ સુરક્ષા અધિકારીઓ દ્વારા પૂર્વ વડાપ્રધાનની કરવામાં આવેલી હત્યા ન બતાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

તેને સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે કે કેમ તે પ્રશ્ન ગંભીર બની ગયો છે, કારણ કે કંગનાએ પોતે કહ્યું છે કે તેની ફિલ્મને સેન્સર તરફથી હજી સુધી સર્ટિફિકેટ મળ્યું નથી. લગભગ એક મિનિટનો વીડિયો શેર કરતા તેણે કહ્યું હતું કે તેની Emergency ફિલ્મ બાબતે કે ઘણી અફવાઓ ઉડી રહી છે કે મારી ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી ગયું છે.

કંગનાએ એમ પણ જણાવ્યું હતું કે તેની ફિલ્મ ક્લિયર થઇ ગઇ હતી, પરંતુ તેનું સર્ટિફિકેશન અટકી ગયું છે. સેન્સર બૉર્ડના લોકોને પણ ધમકી આપવામાં આવી રહી છે. અમને ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું મૃત્યુ, પંજાબના રમખાણો, જરનૈલ સિંહ ભિંદરણવાલેને નહીં બતાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે, તો પછી ફિલ્મમાં શું બતાવવાનું ! મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ બધુ દેશના એક રાજ્યમાં થઇ રહ્યું છે.

નોંધનીય છે કે શિરોમણી અકાલી દળે CBFCને કંગના રનૌતની ફિલ્મની રિલીઝ રોકવાની માંગ સાથે કાનૂની નોટિસ મોકલી છે. તેમણે જણાવ્યું છે કે આ ફિલ્મ કોમી તણાવને ઉશ્કેરે છે. આ ફિલ્મમાં શીખ સમુદાયને નકારાત્મક અને અન્યાયી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સહિત અનેક સંગઠનોએ પણ ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે અને દાવો કર્યો છે કે આ ફિલ્મ શીખ વિરોધી લાગણી ફેલાવે છે અને શીખોને ખોટી રીતે રજૂ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button