અમદાવાદઆપણું ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, છેલ્લા 24 કલાકમાં માત્ર આ એક તાલુકામાં જ એક ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા અનરાધાર વરસાદની ગતિ હવે ધીમી પડી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં માત્ર મુન્દ્રા તાલુકામાં જ એક ઈંચ વરસાદ નોંધાયો હતોમ, જ્યારે અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આજે શનિવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજ્યના એકપણ તાલુકામાં વરસાદ વરસ્યો નથી.

આઠ તાલુકામાં અડધો ઈંચ વરસાદ:
આ ઉપરાંત રાજ્યના આઠ તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર-સોમનાથના પાટણ-વેરાવળ, કચ્છના અંજાર, બનાસકાંઠાના બાબરમાં 18 મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દેવભુમિ-દ્વારકામા 16 મિમી, બનાસકાંઠાની દાંતીવાડામાં 15 મિમી, કચ્છના નખત્રાણા અને માંડવીમાં 14 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય 59 તાલુકામાં પાંચ મિમીથી એક મિમી વરસાદ નોંધાયો હતો.

સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ:
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 179 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 125 ટકા, દક્ષિણ ગુજરાતમાં 111 ટકા પૂર્વ અને મધ્ય ગુજરાત ઝોનમાં 105 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 88 ટકા વરસાદ વરસ્યો છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના મુન્દ્રામાં 1 ઈંચ નોંધાયો છે.

આજે હવામાન વિભાગની આગાહી:
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પરથી પસાર થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેમાં આજે છોટાઉદેપુર, પંચમહાલ,દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે. જેમાં ખાસ કરીને ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button