ટોપ ન્યૂઝનેશનલ

Kolkata Rape-Murder Case: મમતા બેનર્જીના પત્રનો કેન્દ્ર સરકારે આપ્યો વળતો જવાબ, TMCનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસ (Kolkata rape and Murder case)માં રાજકારણીઓ એક બીજા પક્ષ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (CM Mamata Banerjee) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે પત્રો લખી ચુક્યા છે. શુક્રવારે લખેલા પત્રમાં તેમણે બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધો પર કડક કેન્દ્રીય કાયદો અને સજા માંગ કરી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના બંધના એલાન બાદ, ટીએમસીએ પણ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. ટીએમસીએ આજે સમગ્ર પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે, જેમાં કેન્દ્ર સરકાર સમક્ષ મહિલા ડૉક્ટરના બળાત્કારના કેસમાં ઝડપી ન્યાય આપવા અને બળાત્કારના કેસમાં મૃત્યુદંડની સજા માટે કાયદો પસાર કરવાની માંગ કરવામાં આવશે.

મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે દેશમાં બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવે. તેમણે પત્રમાં લખ્યું કે તેઓ વિધાનસભામાં એવો કાયદો લાવશે કે રેપ કેસમાં પીડિતને 10 દિવસમાં ન્યાય મળે અને જો રાજભવનમાંથી બિલ પસાર નહીં થાય તો પ્રદર્શન કરવામાં આવશે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવીએ મમતા બેનર્જીને જવાબ આપતા લખ્યું કે, “પશ્ચિમ બંગાળમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSC) અને સ્પેશિયલ પોક્સો કોર્ટની સ્થિતિ અંગે તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતીના સંદર્ભમાં, હું ઉલ્લેખ કરવા માંગુ છું કે કલકત્તા હાઈ કોર્ટથી પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ બંગાળે 88 ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC) ની સ્થાપના કરી છે, જે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ જેવી નથી…”

અન્નપૂર્ણા દેવીએ જવાબ આપતા લખ્યું કે, “…પશ્ચિમ બંગાળમાં 48,600 બળાત્કાર અને POCSO કેસ પેન્ડિંગ હોવા છતાં, રાજ્યએ વધારાના 11 FTSCs કાર્યરત કરી નથી. જેમ જોઈ શકાય છે, આ સંબંધમાં તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતી હકીકતમાં ખોટી છે અને રાજ્ય દ્વારા FTSC ને કાર્યરત કરવામાં વિલંબને છુપાવવાનો પ્રયાસ કરતો હોવાનું જણાય છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button