આપણું ગુજરાત

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ખાડારાજ, બમણો ખર્ચ કરવા છતા પ્રી મોન્સૂનમાં નિષ્ફળ, તંત્ર સામે સવાલ

અમદાવાદઃ શહેરમાં વરસાદ બાદ રોડની હાલત અત્યંત દયનીય બની છે, ખાડા પુરાયા હતા તે પણ વરસાદમાં ધોવાઈ ગયા છે. ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના રોડ પર 19626 ખાડા પડી ચુક્યા છે. બીજીતરફ અમદાવાદ શહેરમાં છેલ્લા 72 કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે. ત્યારે અમદાવાદ મનપાનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત ખાડામા બેસી ગયો છે.

સૌથી વધુ 5297 ઘટના ઈસ્ટ ઝોનમાં:
અમદાવાદ મનપા પાસેથી મળતી માહિતી મુજબ ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ 5297 ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી છે. જ્યારે રોડમાં ખાડા પડવાની સૌથી વઘુ 4388 ઘટના સાઉથ ઝોનમા બની છે. આ ઉપરાંત નોર્થ વેસ્ટ ઝોન 3150 સાથે ત્રીજા નંબરે અને નોર્થ ઝોન 2228 સાથે ચોથા સ્થાને છે. આ 19626 પૈકી 19228 રોડ રીપેર પણ કરવામા આવ્યા હોવાનો દાવો અમદાવાદ મનપા દ્વારા કરાયો છે જ્યારે 398 રોડમાં હજુ કામગીરી બાકી જ છે. 19228 રોડ પૈકી 12218નું વેટમિક્સથી, 5999નું કોલ્ડમિક્સથી, 515નું જેટપેચરથી, 365નું હોટમિક્સથી જ્યારે 131નું ઈન્ફ્રારેડ ટેક્‌નોલોજીને સમારકામ કરવામાં આવ્યુ છે.

પ્રી મોન્સૂન પ્લાન પાછળ બમણો ખર્ચ કરવા છતાં નિષ્ફળ:
અમદાવાદના રોડના સમારકામ માટે 308 શ્રમિકો, 36 ટ્રેક્ટર, 110 છોટા હાથીની મદદ લેવામાં આવેલી છે. આમ, અમદાવાદ મનપા દ્વારા પહેલા પ્રી મોન્સૂન પ્લાન પાછળ અને તે નિષ્ફળ ગયા બાદ તેનાથી બમણો ખર્ચ ચોમાસા દરમિયાન જ કરવામાં આવે છે. તેમ છતાં પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ જાય છે.

મોન્સૂન પ્લાન ફરી એક વખત ખાડામા બેસી ગયો:
જાણકારોના મત મુજબ હાલ અમદાવાદમાં દરેક ઝોનમા ખાડા પડ્યા છે. અમદાવાદ એરપોર્ટ સુધી જવાના રસ્તે પણ મસમોટા ખાડા છે. જેના કારણે બહારથી અમદાવાદ આવતી વ્યક્તિ શહેરના ‘વિકાસ’ અંગેની શુ છાપ લઇને જશે. આ ઉપરાંત શોલા, સાઉથ બોપલ, ગોતા, સેટેલાઇટ, પાલડી, મણિનગરમાં પણ ઠેકઠેકાણે ખાડા પડવાથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ચૂક્યા છે.

ખાડાને કારણે કમરદર્દ ધરાવતા દર્દીઓની સમસ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટ અને શિવરંજની ચાર રસ્તા પાસે રોડ જાણે બેસી ગયો છે, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા છે. ત્યારે કહી શકાય છે કે અમદાવાદ મનપાનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત ખાડામા બેસી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button