આમચી મુંબઈમહારાષ્ટ્ર

સગીરે વિરુદ્ધ દિશામાં એસયુવી ચલાવી બાઈકસવારને કચડ્યો

ગોરેગામમાં બનેલી ઘટનામાં એસયુવીના માલિક અને પુત્રની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
17 વર્ષના સગીરે એસયુવી બેફામ હંકારી બાઈકસવારને કચડ્યો હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. બાઈકને અડફેટે લીધા પછી એસયુવી વીજળીના થાંભલા સાથે ભટકાઈ હતી. ઘટના સમયે એસયુવીમાં હાજર વાહનના માલિક અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી.

વનરાઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ આર રોડ પર બની હતી. અકસ્માતમાં બાઈકસવાર નવીન વૈષ્ણવ (24)નું મૃત્યુ થયું હતું. મલાડમાં રહેતો નવીન દૂધની ડિલિવરી માટે જઈ રહ્યો હતો.

સગીર છોકરાને વાહન ચલાવવા આપી બેદરકારી દાખવવા બદલ વનરાઈ પોલીસે એસયુવીના માલિક ઈકબાલ જીવાની (48) અને તેના પુત્ર મોહમ્મદ ઈકબાલ (21)ની ધરપકડ કરી હતી. સગીર આરોપી મોહમ્મદ ઈકબાલનો મિત્ર હોવાથી તેને વાહન ચલાવવા આપ્યું હતું, એવું પોલીસ તપાસમાં જણાયું હતું.

આ પણ વાંચો: એસયુવીથી પિતાની કારને ટક્કર મારનારા પુત્રએ લાઇસન્સ ગુમાવવું પડશે

પોલીસ ફરિયાદ અનુસાર મલાડમાં રહેતો નવીન દૂધની ડિલિવરી માટે જઈ રહ્યો હતો ત્યારે અંધેરી તરફ જઈ રહેલી એસયુવીએ તેની બાઈકને ટક્કર મારી હતી. ગંભીર હાલતમાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા નવીનને તબીબે મૃત જાહેર કર્યો હતો. રપાટ વેગે દોડતી એસયુવી વિરુદ્ધ દિશામાં આવી હોવાથી અકસ્માત થયો હોવાનું પોલીસનું કહેવું છે.

બાઈકને અડફેટે લીધા પછી એસયુવી નજીકના વીજળીના થાંભલા સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે એસયુવીને પણ ખાસ્સું નુકસાન થયું હતું. આ પ્રકરણે નવીનના કાકાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. એસયુવી ચલાવનારો સગીર જોગેશ્ર્વરીનો રહેવાસી છે. પોલીસે તેને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button