વીક એન્ડ

વેર-વિખેર – પ્રકરણ-૫૧

જે વ્યક્તિ મને ભરપૂર ચાહતી હોય એને હું વફાદાર રહી જ નથી શકતો… પછી એ પૂજા હોય કે શ્યામલી…!

કિરણ રાયવડેરા

‘નેવર માઈન્ડ શ્યામલી, હું તને પછી ફોન કરીશ. ખાસ કંઈ અર્જન્ટ નથી.’

એટલું કહીને વિક્રમે ફોન મૂકી તો દીધો, પણ હજી એના દિમાગમાં એક વિચાર ઘુમરાયા કરતો હતો. શ્યામલીના ઘરે કોણ હતું? ખરેખર ત્યાં કોઈ વ્યક્તિ હાજર હતી કે પછી એનો ખુદનો શંકાશીલ સ્વભાવને લીધે એવું એને લાગ્યું ? વિક્રમ વિચારતો રહ્યો .. ભવિષ્યમાં પૂજાને એના અને શ્યામલીના સંબંધ વિશે ખબર ન પડી જાય એ માટે એણે શ્યામલી સાથેના પ્રેમપ્રકરણ પર કામચલાઉ પડદો પાડી દેવાનું નક્કી કર્યું હતું. શ્યામલીને ફોનમાં જણાવી દઉં એ વિચારથી એણે શ્યામલીને ફોન જોડ્યો હતો.

સામે છેડેથી રિસિવર ઊંચકાયું હતું, પણ થોડી ક્ષણના મૌન બાદ શ્યામલી લાઈન પર આવી હતી.

વિક્રમને અચાનક લાગ્યું હતું કે એમના બે સિવાય ત્રીજી વ્યક્તિ પણ એમની વાતચીત સાંભળતી હતી. એટલે જ વિક્રમે શ્યામલીને કંઈ પણ કહેવાનો વિચાર માંડી વાળ્યો તો. ‘કંઈ અર્જન્ટ નથી’ કહીને ફોન તો મૂકી દીધો પણ મન માનતું નહોતું.

વિક્રમે ગાડી ઘુમાવી અને પાર્ક સર્કસના રસ્તે વાળી. હવે જ્યાં સુધી આ વાતનો ખુલાસો નહીં થાય ત્યાં સુધી એને ચેન નહીં પડે એ વિક્રમ જાણતો હતો એટલે જ ઑફિસ જવાને બદલે એણે ગાડી શ્યામલીના મકાન તરફ લીધી.

ફોનમાં પણ શ્યામલી બોલી હતી, ‘કેમ વિક્રમબાબુ, આવતા અઠવાડિયાનું કહી ગયા હતા. અને બે કલાકમાં મારી યાદ આવી ગઈ?’ કદાચ શ્યામલી એને જોઈને ફરી આ જ શબ્દો દોહરાવશે, પણ એના મનને શાંતિ તો થઈ જશે. જોકે, ખરેખર એની શંકાનું સમાધાન થશે ખરું? જો કોઈ ત્રાહિત વ્યક્તિ શ્યામલીના ફ્લેટમાં મોજૂદ હોય તો એ અત્યાર સુધી ત્યાં હોય ખરી?

શ્યામલી એને ડબલ ક્રોસ તો નથી કરતીને પણ શ્યામલીને નાટક કરવાની શી જરૂર? એને ખબર હતી કે વિક્રમ એને આર્થિક રીતે મદદ કરવા તૈયાર હતો. વિક્રમને લાગ્યું કે એ અઢાર વરસના કિશોર જેવું વર્તન કરતો હતો. એને ગાડીને પાછી ફેરવી લેવાની ઈચ્છા થઈ, પણ શ્યામલીના ઘરે નહીં જાય અને ગાડીને- ઑફિસ તરફ લઈ લેશે તો ફરી એની શંકા બળવત્તર થયા કરશે.માટે આજે ઈચ્છા થઈ છે તો મળી જ આવું… એણે વિચાર્યું.

શ્યામલીના મકાનથી થોડે દૂર ગાડી પાર્ક કરીને એ શ્યામલીના મકાન સુધી ચાલતો આવ્યો. લિફ્ટથી ઉપર જઈને એ શ્યામલીના ફ્લેટની બહાર આવીને ઊભો રહ્યો.

કહે છે કે પ્રણયમાં શંકાને સ્થાન ન હોવું જોઈએ, પણ શંકા વિના પ્રેમ સંભવે ખરો?… આપણે જેને ચાહતા હોઈએ, સંપૂર્ણપણે એને સમર્પિત થયા હોઈએ ત્યારે સામેવાળી વ્યક્તિના પ્રેમની શુદ્ધતા અંગે શંકા થાય તો… વિક્રમ વિચારતો હતો. પછી આ બધા વિચારોને હડસેલો મારીને એણે કોલબેલ દબાવી.

પ્રેમની શુદ્ધતા… વફાદારી જેવા શબ્દો લગ્નેત્તર સંબંધોમાં વપરાય ખરા ? એ પોતે પૂજાના વિશ્વાસનો દ્રોહ નહોતો કરતો?

દરવાજો ખૂલતાં વાર લાગી કે આ એની શંકા હતી કે.

ત્યાં જ બારણું ખૂલ્યું. સામે શ્યામલી ઊભી હતી, એની મોટી આંખોમાં ભારોભાર નિર્દોષતા હતી અન હોઠ પર આવકારનું સ્મિત હતું.

અ રે રે રે… મેં આવી નિદોર્ષ બાઈ પર શક કર્યો, વિક્રમને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો.
‘મને ખબર હતી, વિક્રમબાબુ, તમે આવશો જ. તમે નહીં રહી શકો મારા વિના!’ શ્યામલી એનો હાથ પકડીને અંદર લઈ ગઈ. વિક્રમ ક્ષોભાપૂર્વક ઘસડાતો ગયો.

બે કલાક પહેલાં આ ઘરમંથી એ ગયો એ જ અવસ્થામાં ઘર હતું.

‘શ્યામલી, હકીકતમાં મેં તને એક વાત કરવા ફોન કર્યો હતો.’ વિક્રમે આજુબાજુ નજર દોડાવતાં વાત શરુ કરી.

‘હા, તમારે મને કંઈ કહેવું હતું એટલે ફોન કર્યો. ફોનમાં થોડા સમય માટે કોઈ બોલ્યું નહીં કે તમને શક પડ્યો કે અહીં મારી સાથે કોઈ માણસ છે. રાઈટ, વિક્રમબાબુ?’ શ્યામલીએ વિક્રમની હડપચી પકડીને એનો ચહેરો ઊંચો કર્યો.

વિક્રમ ચૂપ રહ્યો પણ ફરી નીચે જોવા લાગ્યો.

‘વિક્રમબાબુ, તમે એક વાત સમજવાની કોશિશ કરો… હું એકલી બાઈ છું. વિધવા છું.
ચિત્રવિચિત્ર ફોન આવ્યા કરે. રોજના ૫-૭ બ્લેન્ક ફોન આવે, જ્યાં સુધી હું ચકાસી ન લઉં કે સામે કોણ છે ત્યાં સુધી હું વાતચીત શરૂ કેમ કરી શકું? શ્યામલીએ નિર્દોષભાવે કહ્યું.

‘આઈ એમ સોરી, શ્યામલી… આઈ મીન…’ વિક્રમ થોથવાયો પણ શ્યામલીએ એને અટકાવ્યો.

‘ના, તમારે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. હું તમને ઓળખું છું. તમારી જગ્યાએ હું હોત તો હું પણ અહીં સુધી દોડી આવત.’ કહીને શ્યામલી ખડખડાટ હસી પડી.

‘હવે બોલો, ઘરની તલાશી લેવી છે?’ શ્યામલી વિક્રમનો હાથ પકડીને શ્યામલી અંદરની રુમ તરફ આગળ વધી

‘પ્લીઝ શ્યામલી, મારે તલાશી લેવાની કોઈ જરૂર નથી તારા પર વિશ્વાસ છે…’

આ મારો જ વાંક છે, જે વ્યક્તિ મને ભરપૂર ચાહતી હોય એને હું વફાદાર રહી જ નથી શકતો… પછી એ પૂજા હોય કે શ્યામલી…

‘શ્યામલી, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, હું મારી જાત પર ક્નટ્રોલ ન કરી શક્યો…’ દરવાજા તરફ જતાં વિક્રમ બોલતો હતો.

‘વિક્રમબાબુ, જે માણસ અનહદ ચાહતો હોય એનામાં માલિકીભાવ પણ હોય, થોડીઘણી ઈર્ષ્યા ન હોય તો એને પ્રેમ થોડો કહેવાય!’

શ્યામલીનો હાથ દબાવ્યો પછી ‘બાય’ કહીને વિક્રેમ ત્યાંથી નિલળી ગયો.

શ્યામલીએ બારણું બંધ કર્યું ત્યારે વિક્રમના મનમાં અચાનક એક પ્રશ્ન નાગની જેમ ફૂંફાડા મારતો ખડો થઈ ગયો. જો ત્યારે શ્યામલીએ જ ફોન ઊંચક્યો હોય તો દૂરથી વાસણનો અવાજ અવ્યો કેવી રીતે ?


‘કુમાર, બહાર આવી જા પેલો ગયો .’

અંદરની રૂમના બાથરૂમમાં સંતાયેલો કુમાર બહાર આવ્યો.

‘શ્યામલી, તું ગજબ છો, તને કેવી રીતે ખબર પડી કે વિક્રમ ઘરે આવશે? ’

આ બધા નવા નવા આશિકોના અણસાર છે.એમને શંકા જલ્દી જાગે ! ’ શ્યામલી ફિક્કું હસી. કુમારની બેવકૂફીને કારણે આજે ગડબડ થતાં થતાં રહી ગઈ . એને કુમાર પર ગુસ્સો પણ ચડ્યો . આવી બેદરકારી ?

‘કુમાર’, તું જમી લે, તને ભૂખ લાગી હતી ને!’ શ્યામલીએ વિષય બદલતાં કહ્યું.

‘ના શ્યામલી, મારી ભૂખ મરી ચૂકી છે…’ કુમારને સમજાઈ ગયું કે શ્યામલી ગુસ્સામાં છે.

‘સોરી શ્યામલી, હવેથી હું ધ્યાન રાખીશ. આવી બેવકૂફી નહીં કરું…’ કુમારે કાન પકડ્યો.

જો, હજી વિક્રમ હમણાં જ ઊતર્યો છે…થોડી વાર પછી બહાર જાય તો સારું…અથવા તો તું અહીમ જ રાત રોકાઈ જા’

‘નહીં, શ્યામલી, આજુબાજુવાળાને ખબર પડે કે રાતના અહીં તારી સાથે કોઈ પુરુષ રહે છે તો તું નાહકની બદનામ થઈ જઈશ.! ’

‘કુમાર, હજી થોડો સમય કાઢી લે. પછી એક વિધવા તો તને પરણી જ શકે છે ને… પછી તું આરામથી અહીં રહેજે, મારી સાથે, જિંદગીભર.’

‘ડાર્લિંગ. એક વાર હાથમાં રૂપિયા આવી જાય પછી કોઈ ફિકર નહીં.’

‘કુમાર, એક વાર તું મને વિક્રમના પિતા જગમોહન દીવાનનો પરિચય કરાવી શકે છે? આઈ મીન, મને એવી એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં જગમોહન દીવાન હાજર હોય…’ શ્યામલીનાં મનમાં જાણે કોઈ પ્લાન ઘડાઈ રહ્યો હતો

‘તારું ગાંડપણ ફરી શરૂ થઈ ગયું. શ્યામલી, મહેરબાની કરીને આડાઅવળા વિચારો કરવાનું બંધ કર. આપણને કરોડો નથી જોઈતા, લાખો હશે તો ચાલશે, શ્યામલી.’

‘તું કરોડોની ના પાડે છે, હું અબજોમાં વિચાર કરું છું…’ પછી કુમાર વિરોધ કરે એ પહેલાં જ એ બોલી ઊઠી : ‘ઓ.કે. કુમાર, તને મોડું થાય છે ને…ગેટ ગોઈંગ ’

શ્યામલીના બદલાયેલું રુપ જોઈને કુમારને નવાઈ લાગી. જગમોહન દીવાન જેવા મોટા ઉદ્યોગપતિને મળીને એ શું કરવા માગે છે? કુમાર વિચારતો હતો.

કુમાર લિફ્ટમા ઊતરવાને બદલે સીડીના રસ્તે નીચે આવ્યો. કોઈ મકાનમાં મળી ન જાય એની તકેદારી રાખતો એ કમ્પાઉન્ડની બહાર નીકળી ગયો. બહાર ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો.
કુમારે માથા ઉપર રૂમાલ ઢાંક્યો અને સામેની ફૂટપાથ તરફ જવા દોડ્યો.

એ જ વખતે એની સાથે એક માણસ અથડાયો. કુમાર પડતાં પડતાં બચી ગયો. મોઢામાંથી ગંદી ગાળ નીકળી જાય એ પહેલાં એણે પોતાના પર કાબૂ મેળવી લીધો.

સામેવાળી વ્યક્તિ ‘સોરી’ કહીને ચાલવા માંડી.

આ ચહેરાને ક્યાં જોયો છે? કુમાર વિચારતો હતો.

જાણીતો છે આ ચહેરો… કુમાર વિચારતો રહ્યો.

સામેની ફૂટપાથ પર પહોંચ્યો ત્યારે કુમારને અચાનક યાદ આવી ગયું.

એની સાથે ભટકાઈ હતી એ વ્યક્તિને એણે હમણાં જ પોતાના જ ફ્લેટમાં જોઈ હતી
ઓહ, વિક્રમ દીવાન !


હાથમાં પતિ જગમોહનનું વસિયતનામું આવી જતાં પ્રભા એટલી રોમાંચિત થઈ ગઈ કે એ રિવોલ્વર શોધતી હતી એ ભૂલી ગઈ. સવારથી બધાં આ જ વસિયતનામાનો ઉલ્લેખ કરે છે અને અચાનક એના હાથમાં આ લાલ ફોલ્ડર આવી ગયું,

પણ આટલા અગત્યના પેપર્સ જગમોહને કોઈના પણ હાથમાં આવી જાય એ રીતે શા માટે રાખ્યા હશે?

એમાં બે કારણ હોઈ શકે :

એક, કાં તો જગમોહન બેદરકાર છે એટલે એ મહત્ત્વના ડોક્યુમેન્ટ જ્યાં ત્યાં રાખી દે છે.

બીજું કારણ એ કે પ્રભા સમજે છે એટલા મહત્ત્વના પેપર્સ આ નથી. કદાચ જગમોહન પોતાના વસિયતનામાને અંગત રાખવા નથી માગતો.

આ જગમોહનની બેદરકારીનું જ પરિણામ છે એવા નિષ્કર્ષ પર પહોંચીને પ્રભાએ વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું. એક વાર વિચાર આવ્યો કે વિક્રમ અને કરણને બોલાવીને સાથે વાંચીએ પણ વિલમાં એ લોકો વિશે કંઈ ઊંધુંચત્તું લખાયું હશે તો… એ વિચાર કરીને એણે એકલાં જ વસિયતનામું વાંચવાનું ઉચિત માન્યું.

વિલના લખાણ પર એક નજર દોડાવતાં જ પ્રભા આશ્ચર્યચકિત થઈ ગઈ.

‘હું જગમોહન વ્રજલાલ દીવાન… પૂરા હોશહવાસ સાથે જણાવું છું કે મારી સમસ્ત સ્થાવર અને અસ્થાવર મિલકતનો ચોથો ભાગ જે.ડી. ચેરિટી ફાઉન્ડેશનને આપ્યા બાદ બાકીનો ૭૫ ટકા હિસ્સો મારી પત્ની અને ત્રણ બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવે…’

પ્રભાની આંખોમાં આંસુ ધસી આવ્યાં. વિલના લખાણનો અર્થ તો એ થાય કે જગમોહન એને ભૂલ્યો નહોતો. બંને વચ્ચે આટલા ગંભીર મતભેદ હોવા છતાં એણે જાણે કંઈ ન બન્યું હોય એમ પોતાની સંપત્તિને પત્ની અને બાળકો વચ્ચે સરખે ભાગે દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કોઈ મોટો અપરાધ કર્યો હોય એવી લાગણી પ્રભા અનુભવી રહી. અત્યાર સુધી એ હંમેશાં વિચારતી રહી કે જગમોહનને તક મળે તો એની પત્નીને ઘા મારવાનું ન ચૂકે. એ ધારત તો સંપત્તિ ફક્ત એના બાળકોના નામે કરી શકત…અને સમાજના ડરને કારણે જગમોહન એની પત્નીના નામનો સમાવેશ કરે એટલો ભીરુ નથી એ.

પહેલી વાર જગમોહને જાણે એને જમીનમાંથી ઊંચકીને આકાશ પર બેસાડી દીધી હોય એવી લાગણી એને થઈ આવી. સારું થયું કે વસિયતનામા પર નજર ફેરવી લીધી, નહીંતર પતિનું આ રૂપ તો જોવા જ ન મળત, જ્યારે સત્તાવાર રીતે વસિયતનામું વંચાત ત્યારે તો માફી માગવાનો સમય પણ બચત નહીં.

આજે જગમોહન આવશે ત્યારે…

પ્રભા વિચારતાં અટકી ગઈ. આજે જગમોહન આવશે તો એ શું કરશે? દોડીને ભેટી પડશે? પગે પડીને ક્ષમા માગશે? અરેરેરે… હું તમને ઓળખી જ ન શકી જેવા નાટકીય સંવાદો બોલશે. પ્રભા નક્કી ન કરી શકી કે જગમોહન આવશે ત્યારે કેવી રીતે રીએક્ટ કરવું.

હા, એણે મનોમન નિર્ણય લઈ લીધો હતો કે આજથી જગમોહન સાથે કોઈ ખટરાગ થાય એવી સ્થિતિ સર્જાવા નથી દેવી. આજથી એ પતિ સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. ક્યારેય વાદવિવાદમાં નહીં ઊતરે.

એક વાર પતિ સાથે પોતાનું વલણ બદલી નાખશે તો એને માફી માગવાની જરૂર પણ નહીં રહે. હંમેશાં સ્પષ્ટ શબ્દોમાં ‘આઈ એમ સોરી’ એવું કહેવાની જરૂરત નથી હોતી.

આજે એ વિક્રમ અને કરણની સામે માથું ઊંચું કરીને કહી શકશે કે તમને તમારા પિતા પર જેટલો અધિકાર છે એટલો જ હક મને મારા પતિ પર છે.

બંને બાળકો પણ ખુશ થઈ જશે. ગમે તેમ પણ જગમોહને કોઈને અન્યાય નથી કર્યેા,
સિવાય એક વ્યક્તિને…

એ વ્યક્તિને અન્યાય થયો છે એવું પ્રભાને નહોતું લાગતું, પણ એને ડર હતો કે એ લોકો એવું માનશે કે અમને જબરદસ્ત અન્યાય થયો છે.

દીકરી અને જમાઈ.

દીકરીનું નામ ભલે વસિયતનામામાં ઉમેરાયું હોય પણ બંને એવું જ માનશે કે જતીનકુમારનું પણ નામ વિલમાં હોવું જોઈએ.

આજે જગમોહન આવશે ત્યારે એ સમજાવશે કે મહેરબાની કરીને જતીનકુમાર માટે પણ જોગવાઈ કરી રાખજો.

જો કે, જગમોહનને એ કહેશે કેવી રીતે કે તારું વસિયતનામું મેં વાંચી લીધું છે, પ્રભાને મનમાં પ્રશ્ન થયો.

એ કહી દેશે કે રિવોલ્વર શોધતી હતી અને તારું વિલ હાથ લાગી ગયું.

હાઽપણ તો પછી રિવોલ્વર ક્યાં ગઈ?

બધી વાત આ રિવોલ્વર પર જ આવીને કેમ અટકે છે? (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button