અંધેરીની હૉસ્પિટલમાં એનેસ્થેસિયા આપ્યા પછી મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીની ખાનગી હૉસ્પિટલમાં કાનની સર્જરી પહેલાં એનેસ્થેસિયા આપ્યા પછી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હોવાની ઘટના બનતાં અંબોલી પોલીસે તપાસ હાથ ધરી હતી.
અંબોલી પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારની રાતે બનેલી ઘટનામાં કોન્સ્ટેબલ ગૌરી સુભાષ પાટીલ (28)નું મૃત્યુ થયું હતું. કાનની સર્જરી માટે ગૌરીને અંધેરી પશ્ર્ચિમમાં લોખંડવાલા સ્થિત એક્સિસ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધ્યો હતો.
આ પણ વાંચો: ચેતી જજોઃ અમદાવાદની હૉસ્પિટલો ઉભરાઈ રહી છે ડેંગ્યુના દરદીથી
કાંદિવલી પૂર્વના સમતાનગર ખાતે રહેતી પાટીલ અંધેરીના મરોલ સ્થિત લોકલ આર્મ્સ વિભાગમાં ફરજ બજાવતી હતી. ગુરુવારે રાતે 10.45 વાગ્યે પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ આવ્યો હતો, જેમાં મહિલા કોન્સ્ટેબલના મૃત્યુની જાણ કરાઈ હતી.
માહિતી મળતાં અંબોલી પોલીસ સ્ટેશનના અધિકારી હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા.
કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાથી દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.