પૅરાલિમ્પિક્સની તીરંદાજનાં ગર્ભમાં બાળકની મૂવમેન્ટ થંભી ગઈ અને પછી…

પૅરિસ: ગ્રેટ બ્રિટનની 31 વર્ષની જૉડી ગ્રિન્હૅમ નામની તીરંદાજ 2016ની રિયો પૅરાલિમ્પિક્સમાં 23 વર્ષની હતી અને અપરિણીત હતી, પણ હવે તે મમ્મી બની ચૂકી છે અને પૅરિસની પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવા આવી છે. વધુ નવાઈની વાત એ છે કે તે ગર્ભમાં સાત મહિનાના બાળકને લઈને હરીફાઈમાં ઊતરી છે.
સોમવારે તે ચિંતામાં મુકાઈ ગઈ હતી. તેના ગર્ભમાં બાળકની મૂવમેન્ટ અટકી જતાં તે ટેન્શનમાં આવી ગઈ હતી અને હૉસ્પિટલમાં દોડી ગઈ હતી. જોકે ડૉક્ટરે તેને કહ્યું હતું કે ‘બધુ નૉર્મલ છે, બૅબી સ્વસ્થ હાલતમાં છે અને તું સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. જોકે સ્પર્ધા પછી તારે સંપૂર્ણ આરામ કરવો પડશે.’
દિવ્યાંગ તીરંદાજ જૉડીએ પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભાગ લીધો અને વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ કમ્પાઉન્ડ ઓપનમાં ચોથા નંબરે રહી હતી. એમાં તેણે 693 પૉઇન્ટનો પોતાનો બેસ્ટ રેકૉર્ડ નોંધાવ્યો હતો. સાંજે તે મિક્સ્ડ-ડબલ્સમાં નૅથન મૅક્વીન સાથેની જોડીમાં કમ્પાઉન્ડ ઓપન રૅન્કિંગ રાઉન્ડમાં બીજા નંબરે રહી હતી.
આ પણ વાંચો: Paris Olympics 2024: ખરાખરીના ખેલોત્સવનાં ઐતિહાસિક ઓપનિંગની ઘડીઓ ગણાઈ રહી છે…
હવે તે શુક્રવારના આરામ પછી શનિવારે બાકીની હરીફાઈઓમાં નસીબ અને ટૅલન્ટ અજમાવશે.
જૉડી 2016ની રિયો પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી હતી. તેને એક પુત્ર છે. તેણે ત્રણ મિસ-કૅરેજ બાદ 2022માં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ ક્રિસ્ટિયન છે.
સામાન્ય રીતે મહિલા ઍથ્લીટ મોટી સ્પર્ધા આવી રહી હોય તો પ્રેગ્નન્સીની બાબતમાં પ્લાનિંગ કરતા હોય છે, પરંતુ જૉડી અને તેના પાર્ટનર ક્રિસ્ટોફરે પૅરિસ પૅરાલિમ્પિક્સ નજીક આવી રહી હોવા છતાં કોઈ ફૅમિલી પ્લાનિંગ કરવાનું ટાળ્યું હતું અને હવે સ્થિતિ એ છે કે જૉડી ચાલુ સ્પર્ધાએ ગર્ભમાં સાત મહિનાના બાળકને લઈને મેડલ માટે સંઘર્ષ કરી રહી છે.
જૉડીએ એક મુલાકાતમાં કહ્યું, ‘હું જાણતી હતી કે પૅરાલિમ્પિક્સ દૂર નથી, પરંતુ હું બીજી વાર મમ્મી બનવા માગતી જ હતી અને મેડલ જીતવા પર પણ મારું લક્ષ્ય હતું. મારા માટે બાળક અને મેડલ, બન્ને એકસરખા મહત્ત્વના છે. હું મમ્મી બનવાની સાથે સફળ ઍથ્લીટ પણ બનવા તત્પર છું.’