શૂટર અવની લેખરાએ પૅરાલિમ્પિક્સમાં ભારત માટે રચ્યો ઇતિહાસ
સતત બીજો ગોલ્ડ જીતી, મોના અગરવાલને બ્રોન્ઝ મળ્યો
પૅરિસ: ભારતની શૂટર અવની લેખરા દિવ્યાંગો માટેની સતત બીજી પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી છે. તે બે પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પહેલી એથ્લીટ બની છે. તેણે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ પછી હવે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં પણ સુવર્ણ ચંદ્રક પર કબજો કર્યો છે.
અવનીએ શુક્રવારે વિમેન્સ 10 મીટર ઍર રાઇફલની ફાઇનલ (એસએચ-1)માં આ સિદ્ધિ મેળવી હતી. આ જ કૅટેગરીમાં ભારતની મોના અગરવાલ બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
બાવીસ વર્ષની અવની રાજસ્થાનની છે. તે 11 વર્ષની હતી ત્યારે કાર અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજા પામી હતી અને કમરથી નીચેના ભાગમાં પૅરેલિસિસનો શિકાર થઈ હતી. તે 2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સમાં શૂટિંગમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની હતી. ત્યારે તે 10 મીટર ઍર રાઇફલમાં ગોલ્ડ અને 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સમાં બ્રૉન્ઝ જીતી હતી.
અવનીએ આ વખતે ફરી સુવર્ણ ચંદ્રક જીતવા ઉપરાંત ટોક્યો ઑલિમ્પિક્સના પોતાના રેકૉર્ડ (249.6)માં સુધારો પણ કર્યો હતો. શુક્રવારે અવનીએ 249.7નો સ્કોર નોંધાવ્યો હતો.
એસએચ-1 કૅટેગરીમાં એવી શૂટર ભાગ લે છે જેમને હાથની તથા પગની મૂવમેન્ટમાં અને કમરથી નીચેના ભાગમાં મૂવમેન્ટમાં તકલીફ હોય અથવા તો હાથ કે પગ કોઈક અકસ્માતમાં કે બીજી કોઈ ઘટનામાં ગુમાવી ચૂક્યા હોય અથવા જન્મથી જ તેમને એ અંગ ન હોય.
Also Read –