બાઇક અથડાણની ઘટના કોમી રમખાણોમાં ફેરવાઇ ગઇ…
બાઇકની નજીવી ટક્કર બાદ ઝઘડો કરી રહેલા યુવકે તેને રોકવા આવેલા લોકો સાથે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ પછી લોકોએ ઝઘડો કરતા યુવક ઈકબાલ પર હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ઈકબાલનું મોત થયું હતું. હવે યુવકના મોત બાદ વિસ્તારમાં ફેલાયેલી તંગદિલીને કારણે સુભાષ ચોક ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈકબાલના મોત બાદ તણાવ વધી ગયો છે. ઇકબાલનો પરિવાર ઇચ્છે છે કે આરોપીને વહેલી તકે પકડવામાં આવે.
આ બાબતે સુભાષ ચોક પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે રામગંજ, જયપુરના રહેવાસી અબ્દુલ મજીઝના પુત્ર ઈકબાલનું બાઇકની ટક્કરમાં મોત થયું હતું. રાત્રે ઇકબાલ જયસિંહ પુરા ઢોરથી બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન ગંગાપોળ સ્થિત માર્કેટમાં ઇકબાલની બાઇક રાહુલની બાઇક સાથે અથડાઇ હતી. બાઇક અથડાવા બાબતે બંને યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી.
બાઇક પર સવાર બંને યુવકોએ એકબીજાની કોમને ગાળો આપવાનું શરૂ કર્યું અને લોકોને ફોન કરવા લાગ્યા હતા. ત્યાં ઉભેલા વૃદ્ધે બંનેને અપશબ્દો બોલવાની ના પણ પાડી હતી. આ બાબતે ઈકબાલે ત્યાં ઊભેલા લોકો સાથે ઝઘડો કર્યો હતો. ઈકબાલ ઘટનાસ્થળે ઊભેલા લોકોને અપશબ્દો બોલવા લાગ્યો અને તેના કારણે ઝઘડો થયો હતો. લોકોએ ઇકબાલને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું. તેના પગ અને માથા પર નિર્દયતાથી હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. જો કે હુમલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇકબાલને ગંભીર હાલતમાં એસએમએસ હોસ્પિટલમાં ટ્રોમામાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ઇકબાલનું મોત થયું હતું. લડાઈમાં ઈકબાલના મોતની માહિતી મળતા જ તેની બાજુના લોકો એકઠા થવા લાગ્યા. વાતાવરણ બગડતા જોઈને વધારાનો પોલીસ ફોર્સ સ્થળ પર તહેનાત કરવામાં આવી હતી. પોલીસે એફએસએલ ટીમને બોલાવી ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઈકબાલની હત્યામાં સંડોવાયેલા 2-3 શકમંદોની અટકાયત કરી છે. અને તેમની પૂછપરછ કરી આ ઘટનામાં સંડોવાયેલા લોકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જયપુર પ્રશાસને ઈકબાલના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને ડેરી બૂથ આપવાની જાહેરાત કરી છે.