Dwarkaમાં 11 લોકોનું રેસ્ક્યુ કરાયું, જામ સલાયામાં જળબંબાકારની સ્થિતિ

ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદથી અનેક જિલ્લાઓ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં(Dwarka)સૌથી વધુ વરસાદ વરસ્યો છે. જેના લીધે સમગ્ર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. તેવા સમયે રાજ્ય સરકારે પણ પૂરમાં ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી હાથ ધરી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ગુરુવારે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી 04 નાગરિકોને કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટરની મદદથી એર લીફ્ટિંગ કરી સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા. જ્યારે દેવળીયા ગામે પણ પાણીમાં ફસાયેલા 7 લોકોને NDRF ટીમની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જામ સલાયામાં જળબંબાકારની સ્થિતિ
દેવભૂમિ દ્વારકાના જામ સલાયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 4 દિવસથી વરસાદી પાણીમાં જીવવા સ્થાનિકો મજબૂર બન્યા છે. સમગ્ર વિસ્તારમાં સિંહણ નદીના પાણી ફરી વળ્યા છે. ગામનાં 100 જેટલા ઘર જળમગ્ન થયા છે. તેમજ 15 દિવસ સુધી પાણી ઓસરતા નથી તેવો સ્થાનિકોનો દાવો છે.
7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો
દ્વારકા તાલુકામાં ગુરુવાર સાંજ સુધીમાં દ્વારકા તાલુકામાં વધુ 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રિના 4 ઈંચથી વધુ વરસાદ પછી ગત દિવસ દરમિયાન હળવા ઝાપટા સાથે કુલ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં પણ 4 ઈંચ વરસાદ જ્યારે ખંભાળિયામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.