Porbandarમાં કોસ્ટગાર્ડે પૂરમાં ફસાયેલા 17 લોકોને એરલિફ્ટ કર્યા, બે દિવસમાં 82 લોકોનું રેસ્ક્યુ

ગાંધીનગર : પોરબંદર(Porbandar) જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ ઉપરવાસથી આવતા ભાદર નદીના પાણીના પ્રવાહને લીધે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી ગુરુવારે વધુ 17 વ્યક્તિઓને એર લેફ્ટિંગ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જેમાં સિસલીમાં 9 ,અમીપુરમાં 6 અને મહિયારીમાં 2 વ્યક્તિઓને વાડી વિસ્તારમાંથી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. જ્યારે બે દિવસમાં કુલ 82 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
જેમાં નીચાણવાળા વિસ્તારમાંથી 1046 લોકોને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનોમાં સલામત રીતે રાખવામાં આવ્યા છે જ્યાં ભોજન અને આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે .બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ સુવિધાઓ આપવામાં આવી છે.
અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે
જિલ્લા પુરવઠા તંત્ર સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા ,ગ્રામ પંચાયત સૌના સહયોગથી અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે અને તેના પર એક કમિટી દેખરેખ રાખે છે. વિશેષમાં અસરગ્રસ્તો સિવાયના વિસ્તારમાં પણ આવશ્યક સેવાઓનો પુરવઠો જળવાઈ રહે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.
એસડીઆરએફ ની એક ટીમ કાર્યરત
પોરબંદર જિલ્લામાં એસડીઆરએફ ની એક ટીમ હતી અને બીજી એક ટીમ પણ કાર્યરત કરવામાં છે. પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરીને જુદા જુદા વિસ્તારમાં બંદોબસ્ત ખાસ કરીને જ્યાં જોખમ છે એવા રોડ પર કોઈ મુસાફરી ન કરે તે માટે પણ પ્રબંધ કરવામાં આવ્યો છે.