કચ્છના ખાવડામાં દુષિત પાણી પીવાથી એકસાથે ચાર બાળકોના મોત
ભુજ: કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા મોટી રોહાતડ ગામે અચાનક ચાર માસુમ બાળકોના મોત થયા હોવાનું બહાર આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગ્રામજનો દ્વારા દૂષિત પાણીના કારણે આ નિર્દોષ ભુલકાંઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી જેને લઈને આરોગ્ય તંત્ર દ્બારા તપાસ શરૂ કરાઈ છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રતડીયા જુથ ગ્રામ પંચાયત હસ્તક આવતા મોટી રોહાતડ ગામમાં રોગચાળો ફેલાયો હતો જેમાં નાના બાળકોને તાવ અને ઝાડા ઉલટી થયા બાદ સારવાર નસીબ થાય તે પહેલા જ ગણતરીના કલાકોમાં મોતની ઘટના બની હતી.
ત્રણ વર્ષના બે દીકરા અને ત્રણ અને છ વર્ષની બાળકીનું મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છે તેમજ ચાર બાળકો સહિત સાત વ્યક્તિ સારવાર તળે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ અને ખાવડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર મેળવી રહ્યા છે જેઓની હાલત હાલ સ્થિર છે. મોતનું કારણ જાણતા ગંભીર વાત સામે આવી છે.
નજીકમાં બાંડી ડેમ આવેલો છે જ્યાંથી પાણી મોટી રોહાતડ ગામના સંપમાં જમા થાય છે બાંડી ડેમમાં જળચર તેમજ પશુઓના મૃતદેહ તરતા હોવાના આક્ષેપો થયા છે જેથી આ દૂષિત પાણી ગામના સંપમાં આવે છે જે સંપની તપાસ કરતા ભયાનક દ્રશ્ય જોવા મળ્યા અહીં લીલના થર જામી ગયા છે.જાણે લીલો કલર કર્યો હોય તેવી સ્થિતિ છે સીડી કટાઈ ગયેલી હાલતમાં છે વર્ષોથી ટાંકાની સફાઈ ન કરાઇ હોવાનું સામે આવ્યું છે.આ પાણી ગામના લોકો પીવે છે જેથી સ્વાભાવિકપણે બીમારીનો ફેલાવો થાય.
નવાઈની વાત તો એ છે કે, પાણીના શુદ્ધિકરણ માટે સંપ પર આર.ઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે પરંતુ તે લાંબા સમયથી બંધ છે. જેથી લોકોના ઘરે દૂષિત પાણી જ જાય છે નિયમ પ્રમાણે,પાણીના સંપ પર પાણીની આવક-જાવક અને ક્યારે સફાઈ થઇ તે સહિતના રજીસ્ટરો નિભાવવાના હોય છે.પરંતુ હાજર વ્યક્તિ પાસે આવા કોઈ પ્રકારના રજીસ્ટર મળી આવ્યા નથી જેથી પાણી પુરવઠા વિભાગ કઈ રીતે કામ કરે છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ગામમાં પખવાડિયા દરમ્યાન ચાર બાળકોના મોત થયાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે સર્વે કરાયો હતો અને બુધવારે પણ ટીમ પહોંચી હતી. જ્યાં ગામના સરપંચ દ્વારા રજુઆત કરાઈ કે,વર્ષ ૨૦૧૮થી સંપમાં સફાઈ બાબતે રજૂઆત કરવા છતાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી જેથી.
દરમ્યાન, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોટી રોહાતડ ખાતે એક હંગામી દવાખાનું શરૂ કરાયું છે ઉપરાંત ઘરોમાં ફરીને સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. આ ચોંકાવનારી ઘટના બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર ફૂલમાલી અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.કેશવકુમારે મોટી રોહાતડ ગામની મુલાકાત લીધી હતી.