The Angry Young Men-આમાં નવું શું છે?
ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા
‘એમેઝોન પ્રાઈમ’ પર સલીમ-જાવેદના જીવન પર આધારિત ત્રણ ભાગની સિરીઝThe Angry Young Men ગયા અઠવાડિયાના અંતમાં રિલીઝ થઇ. જે રીતે આ સિરીઝનું પ્રમોશન કરવામાં આવ્યું હતું તેને કારણે આ સિરીઝ પરની અપેક્ષા ખૂબ વધી ગઈ હતી, પરંતુ જે લોકો આ જોડીની ફિલ્મોના ચાહક હશે અને જેમણે આ બંનેના ભૂતકાળના ઇન્ટરવ્યુઝ યુટ્યુબ પર જોયા હશે તેમને આ વેબસિરીઝથી ખરેખર નિરાશા થઇ હશે.
એમાં એવું કશું જ નથી જે આપણે નથી જાણતા. આ બંનેને અગાઉ એક સાથે અને અલગ અલગ આપેલા ઇન્ટરવ્યુમાં એ જ વાતો કરી છે, જે આ સિરીઝમાં છે. હા, ફક્ત ગ્લોસી બેકગ્રાઉન્ડ અને પ્રોડક્શન વેલ્યુ જબરદસ્ત છે, બાકી ઠનઠન ગોપાલ.બીજું, આ સિરીઝ સલીમ-જાવેદ નહીં, પરંતુ એમનાં સંતાનોને હાઈલાઈટ કરવા માટે જ બની હોય એવું સ્પષ્ટ દેખાય છે. ‘મારા પપ્પા આવા… મારા પપ્પા તેવા…’ બસ , આવું જ ગાણું અહીં ગવાયું છે.
જે રીતે અમે અમારા પપ્પાઓના બીજા લગ્ન કે અફેરને સ્વીકારી લીધા એને જોઇને તમારે અમને મહાન કહેવા જોઈએ – આ પ્રકારની લાગણી આ શ્રેણીમાંથી વધુ પ્રગટે છે. બીજું, આ બંને છુટા પડ્યા ત્યાર પછીની બે ફિલ્મો ‘ક્રાંતિ’ અને ‘મિ. ઇન્ડિયા’ વિષે બે શબ્દો પણ આ સિરીઝમાં નથી. આ બંને ફિલ્મ સુપર હીટ થઇ હતી તેમ છતાં તેના વિષે કશું જ નથી. ટૂંકમાં ફિલમી ભાષામાં કહીએ તો અનેક સુપરહિટના સર્જક એવા સલીમ -જાવેદના ચાહકો માટે આ સિરીઝ સુપર ફ્લોપ છે
‘આઈફા’ માં છવાશે ‘એનિમલ’?
૨૦૨૩ના અંતમાં આવેલી પરંતુ સહુથી મોટી ફિલ્મ એનિમલ’ને IIFAમાં ૧૧ કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. આ નોમિનેશન્સમાં મુખ્ય છે ડિરેક્શનમાં સંદીપ રેડ્ડી વંગા, બેસ્ટ એક્ટર તરીકે રણબીર કપૂર, સપોર્ટિંગ એક્ટરમાં અનીલ કપૂર વગેરે સામેલ છે. જો કે, મૂળ વાત એવી છે કે શું આ ફિલ્મને એક પણ એવોર્ડ આપવાની હિંમતIIFAના સંચાલકો દેખાડી શકશે? કારણકે આ ફિલ્મને બિનજરૂરી વિવાદમાં ઘસેડવામાં આવી છે. ફિલ્મના અમુક દ્રશ્યો પર વગર કોઈ કારણે પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે. એક એવું ચિત્ર ઉપસાવવાંમાં આવ્યું છે કે ‘એનિમલ’ એ સ્ત્રી વિરોધી છે. પરંતુ જેણે પણ આ ફિલ્મને કોઈપણ પ્રકારના વિચાર ‘ચશ્માં’ પહેર્યા વગર જોઈ હશે એણે આ ફિલ્મને બસ, માણી જ હશે. જે લોકોને વિવાદ ઊભો કરવામાં જ રસ છે કે પછી જે આ ફિલ્મને સમજ્યા નથી અને જેમને આ ફિલ્મમાં ફક્ત હિંસા જ દેખાઈ છે એમણે એક હકીકત ધ્યાનમાં નથી લીધી કે ફિલ્મનું નામ જ ‘એનિમલ’ છે. ફિલ્મનું મુખ્ય પાત્ર જ એનિમલ એટલે કે જાનવર જેવું છે અને જાનવરના તમામ ગુણો આ ‘એનિમલ’માં પણ છે એટલે કોઈ એનિમલ આવું નહીં કરે જેમ ફિલ્મમાં રણબીર કપૂર કરે છે ..
હવે સવાલ અહીં એ જ છે કે શું IIFAના સંચાલકો હિંમત દેખાડી શકશે એનિમલ’ને એવોર્ડ આપવાની? કે પછી એ લોકો પણ આ વિવાદના દબાણમાં આવી જઈને નોમિનેશન આપ્યા બાદ એવોર્ડ આપવાનું મુલતવી રાખશે?
ચાલો, રાહ જોઈએ IIFA ની મેન ઇવેન્ટ બહુ દૂર નથી.
આજનો દિવસ જલસા કરો
આ લેખ જો આપ સવારના પહોરમાં જ વાંચતા હશો તો જલ્દીથી તમારી બુકિંગ એપ ખોલો અને એમાં ‘રહેના હૈ તેરે દિલ મે’ – (RHTDM), સર્ચ કરો, કારણ કે આજે આ ત્રણેય ફિલ્મ ગેન્ગસ ઓફ વાસેપુર ૧ અને ૨‘પરદેસ’ અને ‘તુંબાડ’ રી- રિલીઝ થવાની છે અને એ પણ તમારા નજીકના મલ્ટીપ્લેક્સમાં. આજે આમ પણ બોલિવુડની કોઈ મેજર રિલીઝ નથી એટલે મોકો જોરદાર છે.
ઓહોહો… શું દિવસો હતા એ… યંગ માધવન અને સૈફ અલી ખાનની ટક્કર વાસેપુર જેવા બિહારના નાનકડા ગામમાં થતી ગેંગવોર અને એ પણ બે ભાગમાં!
એ જ રીતે, NRI સાથે સગાઈ થયા બાદ પસ્તાતી ગંગા જ્યારે અન્ય ‘પરદેસી’ના પ્રેમમાં પડી જાય છે કે ગાત્રો ધ્રુજાવી દેતી :‘તુંબાડ’ આ બધી જ ક્લાસિક છે.એટલું જ નહીં, આ તમામ ફિલ્મના તમામ પાત્રો અમર થઇ ગયાં છે. માધવનની હિન્દી ફિલ્મોની કરિયરને RHTDMથી કિક મળી એટલું જ નહીં , આજે પણ આ ફિલ્મ અને તેનાં ગીતો એટલા જ ફ્રેશ છે. મનોજ બાજપાઈ અને પંકજ ત્રિપાઠી જેવા સંનિષ્ઠ કલાકારોની કરિયરની ગાડી આ જ ગેન્ગસ ઓફ વાસેપુરથી પાટે ચડી ગઈ હતી. આવા તો અનેક ઉદાહરણ છે આ ફિલ્મો સાથે સંકળાયેલા એટલે જરાય ચૂકતા નહીં, જો તક મળે તો બોલીવૂડના ભવ્ય ભૂતકાળને ફરીથી જીવી લેજો.
(‘ગેન્ગસ ઓફ વાસેપુર’ કે ‘તુંબાડ’ નું પોસ્ટર લેવું )
કટ એન્ડ ઓકે!
અમિતાભ બચ્ચનના પરિવારની ઓફિસે ‘સ્વિગી’ એપના અમુક ટકા શેર ખરીદ્યા છે તો શું હવે એની એડમાં પણ આ મહાનાયક જોવા પડશે ?!